Charchapatra

ચૂંટણી પ્રચારનું બદલાતું સ્વરૂપ એ.આઈ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે  લગભગ દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી પગપેસારો કરી લીધો છે. આપણા દેશમાં  રાજકીય પક્ષો દ્વારા પણ એ.આઈ. નો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. એ રાજ્યોમાં  ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક પાર્ટી મતદારો સુધી પહોંચવા માટે એ.આઈ.નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. એ.આઈ.નો પોઝિટિવ ઉપયોગ કરવામાં આવે તો તે આવકારદાયક  છે પરંતુ કેટલીક વખત ફેક ઓડિયો અને વીડિયો બનાવીને પ્રતિપક્ષના ઉમેદવાર માટે ભયજનક સામગ્રી પ્રજા આગળ પીરસવામાં આવે છે. ખોટી માહિતી ઝડપથી વાઇરલ પણ થઈ જતી હોય છે.

પ્રજા આ બધું બિચારી બનીને સહન કરી લે છે. એ.આઈ. નો દુરુપયોગ કરીને નૈતિકતાનો  ભંગ થતો હોય તો તે લોકશાહી માટે ખતરારૂપ છે. ભારતના ચૂંટણી પંચ પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે પ્રજાના હિત માટે  એ.આઈ. ના ઉપયોગ અંગે કડકમાં કડક આચાર સંહિતા લાગુ કરવામાં આવે. એ.આઈ.ના નેગેટિવ ઉપયોગથી ભારતની પ્રજા ગેરમાર્ગે દોરવાઇ જાય એ ખૂબ જ જોખમકારક છે. ભારતના ઇલેક્શન કમિશન દ્વારા ઇલેક્શન કેમ્પેઇનમાં કૃત્રિમ બુદ્ધિના ઉપયોગ માટે માર્ગદર્શિકા તો જાહેર કરવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ છે કે રાજકીય પક્ષો દ્વારા એનું પાલન કેટલું અને કેવું કરવામાં આવશે? નકલી અને ડીપ ફેક વીડિયો અને ઓડિયો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે જે સરાહનીય છે. એ.આઈ. ના દુરુપયોગને પરિણામે મતદારો મૂંઝવણ અનુભવીને ખોટો નિર્ણય લેશે તો તે ભારતની લોકશાહી માટે ખતરનાક સાબિત થશે.
નવસારી    – ડૉ. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top