આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં સપડાઇ છે. એડવોકેટ હિતેષભાઈ રોહિતે આ અંગે ઉચ્ચ કક્ષાએ કરેલી રજુઆતોમાં યુનિવર્સિટી કક્ષાએ કેટલી લાલીયાવાડી ચાલી રહી છે. તેનો પર્દાફાશ કર્યો છે. જોકે, તેમણે કાર્યકારી કુલપતિ સામે પણ આક્ષેપ કર્યો હતો અને કાયમી બનવા માટે તેમણે અનેક નિયમો નેવે મુક્યા હોવાનું જણાવ્યું હતું. પેટલાદના એડવોકેટ હિતેષભાઈ રોહિતે રજુઆતમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદામાં (એસ.77) અભ્યાસ સમિતિની મુદત ત્રણ વર્ષની છે તથા તે પૂર્ણ થયા બાદ નવેસરથી તેની પુનઃ રચના કરવાનીહ ોય છે. તેને આગળ ચાલુ રાખવાનું કાયદામાં કોઇ જ પ્રોવિઝન ન હોવા છતાં કા. કુલપતિ નિરંજન પટેલ દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને આ ગેરબંધારણીય કામ કર્યું છે.
જેમાં તેમણે આ અંગે કાયદામાં કઇ જોગવાઇ છે ? તે બાબતે ખુલાસો કરવો જોઈએ. તેઓ દ્વારા એનઇપી 2020ને ધ્યાને લઇને અનુભવી ચેરમેનની મુદત વધારવામાં આવી હોવાનું જણાવ્યું છે. પરંતુ તે તદ્દન ખોટી વાત છે. કારણ કે એનઇપી 2020 હેઠળ તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમો અંગે ચેરમેનોને પુછવામાં જ આવ્યું નથી. તેવો અમુક ચેરમેનો દ્વારા યુનિવર્સિટીને રજુઆતો કરવામાં આવી છે. વધુમાં બે વર્ષની મહેનત બાદ જે અભ્યાસક્રમો એક બે આચાર્યો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. તે તમામ અભ્યાસક્રમો હવે ફરીથી બનાવવા પડશે. કારણ કે સરકાર દ્વારા નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. ગત ટર્મમાં સ્ટેચ્યુટમાં જરૂરી સુધારો કરવામાં આવેલો હોય અને તેને સરકારમાં મંજુરી માટે મોકલેલા હોય તે સમયગાળા માટે સમિતિના સભ્યો તથા અધ્યક્ષોનો સમય લંબાઇ આપ્યો હોય તે સિવાય બીજી કોઇ પણ બાબતે કોઇ ઠરાવ કે દરખાસ્ત હોય તો તે જાહેર કરવી જોઈએ.
કા.કુલપતિ નિરંજનભાઈ કે જેઓ આર્ટ્સ ફેકલ્ટીના ડીન છે અને જેને લઇને તેઓને હાલ કાર્યકારી કુલપતિનો વધારાનો હવાલો મળ્યો છે. તેઓની ડીન તરીકેની મુદત 20મી જુલાઇ,2023ના રોજ પૂર્ણ થતી હોઇ જેના લીધે તેઓ કાર્યકારી કુલપતિનો હવાલો સંભાળી ન શકે. જેથી 20મી જુલાઇ,2023 પહેલા 19મી જુલાઇ,23ના રોજ સિન્ડીકેટની સભા બોલાવીને તેમના લાગતા વળગતા સિન્ડીકેટ સભ્યો સાથે મળીને યુનિવર્સિટીના કાયદાની કલમની વિરૂદ્ધ થઇને પોતે ડીન તરીકે એક્સટેન્સન મેળવી લેશે. જેથી તેઓ કાર્યકારી કુલપતિના ચાર્જમાં રહી શકે. તે માટેની ગોઠવણ નિયમ વિરૂદ્ધ કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આમ, નિરંજનભાઈ દ્વારા કાયમી કુલપતિ બનવા માટે યુનિવર્સિટી, સરકારના ઘણા ધારાધોરણોના છેદ ઉડાડી નિર્ણય કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ઘણાને આર્થિક લાભ, પદ અને પ્રતિષ્ઠા જેવા વ્યક્તિગત લાભો આપી પોતે કઇ રીતે કાયમી કુલપતિ બને તેનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. તેથી સરદાર પટેલ યુનિવર્સિટીની ગરિમામાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. આથી, કમિટિનું ગઠન કરવામાં આવે અને આવી તમામ ફરિયાદ કરનારા લોકોને પુરાવા સાથે બોલાવી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
પીએચડીમાં નિયમો વિરૂદ્ધ પ્રવેશ અપાયાં ?
સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદાઓની વિરૂદ્ધ જઇને બોગસ એડમીશન આપવામાં આવ્યાં છે. જે વ્યક્તિ કો-ઓપરેટિવ સેક્ટરમાં કામ કરે છે. તેઓને પીએચડી એન્ટ્રન્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને વધુમાં તેઓની પ્રી પીએચડી કોર્ષ વર્ક કે જે ફરજીયાત છે. તેમાંથી પણ મુક્તિ આપીને એડમીશન મંજુર કરવામાં આવ્યું છે. આ અંગે નિરંજનભાઈએ જણાવ્યું હતું કે, ક્યા કાયદા હેઠળ તેઓને એન્ટ્રન્સમાંથી મુક્તિ આપવામાં આવી ? અને ક્યા કાયદા તેઓની પ્રી. પીએચડી કોર્ષમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોના દબાણ હેઠળ આ પ્રવેશ ફાળવ્યો છે ? અગાઉ યુનિવર્સિટીમાં પીએચડીના કોઇ પણ વિદ્યાર્થીને એન્ટ્રન્સ અને કોર્સ વર્કમાંથી માફી આપી હોય તેવો કોઇ પણ કેશ હોય તો તે જાહેર કરવો જોઈએ. અહીં એ બાબતની નોંધ લેવી જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સમાં અને કોર્ષ વર્કમાં ફેલ થવાને લીધે પીએચડીમાં પ્રવેશથી વંચિત રહી જતાં હોય છે. શું આ વ્યક્તિના કારણે પણ નિરંજનભાઈને કોઇ પાયદો થવાનો છે ? તે માટે આ નિર્ણયની પણ તપાસ થવી જોઈએ.
અગાઉ પણ આવી પ્રથા પડેલી છે તેવા જવાબ
હિતેષભાઈએ રજુઆતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કાયદાઓનું કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાઓ દ્વારા ઉલ્લંઘન ન થાય તે જોવાની બંધારણીય ફરજ છે. પરંતુ નિરંજનભાઈ દ્વારા ઘણા બધા નિર્ણયો યુનિવર્સિટી હેન્ડબુકના નિયમો વિરૂદ્ધ તથા તેમની સત્તામાં ન આવતા હોવા છતાં લેવામાં આવ્યાં છે. આ અંગે તેઓ બિનજવાબદાર નિવેદન આપે છે કે, આવી અગાઉ પણ પ્રથા પડેલી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના આર્થિક કૌભાંડમાં વિજીલન્સ તપાસની માંગ
યુનિવર્સિટીમાં આચરવામાં આવેલા ડિઝલ કૌભાંડને દબાવી દઇ લાગતા વળગતાને આર્થિક લાભ કરાવ્યો છે. યુનિવર્સિટીને તમામ ગાડીઓની લોગબુક તથા તેમાં થયેલા ડિઝલ ખર્ચ તથા ગાડીની એવરેજની ચકાસણી કરવામાં આવે તો ખૂબ જ મોટું કૌભાંડ થયેલું માલુમ પડી શકે છે. જે અંગે વિજીલન્સ તપાસ થવી જોઈએ.
ફાયનાન્સીયલ સત્તા ન હોવા છતાં ગેરબંધારણીય રીતે કોઇ પણ કોટેશનની પ્રક્રિયાઓ કર્યા વગર ઇમરજન્સી ઉભી કરીને નેક સમિતિ દ્વારા પોતાના લાગતા વળગતાઓના બીલ પાસ કર્યા છે. યુનિવર્સિટી દ્વારા હાલ ઓડીટોરીયમ બનાવવામાં આવ્યો છે. જેમાં મ્યુઝીક સિસ્ટમ, એર કન્ડીશન સીસ્ટમ અને ખુરશીઓ ટેન્ડર પ્રક્રિયામા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે.
યુનિવર્સિટી દ્વારા સ્વીમીંગ પુલના નિર્માણમાં ચાલુ થયાને થોડા સમયમાં જ વોટર ફિલ્ટરની મેન મોટર ખરાબ થઇ ગઈ હતી. જેથી ખરાબ ગુણવત્તાની હોય તેમ માલુમ પડ્યું છે.
યુનિવર્સિટી દ્વારા ભુતકાળમાં કરવામાં આવેલા વિવિધ પોલીસ કેસ, કોર્ટ કેસ તમામ પાછા ખેંચી લીધા છે. જેથી યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં કેસ પાછળ જે કઇ લાખોનો ખર્ચ કર્યો હોય તે તમામ ખર્ચ નિરંજનભાઈ પાસેથી વસુલવો જોઈએ.
અમુક કોલેજને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીની મંજુરી વગર ફિ ઉઘરાવવામાં અનિયમિતતાને ધ્યાને લઇને દંડ કર્યા હતા. તેને નિરંજનભાઈ દ્વારા લાગતા વળગતાઓ સાથે મળીને ગેર બંધારણીય રીતે તમામ દંડ માફ કરવામાં આવ્યાં છે.