Dakshin Gujarat

અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઈવે પર બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની, સુરતના કાર ચાલકનું મોત

અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઇવે પર ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું નિપજ્યું હતું.

અંકલેશ્વર નજીક હાઇવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહેલી કારના ચાલકને પી.આઇ. ઇન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માત નડયો હતો. આગળ ચાલતા વાહન સાથે કાર ભટકાયા બાદ પાછળથી આવતું ટેન્કર કારમાં ઘૂસી ગયું હતું, જેના કારણે બે વાહનો વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કારનું પતરું કાપી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કારચાલક સુરતનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

બગુમરા ગામ રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત
પલસાણા : પલસાણા તાલુકાનાં બગુમરા ગામ રેલ્વે ફાટક પાસે ભુસાવલથી સુરત જતાં રેલ્વે પાટા પર 24 વર્ષીય યુવકનું કોઈ અગમ્ય કારણોસર ટ્રેન સાથે અથડાઇ જતાં મોત નીપજયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બિહારના નાલંદાના ધનેશપુર ગામે રહેતા અને હાલ સુરતના ડિંડોલી ખાતે શ્રીનાથ નગરમાં રહેતા અજયકુમાર રાકેશભાઈ જમાદાર(ઉ.વ.24) 6 જૂનના રોજ પલસાણા તાલુકાનાં બગુમરા ગામ રેલ્વે ફાટક પાસે ભુસાવલથી સુરત જતાં રેલ્વે પાટા પર ટ્રેન સાથે અથડાઇ જતાં તેનું મોત થયુ હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગણદેવીમાં બે બાઈક ટકરાતા એકનું મોત
બીલીમોરા: ગણદેવીનાં કોલવા- સાલેજ માર્ગ ઉપર બુધવાર સાંજે બે બાઈક વચ્ચે ટક્કર સર્જાતા એક બાઈક ચાલક નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગણદેવી તાલુકાનાં કોલવા દાંડી ફળીયા હળપતિવાસનો મહેશભાઈ લલ્લુભાઇ રાઠોડ બુધવાર સાંજે એ.એમ. વશી નર્સરીથી બાઈક નં.જીજે21 એપી 8805 ઉપર પોતાના ઘરે પરત જવા નીકળ્યો હતો. તે વેળા એક સિલ્વર રંગ ની સ્પેલેન્ડર (નં. જીજે15 એન 6400) નાં ચાલક જગદીશ મનુભાઈ હળપતિ (રહે. ઘોડા ફળીયા, કછોલી) એ પુરપાટ ઝડપે ટક્કર મારી હતી.

જેને કારણે મહેશ રાઠોડ માર્ગ ઉપર પટકાયો હતો. તેના માથામાં ગંભીર ઇજા થઈ હતી. તેને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં નવસારીની યશફીન હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર મામલે મૃતક ની પત્ની ઉષા રાઠોડ એ ગણદેવી પોલીસમાં ટક્કર મારનાર બાઈક ચાલક જગદીશ મનુભાઈ હળપતિ (રહે.ઘોડા ફળીયા, કછોલી) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. વધુ તપાસ ગણદેવી પીએસઆઇ વી.જે પટેલ કરી રહ્યાં છે.

Most Popular

To Top