Editorial

અરવલ્લી પર્વતમાળામાંથી ખનીજચોરી મામલે કેન્દ્ર સરકાર ઉંઘતી ઝડપાઈ છે

આપણાં દેશમાં કાયમ ભ્રષ્ટાચાર પહેલા થાય છે અને તેના ઉપાયો પછી શોધવામાં આવે છે. તાજેતરમાં જ અરવલ્લી પર્વતમાળા સંદર્ભે પણ આવી જ સ્થિતિ થઈ. દેશની સૌથી પ્રાચીન પર્વતમાળા તરીકે ઓળખાતી અને ચાર રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી 700 કિ.મી. જેટલી લાંબી અરવલ્લી પર્વતમાળામાં ઘણા સમયથી ખનીજસંપત્તિની ચોરી શરૂ કરી દેવામાં આવી હતી. ખનીજ માફિયાઓ દ્વારા આ ખનીજ સંપત્તિની ચોરી કરાઈ રહી હતી.

આ કારણે અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે ચળવળ ચાલી રહી હતી. તાજેતરમાં 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ભૂ-આકૃતિને જ અરવલ્લી પહાડી માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને કારણે અરવલ્લીની 90%થી વધુ પહાડીઓ સંરક્ષણના દાયરામાંથી બહાર થઈ જાય તેવી સ્થિતિ હોવાથી મોટો વિવાદ ઊભો થયો હતો. વિવાદને પગલે આખરે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે સમગ્ર અરવલ્લી રેન્જમાં નવી માઇનિંગ લીઝ જારી કરવા પર રોક લગાવી દીધી છે.

કેન્દ્રએ રાજ્ય સરકારોને અરવલ્લીમાં કોઈપણ પ્રકારના નવા ખનન પટ્ટા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્દેશો જારી કર્યા છે. આ પ્રતિબંધો સમગ્ર અરવલ્લી પર સમાનરૂપે લાગુ પડશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જારી કરાયેલા લેખિત નિવેદન અનુસાર, આ આદેશનો હેતુ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી ફેલાયેલી સતત ભૂસ્તરશાસ્ત્રીય શૃંખલા તરીકે અરવલ્લીનું રક્ષણ કરવાનો અને તમામ અનિયમિત ખનન પ્રવૃત્તિઓને રોકવાનો છે. પરંતુ અત્યાર સુધી ખનીજ સંપત્તિની ચોરી થઈ ગઈ તેનું શું?

અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણાના દક્ષિણ ભાગમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી દિલ્હીના દક્ષિણ ભાગ સુધી ફેલાયેલી છે. દિલ્હી પહોંચતા આ પર્વતમાળા મેદાન બની જાય છે. અમદાવાદમાં સ્થિત ગુલબાઈ ટેકરો અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે. અરવલ્લી પર્વતમાળાનો 80 ટકાનો ભાગ રાજસ્થાનમાં આવેલો છે. અને આ પર્વતમાળા રાજસ્થાનને ઉત્તર અને દક્ષિણ આમ બે ભાગોમાં વહેંચે છે. દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન રાયશેલા પર્વત પર તૈયાર કરાયું છે જે અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે. અરવલ્લીની સૌથી ઉંચી ટોચ જેનું નામ ગુરૂશિખર છે. જે દરિયાકાંઠાથી 1722 મીટર ઉંચી છે. આ માઉન્ટ આબુમાં સ્થિત છે.

અરવલ્લી પર્વતમાળાની સરેરાશ ઉંચાઈ 930 મીટર છે. તેના કેટલાક વિસ્તારો ખનિજોથી ભરેલા છે. જેમાં પિત્તળ, લોખંડ જેટલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ભાગમાં આ પર્વતમાળાની ઉંચાઈ અને પહોળાઈ વધારે છે. તેમજ દિલ્હીના ભાગોમાં તે ઘટી જાય છે. અરવલ્લી પર્વતમાળાઓનું અલગ રાજ્યમાં જૂદા- જૂદા નામથી સંબોધિત કરાય છે. જેમ કે ઉદયપુરમાં જગ્ગા પર્વત, અલવરમાં હર્ષનાથ પર્વત, અને દિલ્હીમાં દિલ્લીના પર્વત. અરવલ્લીના દક્ષિણ ભાગના વિસ્તારો હરિયાળી વાળા છે. જ્યારે ઉત્તરના ભાગમાં તે રણ સ્વરૂપમાં છે. અરવલ્લી પર્વતમાળાના પશ્ચિમ વિસ્તારમાં થાર રણ આવેલું છે. જે પર્વતોને પુર્વ વિસ્તારમાં ફેલાવાથી રોકે છે. આ પર્વતમાળામાં કેટલીક નદીઓનું ઉદગમ સ્થળ છે. જેમાં સાબરમતી, લૂની, સાખી, બાના નદીઓનો સમાવેશ થાય છે.

આટલી વિશાળ પર્વતમાળા હોય અને તેમાં ભરપૂર ખનીજ સંપત્તિ હોય એટલે ખનીજ માફિયા કામે નહીં લાગે તો જ નવાઈ હોય. અરવલ્લી પર્વતમાળાને ખોદી કાઢવાની પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી હતી. જેનો ભારે વિરોધ પણ થઈ રહ્યો હતો પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા તેની પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. હાલમાં જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે કેન્દ્ર સરકાર ઉંઘમાંથી જાગી હતી. કેન્દ્રના નિર્દેશને પગલે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE)ને સમગ્ર અરવલ્લી પ્રદેશમાં સતત ખાણકામ માટે એક વ્યાપક, વૈજ્ઞાનિક યોજના તૈયાર કરવાના નિર્દેશો આપ્યા છે. આ યોજનામાં પર્યાવરણીય અસર અને પારિસ્થિતિક વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરવાની સાથે-સાથે પારિસ્થિતિક રીતે સંવેદનશીલ અને સંરક્ષણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ વિસ્તારોની ઓળખ કરશે.

પુનર્સ્થાપન અને પુનર્વસનના ઉપાયો નિર્ધારિત કરશે. આ યોજનાને સંબંધિત હિતધારકો સાથે પરામર્શ માટે સાર્વજનિક કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિવેદન મુજબ સમગ્ર અરવલ્લી વિસ્તારમાં ખનનથી સંરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોના દાયરાને વધુ વધારવામાં આવશે. અરવલ્લી પર તૈયાર કરવામાં આવી રહેલા પ્લાનમાં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જોકે, સરકાર પર કોઈને ભરોસો નથી. અરવલ્લીને બચાવવા અને તેની સુરક્ષા માટે 1000 કિલોમીટર લાંબી ‘અરવલ્લી આંદોલન’ જનયાત્રાનો બુધવારે સિરોહીના માઉન્ટ આબુમાં અર્બુદા દેવી મંદિરથી પ્રારંભ થયો હતો.

યાત્રાનું નેતૃત્વ રાજસ્થાન યુનિવર્સિટી (જયપુર)ના પૂર્વ વિદ્યાર્થી સંઘ પ્રમુખ નિર્મલ ચૌધરી કરી રહ્યા છે. આ યાત્રા સફળ થશે કે કેમ તે સમય કહેશે, પરંતુ વિવાદ વધુ વકરે તે પહેલા કેન્દ્ર સરકારે આદેશો આપી દીધા છે. જોકે, સત્ય એ છે કે કેન્દ્ર સરકારે પહેલેથી જ જાગવાની જરૂરીયાત હતી. દેશમાં દરિયાકિનારા સલામત નથી, રેતીખનનને કારણે નદીઓ સલામત નથી, હવે હદ થઈ ગઈ છે, કારણ કે દેશમાં પર્વતો પણ સલામત નથી. કેન્દ્ર સરકાર ખનીજ સંપત્તિની ચોરી થાય તે પહેલા જ જાગશે તો જ દેશમાં પર્વતો બચશે તે નક્કી છે.

Most Popular

To Top