Comments

કીડી પર કટક ને વરુ છુટ્ટાં ફરે

‘સમયના જે તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ એનાથી તમે વાકેફ ન હો તો મારી વાર્તાઓ વાંચો અને તમે એ વાર્તાઓ સહન કરી શકતા ન હો એનો અર્થ એ કે આ સમય જ અસહ્ય છે. મારા લેખનમાં કોઈ ખામી નથી.’ આ વાત ખ્યાતનામ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ લખી હતી.આ વાત વારેવારે યાદ આવે છે, પણ મંટોના સંદર્ભે નહીં. સંદર્ભો બદલાતા રહે છે.

આજ કાલ ઈન્દોર સ્થિત એક કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાની પાછળ મધ્ય પ્રદેશની સરકાર લાગેલી છે. હેમંત માલવિયાએ ચીતરેલા,વડા પ્રધાન મોદી અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ને દર્શાવતા એક કાર્ટૂનથી દુભાઈને એક કાર્યકર્તા દ્વારા માલવિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. એ પછી અદાલતમાં આ મામલો આવતાં અદાલતને એ કાર્ટૂન ‘અભદ્ર’ જણાયું. માલવિયાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો.

અલબત્ત, કાર્ટૂનિસ્ટ માલવિયાએ જણાવ્યું કે એ કાર્ટૂન પોતે કોવિડના સમયગાળા દરમ્યાન બનાવેલું. પરિસ્થિતિ જોતાં અદાલત કાર્ટૂનિસ્ટને પાઠ ભણાવવા મક્કમ હોય એમ લાગે છે. અગાઉ એક વાર માલવિયાએ બાબા રામદેવનું એક કાર્ટૂન ચીતરીને તેમનો ખોફ વહોરી લીધો હતો. બાબાએ તેમની પર દાવો માંડી દીધો હતો.

આવી કોઈક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મંટોનું કથન યાદ આવે છે. કાર્ટૂનિસ્ટો ખરું જોતાં સમાજને અરીસો ધરે છે. એમની રીત આગવી હોય છે અને વ્યંગ્યની ધારને કારણે એ ધાર્યું નિશાન પાર પાડી શકે છે. કાર્ટૂનિસ્ટે ધરેલા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને અકળાઈ જનાર એને સહન કરી શકતો નથી, એનો અર્થ એ કે મામલો જ અસહ્ય છે. પણ આ એમને સમજાવે કોણ? છેવટે સત્તાધારી પક્ષ પાસે આખેઆખું તંત્ર હોય છે અને તેના સહારે એ ‘કીડી પર કટક’ દોડાવે છે.

બાબા રામદેવ ગુનાહિત બેદરકારી આચરે, અપપ્રચાર કરે અને લોકોને ગેરમાર્ગે દોરીને કરોડોનો વ્યાપાર કરે, પણ એમ કરતાં તેઓ પકડાઈ જાય ત્યારે એમને માત્ર ઠપકો આપીને જવા દેવામાં આવે છે. આથી થોડા સમય પછી બેશરમીથી તેઓ આવું તૂત લઈને ફરી વાર મેદાનમાં આવી જાય છે. આની સામે એક કાર્ટૂનથી ન્યાયતંત્રને દેશની અખંડિતતા, એકતા, સુરક્ષા વગેરે જોખમાઈ જતાં લાગે છે. આ હકીકતથી મોટી મજાક શી હોઈ શકે?

ગુજરાત રાજ્યમાં એક પુલ તૂટી જાય ત્યારે ભણતરે સિવિલ એન્જિનિયર એવા મુખ્યમંત્રી જણાવે છે,‘ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટી ગયો છે.’આનાથી વધુ સંવેદનહીન બાબત કોઈ હોઈ શકે ખરી? કાયદાની, નાગરિકોની આ મજાક નથી? પણ ના. આ બધાને નજરઅંદાજ કરીને પ્રમાણમાં નબળા છે એની પર ધોંસ જમાવવાથી તેમની પર ધાક બેસાડી શકાશે એમ સરકારને લાગે છે. આવી પ્રજાતિમાં કાર્ટૂનિસ્ટોનો વારો ચડી જાય, એટલું જ નહીં, વારેવારે ચડતો રહે એમાં શી નવાઈ?

શાસક પક્ષનું ટ્રોલ દળ વ્યક્તિની વય, પ્રદાન કે વ્યક્તિત્વની પરવા કર્યા વિના કેવળ સત્તાપક્ષની આલોચના કરનાર કોઈનું પણ ચરિત્રહનન કરી શકે, ખરાબમાં ખરાબ ગાળો બોલી શકે, યા નરાતળ જૂઠાણાં ફેલાવી શકે અને તેની સામે કંઈ પગલાં લેવામાં ન આવે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક કશી બાબતની સાચી ટીકા કરે કે તરત તેની પાછળ તંત્રને દોડાવી મૂકવામાં આવે.

થોડા મહિના અગાઉ મહિલા કાર્ટૂનિસ્ટ રચેતા તનેજાને પણ ‘અદાલતની અવમાનના’ બદલ દોડતાં કરાયાં હતાં. ‘સેનીટરી પેનલ્સ’ નામની પોતાની કાર્ટૂન શ્રેણીમાં તેમણે સર્વોચ્ચ અદાલતના સત્તાપક્ષતરફી વલણની ટીકા કરતાં કાર્ટૂન દોર્યાં હતાં. અલબત્ત, તેમના વકીલે જણાવ્યું હતું કે અદાલતની ટીકા કંઈ એની અવમાનના નથી. રચેતાનાં કાર્ટૂનની વિશેષતા એ છે કે તેઓ કેવળ ‘સ્ટીકી ફીગર્સ’ તરીકે ઓળખાતાં, કેવળ પાતળી રેખાઓ વડે માનવાકૃતિઓ ચીતરે છે, જેમાં કોઈ પાત્રની વ્યક્તિગત ઓળખ સુદ્ધાં થઈ શકે એમ નથી. આથી તેમણે કહેલું,‘વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરતા દેશની સર્વોચ્ચ અદાલત મારાં ‘સ્ટીકી ફીગર્સ’ વિશે વાત શી રીતે કરી શકે?’

પોતાની ટીકાની જરા અમથી ચેષ્ટાથી દોડતી થઈ જતી સરકારના, વિશ્વની સૌથી વિશાળ ગણાતી લોકશાહીના વડા પ્રધાને પોતાના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન એક પણ પ્રેસ કોન્ફરન્સ નહીં યોજીને પોતાના વલણનો પુરાવો આપી દીધો છે અને તેમનાં ચાહકોને એમાં કશો વાંધો નથી. બીજી તરફ અમેરિકા જેવા સર્વશક્તિમાન દેશના વડા ડોનાલ્ડ ટ્રમ્પ હવે એવા આપખુદ, અરાજક કે આખાબોલા હશે, પત્રકારોને મળવાનું ટાળ્યું નથી.

સંવાદની આપણા દેશની ભવ્ય પરંપરાનાં ગાણાં ગાવાં સહેલાં છે અને ગાણાં ગાતે ગાતે એ જ પરંપરાની હત્યા કરવી વધુ સહેલી છે. સમર્થકો પરંપરાની આવી હત્યાને વાજબી ગણાવે એમાં એમનો સ્વાર્થ હશે યા સમજણનો અભાવ કે ફરજનો ભાગ હશે, પણ તેમને સમજાતું નથી કે આના દ્વારા તેઓ પ્રજાનો દ્રોહ કરી રહ્યાં છે અને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે લોકશાહીનાં મૂલ્યોને તેઓ નેવે મૂકી રહ્યાં છે. આમ કરવામાં દેશને જે નુકસાન થતું હશે એ થશે, એથી વધુ નુકસાન તેમને પોતાને થઈ રહ્યું છે. પણ ખેર! એ તો લાંબા ગાળાની વાત છે. સરકારને આમ કરવામાં કદાચ પોતાની બહાદુરી લાગતી હશે,પણ ખરેખરા બહાદુર એ કાર્ટૂનિસ્ટોને કહી શકાય, જેઓ એકલે હાથે, કટકની પરવા કર્યા વિના પોતાને જે લાગે છે એ ચીતરવાની હિંમત દર્શાવે છે અને વારંવાર દર્શાવતાં રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top