Columns

પુનર્જન્મના કિસ્સા વડે દેહથી ભિન્ન આત્માની સાબિતી મળી જાય છે

ગુજરાત સહિત દેશભરમાં હાથવણાટની ચાદરો, પછેડીયો અને રૂમાલ માટે પ્રખ્યાત  પાલનપુર તાલુકાનું ખસા ગામ ચર્ચાનું કારણ બન્યું છે. ખસા ગામે સરપંચના ખેતરમાં કામ કરતા ખેડૂતની સૌથી નાની ચાર વર્ષની બાળકી દક્ષા બોલતાં શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમકે પાણી જોઈએ તો ‘મા મુજે પાની દે.’ જો કે તેની માતા ખાસ કંઈ ભણ્યા ન હોઈ દક્ષાની ઘણી વાતો સમજી શકતાં ન હતાં.

સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટી.વી. સિનેમા કે સોશ્યલ મિડિયાના માધ્યમ જોયા વગર તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતાં સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતાં તે પહેલાં અંજારમાં રહેતી હતી તેમ કહે છે. તેનાં માતાપિતા પણ અંજારમાં રહેતાં હતાં અને ભૂકંપ વખતે ધાબું પડતાં તે મરી ગઈ હોવાનું રટણ કરે છે. તેના પિતા કેક બનાવતા હતા તેમ પણ કહે છે. તેનો પરિવાર અને આસપાસનાં લોકો અચરજમાં મૂકાઈ ગયાં છે.

બેંગલોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સીસના ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦ જેટલા કિસ્સાઓનું પરીક્ષણ કર્યું છે. તેમના અનુભવ મુજબ જે વ્યક્તિઓનું મૃત્યુ હ્રદયરોગના હુમલાને કારણે, અકસ્માતમાં, ખૂનને કારણે કે આઘાતને કારણે થયું હોય, તેમને પોતાનો પૂર્વભવ યાદ હોય તેવી સંભાવના વધી જાય છે. ઇ.સ. ૧૯૮૬માં સતવંત પશ્રિચાએ અમેરિકાના ઇયાન સ્ટિવન્સન નામના વિજ્ઞાની સાથે મળીને પૂર્વજન્મના ૧૬ કિસ્સાઓનું સંકલન કર્યું હતું, જે હેવાલ અમેરિકાના ‘જર્નલ ઓફ ધ અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચ’માં પ્રગટ થયો હતો. પ્રોફેસર સતવંત કહે છે કે, તેમના સંશોધન માટે તેઓ માનવના બે પ્રકારના શરીરની થિયરીમાં માને છે.

એક તેનું ભૌતિક શરીર હોય છે અને બીજું અભૌતિક શરીર હોય છે. માણસ જ્યારે મરે છે ત્યારે તેના ભૌતિક શરીરનો નાશ થાય છે પણ અભૌતિક શરીર તેમાંથી નીકળીને બીજા ભૌતિક શરીરમાં દાખલ થાય છે. ડો. સતવંતનો  દાવો છે કે તેમણે જે ૫૦૦ કિસ્સાઓની ચકાસણી કરી, તેમાંના ૭૭ ટકા કિસ્સાઓ સાચા હતા. અમેરિકાની વર્જીનિયા યુનિવર્સિટીના માનસશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા ડો. ઇયાન સ્ટીવન્સન પુનર્જન્મના વૈજ્ઞાનિક ગુરુ ગણાય છે.

તેમણે પોતાના ૪૦ વર્ષના અભ્યાસમાં પુનર્જન્મના ૩,૦૦૦ જેટલા કિસ્સાઓ એકઠા કર્યા છે. તેઓ બાળકનું નિવેદન નોંધે છે અને બાળક જે વ્યક્તિનો અવતાર હોવાનો દાવો કરે છે, તેની વિગતો પણ નોંધે છે અને તેની ચકાસણી કરે છે. આમ કરતી વખતે તેઓ બાળકના શરીર ઉપરની ઇજાઓ અને જન્મની નિશાનીઓની પણ નોંધ કરે છે. આ નિશાનીઓનો સંબંધ તેમને આગલા જન્મમાં થયેલી કોઇ ઇજા અથવા અકસ્માત સાથે મળી આવે છે.  બેંગ્લોરના પ્રોફેસર સતવંતે ડો.ઇયાન સ્ટીવન્સનના સહકારમાં કામ કર્યું છે.

પ્રોફેસર સતવંતનું ‘રિઇન્કાર્નેશન: એન ઇમ્પિરિકલ સ્ટડી ઓફ કેસીઝ ઇન ઇન્ડિયા’ નામનું પુસ્તક બહુ પ્રશંસા પામ્યું છે. કેટલાંક બાળકોમાં જન્મથી જે નિશાનીઓ હોય છે, તેનો સંબંધ તેમના પૂર્વભવ સાથે હોય છે, એ બાબતમાં પણ ડો. ઇયાન સ્ટીવનસને ખૂબ સંશોધન કર્યું છે. ઇ.સ. ૧૯૯૨માં અમેરિકામાં ભરાયેલી એક વિજ્ઞાન પરિષદમાં તેમણે આ પ્રકારના ૨૧૦ કિસ્સાઓની વિગતો રજૂ કરી હતી. તેમણે નિરીક્ષણ કર્યું હતું કે ગયા ભવમાં જે જગ્યાએ ઇજા થઇ હોય ત્યાં આ ભવમાં ચામડી ઉપર વાળ નથી આવતા અથવા તેનો રંગ સફેદ રહી જાય છે. તેમાં પણ માણસને મૃત્યુ સમયે જે ઇજા થઇ હોય તે તો અચૂક તેના બીજા ભવમાં નિશાની તરીકે રહી જાય છે.

ડો. સ્ટીવન્સને એવાં અનેક બાળકોનાં નિવેદનો નોંધ્યાં હતાં, જેમને પોતાનો પૂર્વજન્મ યાદ હોય. આ બાળકોના શરીર ઉપર જન્મ સમયે દેખાતી નિશાનીઓ બાબતમાં તેમણે પૂર્વભવનાં સ્વજનો સાથે વાત કરતાં મોટા ભાગના કિસ્સાઓમાં સામ્ય જોવા મળ્યું હતું. બાગપત જિલ્લાના બાદલ ગામમાં તનુ અને મનુ નામનાં પાંચ વર્ષની ઉંમરનાં બે જોડિયાં ભાઇબહેન રહે છે. આ બાળકો ગામમાં ક્યાંય પણ ટ્રેક્ટર જુએ કે ભયભીત થઇ જાય છે અને ભાગી જવાની કોશિશ કરે છે. તેઓ આવું વર્તન શા માટે કરે છે, તેનો ખ્યાલ તેમનાં માબાપને પણ આવતો નહોતો.  એક વર્ષ અગાઉ તેઓ કહેવા લાગ્યાં કે તેઓ ગયા ભવમાં પણ જોડિયાં બાળકો જ હતાં.

એક વખત  તેઓ ટ્રેક્ટરમાં પોતાના ખેતરે જઇ રહ્યાં હતાં, ત્યારે તેમનું ખૂન કરી નાંખવામાં આવ્યું હતું. તપાસ કરતાં ખબર પડી કે નજીકના એક ગામમાં બરાબર છ વર્ષ અગાઉ એક ઘટના બની હતી, જેમાં બે પરિવાર વચ્ચેનાં ધિંગાણાંમાં એક ડઝન કરતાં વધુ લોકોની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમાં મરનારાંઓમાં એક જોડિયાં ભાઇબહેનનો પણ સમાવેશ થતો હતો.  તનુ અને મનુના જણાવ્યા મુજબ હત્યારાઓએ બહેનને ભાઇથી અલગ થઇ જવાની તાકીદ કરી હતી, પણ બહેન પોતાના ભાઇને બચાવવા વચ્ચે આવી ત્યારે તેના શરીરમાં પણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. તનુનો દેખાવ ખૂન કરવામાં આવેલી છોકરી જેવો છે. મનુ બોલવામાં ખચકાય છે, કારણ કે ખૂન કરનારે તેના મોંઢામાં ગોળીઓ ઝીંકી દીધી હતી. ભારતના તમામ આર્ય ધર્મો પૂર્વજન્મ અને પુનર્જન્મમાં માને છે, પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આત્માના પુનર્જન્મમાં માનતાં નથી.

ડો. ઇયાન સ્ટીવન્સને એવા અનેક કિસ્સાઓ વિદેશમાં શોધી કાઢ્યા છે, જેમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલાં લોકો પણ પોતાના પૂર્વજન્મની સ્મૃતિ ધરાવતાં હોય છે, જે વાત તેમના ધર્મના સિદ્ધાંતોથી બિલકુલ વિરુદ્ધની છે. પ્રોફેસર સતવંતે પણ એવા ૨૬ કિસ્સાઓ શોધી કાઢ્યા છે, જેમાં ભારતના મુસ્લિમ પરિવારમાં જન્મેલાં લોકો પોતાના પૂર્વજન્મની વાત કરતા હોય. આવા કિસ્સાઓમાં ૧૯ કિસ્સાઓ મુસ્લિમ મરીને મુસ્લિમ બન્યાં હોય તેવા અને સાત કિસ્સાઓ હિન્દુ મરીને મુસ્લિમ પરિવારમાં જન્મે તેવા છે.  આ બધા જ કિસ્સાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ગયા છે. આધુનિક વિજ્ઞાનીઓ હજી પણ શરીરથી અલગ આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી, પણ પુનર્જન્મના કિસ્સાઓ સ્વીકારવા સિવાય તેમની પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી.

શ્રીલંકામાં ત્રણ વર્ષના એક બાળકે તેની માતાને કટારાકામ્મા નામના શહેરનું નામ મોટેથી બોલતાં સાંભળી હતી અને તે તરત જ એ વિશેની ઘણી વાતો કરવા લાગ્યો હતો. તે બાળકના કહેવા મુજબ તેનો ગત જન્મ કટારાકામ્મા ગામમાં થયો હતો. તેના મંદબુદ્ધિ ભાઈએ તેને નદીમાં ફેંકી દીધો હતો એટલે તે ડૂબીને મૃત્યુ પામ્યો હતો. તેના પિતાના માથે ટાલ હતી અને તેમનું નામ કરાત હતું. તેઓ કટારાકામ્મા ગામમાં એક બૌદ્ધ મંદિરની પાસે ફૂલ વેચવાનો ધંધો કરતા હતા. ઘરની નજીક એક મંદિર હતું, જ્યાં લોકો રોજ નાળિયેર ચડાવતાં હતાં. ડૉ. સ્ટીવન્સને દુભાષિયાની મદદથી તે બાળક સાથે વિગતવાર વાત કરી હતી.

ડૉ. સ્ટીવન્સને ખરેખર શું બન્યું હતું તે જાણવા બાદમાં કટારાકમ્મા ગયા હતા. બાળકે જણાવ્યું હતું તેમ ત્યાં ફૂલનો એક વેપારી હતો. તે પણ બૌદ્ધ મંદિરની પાસે જ ધંધો કરતો હતો, પરંતુ તેના માથા પર બહુ બધા વાળ હતા. તે વેપારીના પિતા ટાલિયા હતા. તેની માતાએ સ્વીકાર્યું હતું કે તેમનું બે વર્ષનું એક સંતાન, તેના મંદબુદ્ધિ ભાઈ સાથે નદી કિનારે રમતું હતું ત્યારે નદીમાં પડી ગયું હતું. તે બાળક નદીમાં કેવી રીતે પડ્યું એ તેઓ જાણતાં ન હતાં. ફૂલના વેપારીનો પરિવાર અને જે બાળકે પોતાના અગાઉના જન્મની કથા કહી હતી તેનો પરિવાર એકમેકને ક્યારેય મળ્યાં ન હતાં તો પછી બાળક આટલી વિગતવાર માહિતી કઈ રીતે આપી શક્યો? સ્ટીવન્સના દાવા મુજબ નદીમાં ડૂબી ગયેલા બાળકનો પુનર્જન્મ થયો હતો.

Most Popular

To Top