થોડા દિવસ પર સુરત રહેવાસી ગુલશન બાનુ નામની મહિલાની ગરીબીમાં ઉછરેલ દિકરીઓ રીબા અને રહીન હફેઝી નામની જોડિયા બહેનોનો કિસ્સો વાંચવામાં આવ્યો કે ભણવામાં હોંશિયાર આ બન્ને બહેનોએ વડોદરાની મેડીકલ કોલેજમાં ગવર્મેન્ટ સબસીડી મેળવીને એમ.બી.બી.એસ.ની ફાઇનલ એક્ઝામમાં સામાન્ય સંજોગોમાં માની ન શકાય એવા એક સરખા ૯૩૫માર્ક (૬૬.૮%) મેળવી ઉત્તીર્ણ થઇ. એમ.બી.બી.એસ. થવા પહેલા બંન્ને બહેનો અન્ય ધોરણોમાં પણ લગભગ એક સરખા માર્કે જ ઉત્તીર્ણ થતી રહેલ. દસમા ધોરણમાં રીબા અને રહીન અનુક્રમે ૯૯ અને ૯૮.૫ પર્સનટાઇલ અને બારમા ધોરણમાં અનુક્રમે ૯૮.૨ અને ૯૭.૩ પર્સનટાઇલ મેળવી ઉત્તીર્ણ થયેલ.
એમના કુટુંબમાં આ બે પહેલી દિકરીઓ છે જેમણે એમની માતા અને એમના ડૉક્ટર મામાની દોરવણી અને સહકારથી એમની ડૉકટર બનવાની મહેચ્છા પુરી કરી. આ બંને ડૉક્ટર બહેનોની શૈક્ષણિક મહેચ્છા અને જીવનની પસંદગીના વિષયો પણ શરૂઆતથી જ લગભગ એકસરખા રહ્યા છે. ઘણી ઓછી છોકરીઓ મેડીકલ ક્ષેત્રે આગળ વધી એ થોડી છોકરીઓમાં રીબા અને રહીનનો સમાવેશ થતા એમના કુટુંબમાં આનંદ છવાઇ જાય એ અત્યંત સ્વાભાવિક છે. આ બંને બહેનો જેવી ઘણી વ્યક્તિઓના જીવનચરિત્ર બતાવે છે કે જીવનમાં આગળ વધવાની ઇચ્છાશક્તિ ઘરાવતી વ્યક્તિને ગરીબી નડતી નથી. સમાજમાં એકબીજાનો સાથ સહકાર અને અન્યોને મદદ કરવાની ભાવના ઘણી વ્યક્તિઓના જીવન બદલી શકે છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.