આધ્યાત્મિક ગુરુઓ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે; તેમના ઉપદેશો, તેમની વાતો કરોડો વ્યૂઝ લાવી આપે છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આધ્યાત્મની વાતો કરતા ગુરુઓને નવા યુગનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ખાસ્સું રાસ આવી ગયું છે અને હવે તેઓને પોતાના ભક્તો સુધી પહોંચવા માટે તેમના શેરી, ગામ કે શહેરમાં જવાનું આવશ્યક રહ્યું નથી. પોતાનાં સ્થાનકોથી આ ગુરુઓ વિશ્વભરમાં પહોંચી રહ્યા છે, સાથે આ માધ્યમથી મસમોટી આવક પણ રળી રહ્યા છે.
ભારતના આધ્યાત્મિક ગુરુઓની બોલબાલા વિશ્વભરમાં છે અને એટલે તેઓ સોશ્યલ મીડિયા પર પણ હિટ સાબિત થઈ રહ્યા છે. અલગ-અલગ સ્ત્રોત મુજબ આધ્યાત્મિક ગુરુઓના સૌથી વધુ ફોલોઅર્સની કોઈ કોમન માહિતી મળતી નથી. તેથી આ લખતી વેળાએ તપાસી જોયું કે કયા આધ્યાત્મિક ગુરુઓ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ સદગુરુનું આવે છે. સોશ્યલ મીડિયા પર તેમનું પ્રમોશન આયોજનબદ્ધ થાય છે. તેમના વિડિયો અને ઓડિયોની ગુણવત્તા સારી હોય છે. સદગુરુ મોટા ભાગના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની હાજરી ધરાવે છે. ઉપરાંત, તેમની વેબસાઇટ છે અને સ્વતંત્ર એપ સુધ્ધાં છે. સદગુરુના યૂટ્યુબ પર અત્યાર સુધી 3800 વીડિયો મુકાયા છે અને તેમના સબસ્ક્રાઇબરની સંખ્યા 1.22 કરોડ છે. આટલા સબસ્ક્રાઇબરની સંખ્યા મેળવવી ખૂબ મુશ્કેલ છે. યૂટ્યુબ પર ‘નેટફ્લિક્સ ઇન્ડિયા’નું અકાઉન્ટ છે, તેના સબસ્ક્રાઇબરની સંખ્યા અઢી કરોડ છે. એક તરફ કન્ટેન્ટનું વૈવિધ્ય છે અને બીજી તરફ માત્ર સદગુરુ. એ રીતે જોઈએ તો સદગુરુ યૂટ્યુબથી લાખોની આવક રળતા હશે. સદગુરુનું ફેસબુક પેજ પણ અત્યારે કરોડની નજીક પહોંચી ચૂક્યું છે અને ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1.27 કરોડ છે. આ તો થયા તેમના ઓફિશ્યલ અકાઉન્ટ પણ તે સિવાય તેમના વીડિયો અને ઓડિયો અનેક પ્લેટફોર્મ પર મુકાય છે અને તેના વ્યૂઝ પણ લાખોમાં હોય છે. જેમ કે, તેમના ઇશા ફાઉન્ડેશનના યૂટ્યુબ પર 22 લાખ સબસ્ક્રાઇબર છે. એટલું જ નહીં હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, મરાઠી જેવી ભાષામાં પણ સદગુરુને સાંભળી શકાય છે અને તેમાં પણ લાખો ફોલોઅર્સ છે. એ રીતે સદગુરુ ટોપ ફાઇવ ઇન્ડિયા સ્પિરીચ્યુઅલ ગુરુઓમાં આવે જેમની સોશ્યલ મીડિયાની પહોંચ વ્યાપક છે.
સદગુરુની જેમ શિક્ષિત લોકોમાં લોકપ્રિય બીજા એવા ગુરુ આચાર્ય પ્રશાંત છે. પોતાની ઓળખ અદ્વૈત ગુરુ તરીકે આપનારા આચાર્ય પ્રશાંત IIT દિલ્હી અને IIM અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ મજબૂત છે અને તેમણે પણ આયોજનપૂર્વક પોતાનું માર્કેટીંગ કર્યું છે. આચાર્ય પ્રશાંતની પોતાની વોટ્સઅપ ચેનલ છે, એપ છે અને તદ્ઉપરાંત યૂટ્યુબ પર તેમના નામ સિવાયની અલગ-અલગ ચેનલ છે. યૂટ્યુબ પર તેમના સબસ્ક્રાઇબરની સંખ્યા સાડા પાંચ કરોડની નજીક પહોંચી ચૂકી છે. તેમના અનેક વીડિયો દસ લાખથી વધુ જોવાયા છે. તેમની યૂટ્યુબ જાણીતી બની છે તેનું કારણ તેઓ કેટલાક અતિ વિવાદિત વિષય પર સ્પષ્ટતાથી બોલી શકે છે. ઉપરાંત તેમાં આધ્યાત્મિક પાસાંને પણ ઉજાગર કરી શકે છે. તેમના યૂટ્યુબ પેજનાં કેટલાંક મથાળાં એવા છે કે સબસ્ક્રાઇબર તેના પર ક્લિક કરતાં પોતાની જાતને રોકી ન શકે. જેમ કે, ‘શાંત રહકર લડના શીખો’, ‘પ્રેમ – કલ્પના કે યથાર્થ?’, ‘માંસ જરૂર ખાઓ’…આવાં તો અનેક વીડિયો છે. પ્રમાણમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા ઓછી છે. આ સંખ્યા અનુક્રમે 12 અને 50 લાખ છે. જો કે સ્વતંત્ર રીતે જોઈએ તો આ આંકડો પણ નાનોસૂનો નથી. અતિ બૌદ્ધિક કક્ષામાં આવનારાં આચાર્ય પ્રશાંત દર્શન, મનોવિજ્ઞાન, અધ્યાત્મ, ધર્મ-સંસ્કૃતિ, ગ્લોબલ વોર્મિંગ પર પોતાના વિચારો મૂકે છે. આજે તેમને મળેલી પ્રસિદ્ધિ અને આર્થિક વળતર કોઈ કંપનીના CEOથી જરાય ઓછાં નથી. બલકે દેશ-દુનિયામાં તો તેઓ પબ્લિક ફીગર બની ચૂક્યા છે.
સોશ્યલ મીડિયા પર સ્પિરીચ્યુઅલ ગુરુઓની ઝડપી દોડનું એક કારણ એ પણ છે કે ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક માર્કેટ 2022ના અંદાજ મુજબ 44,000 કરોડનું હતું. આ માર્કેટનો અંદાજ માર્કેટ રિસર્ચ ફર્મ ‘IMARC’ગ્રૂપ દ્વારા લગાવાયો છે અને આવનારાં ચાર વર્ષમાં આ માર્કેટ બમણું થવા જઈ રહ્યું છે. આ પૂરો ખેલ આધ્યાત્મ, ત્યાગ અને એકાંત કરતાં વધુ મૂડી, પ્રસિદ્ધિ અને મહત્તમ ભક્તોનો છે. તેમાં ભલે વાતો અધ્યાત્મની થતી હોય પણ તેની પ્રક્રિયા બિલકુલ તેનાથી વિપરીત છે. આ વિપરીત પ્રક્રિયાની વર્તમાન સમયમાં શરૂઆત કરનારાઓમાં એક સ્વામી રામદેવ હતા. સ્વામી રામદેવે યોગ દ્વારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી. શરૂઆતમાં તો સ્વામી રામદેવ આસ્થા અને અન્ય ધાર્મિક ચેનલ દ્વારા પોતાના પ્રચાર-પ્રસાર કરતા હતા પરંતુ હવે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેઓ વધુ જાણીતા બન્યા અને તેમના ફોલોઅર્સની સંખ્યા પણ વધી છે. યૂટ્યુબ પર તેમના સબસ્ક્રાઇબર 1.10 કરોડ છે. એ રીતે ફેસબુકમાં પણ આ સંખ્યા 1.20 કરોડ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામમાં તે સંખ્યા અઢી કરોડની આસપાસ છે.
સ્વાભાવિક છે કે ગુરુઓ સોશ્યલ મીડિયાના આ પ્લેટફોર્મ પર માત્ર પોતાના ઉપદેશ નથી આપતા, બલકે સાથે સાથે મસમોટો બિઝનેસ પણ કરે છે. મહદંશે તમામ ગુરુઓની પોતપોતાની પ્રોડક્ટ્સ છે અને તે પ્રોડક્ટ્સ સોશ્યલ મીડિયા થકી તેઓ વેચાણમાં મૂકે છે.
તેઓ અધ્યાત્મના નામે કરોડોનો ધંધો કરી રહ્યા છે. એટલું જ નહીં, પહેલાં તો ગુરુઓ પોતાનું સંખ્યાબળ ક્યારેક દાખવી શકતા પણ આજે તેમના સબસ્ક્રાઇબર-ફોલોઅર્સની સંખ્યાથી જાહેરજીવનમાં તેમની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.
છેલ્લાં વર્ષોમાં જેમની લોકપ્રિયતા સ્થિર થઈ ગઈ અને અન્ય બાબાઓના એન્ટ્રીના કારણે તેમનો એકાધિકાર અટક્યો તેવા શ્રીશ્રી રવિશંકર આજે સોશ્યલ મીડિયામાં પણ મસમોટા ફોલોઅર્સ ધરાવે છે. યૂટ્યુબ પર તેમના 75 લાખ સબસ્ક્રાઇબર છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલા સબસ્ક્રાઇબર તેમણે માત્ર 1100 વીડિયોમાં હાંસલ કર્યા છે. ફેસબુક પર તેમના ફોલોઅર્સની સંખ્યા 55 લાખ છે અને ઇન્સ્ટાગ્રામ પર તે સંખ્યા 31 લાખની છે. શ્રીશ્રી રવિશંકર કારકિર્દી, સ્વપ્રગતિ, પ્રેમ, આધ્યાત્મિકતા, લાગણી અને માનસિક સ્થિતિ જેવા અનેક વિષયો પર વિચાર મૂકે છે. શ્રીશ્રી રવિશંકરનું ફાઉન્ડેશન અનેક સામાજિક કાર્યો પણ કરે છે અને તે જ કારણે તેઓ પદ્મવિભૂષણથી પણ સન્માનિત થયા છે.
આ બધા જ સાધુગુરુઓ ત્યાગ અને સંયમનો પાઠ ભણાવે છે પરંતુ જ્યારે તેઓને અલગ-અલગ પ્લેટફોર્મ પર જોઈએ તો ખ્યાલ આવે કે તેમણે પોતાની જાતને પ્રમોટ કરવામાં કોઈ સંયમ કે ત્યાગ દાખવ્યો નહીં. મહત્તમ પ્રચાર અને તે થકી મહત્તમ વળતર તે તેમનો મંત્ર છે.
સોશ્યલ મીડિયા પર આ રીતે ધૂમ મચાવનારા એક અન્ય આધ્યાત્મિક ગુરુ ગૌર ગોપાલ દાસ છે. ગૌર ગોપાલ દાસ 50 વર્ષના છે અને ઉપર જે પણ આધ્યાત્મિક ગુરુઓની વાત કરી તેમાં સૌથી યુવાન છે. અત્યાર સુધી તેમનાં અનેક પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે અને તે પુસ્તકો બેસ્ટસેલર બન્યાં છે. તેઓ ઇસ્કોન સંપ્રદાય સાથે જોડાયેલા છે અને તેમની યૂટ્યુબના સબસ્ક્રાઇબરની સંખ્યા 50 લાખ છે. ફેસબુક પર તેમના ફોલોઅર્સની સંખ્યા 80 લાખ સુધી પહોંચી છે, જ્યારે ઇન્સ્ટાગ્રામમાં 90 લાખની આસપાસ ફોલોઅર્સ પહોંચ્યા છે. ગૌર ગોપાલ દાસના વીડિયોની ખાસિયત એ છે કે તેમનું મહદંશે ઓડિયન્સ યુવાનો છે. તેઓ શિક્ષણમાં અવ્વલ રહ્યા હતા પરંતુ તેમણે પછીથી આધ્યાત્મિક માર્ગ સ્વીકાર્યો અને આજે તેમના નામે કરોડો ફોલોઅર્સ છે.
આ ઉપરાંત પણ અનેક સ્પિરીચ્યુઅલ ગુરુઓનું નામ અહીંયા આપી શકાય, જેમના ફોલોઅર્સ-સબસ્ક્રાઇબર્સની સંખ્યા લાખો-કરોડોમાં છે. તેમાં દલાઈ લામા, અમૃતાનંદમાયી, પ્રેમાનંદજી, જયા કિશોરી જેવાં અનેક નામો લઈ શકાય. ધર્મ-આધ્યાત્મથી સોશ્યલ પ્લેટફોર્મ પર ઊભી થયેલી આ તાકાત એટલી છે કે રાજકીય પક્ષો સાથેની તેમની સાંઠગાંઠ થયા વિના ન રહે. આ સાંઠગાંઠથી અત્યારે ચૂંટણીનાં પરિણામ બદલાય છે અને રાજકીય ચિત્ર સુદ્ધાં બદલાય છે.