નવી દિલ્હીઃ ચીનમાં ભારે ગરમી પડી રહી છે. પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અકળાવનારી ગરમી વચ્ચે એક વિચિત્ર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પ્રેગનન્ટ કાર નામથી વાયરલ થઈ રહેલા આ ફોટા સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગરમીના લીધે કાર પ્રેગનન્ટ થઈ ગઈ છે.
ચીનમાં લગભગ 80 દિવસથી સતત હીટવેવ ચાલી રહી છે. જેના કારણે 260થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. પરંતુ આ દરમિયાન એક ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આ પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. ચાઇનીઝ કારનું બોનેટ ગર્ભવતી સ્ત્રીની જેમ ફૂલી ગયું હતું.
હવે લોકો તેને ‘પ્રેગ્નન્ટ કાર’ કહી રહ્યાં છે. વાસ્તવમાં આ પેટ બીજું કંઈ નથી પરંતુ કારના બોનેટ લગાવવામાં આવેલી પ્રોટેક્ટિવ પેઇન્ટ ફિલ્મ છે. જે ગરમીને કારણે કારના બોનેટની ધાતુની સપાટીને છોડીને ફુલી ગઈ છે. જેના લીધે કારનું બોનેટ બલૂન જેવા આકારનું દેખાવા લાગ્યું છે. આ ફોટા જોઈને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
કાર પર ચોંટાડવામાં આવેલી પ્રોટેક્ટિવ ફિલ્મ ઊંચા તાપમાનનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. જો તાપમાન તેની ક્ષમતા કરતા વધી જાય તો તે આ રીતે ફૂલી જાય છે. અત્યારે ટ્વિટર એટલે કે X પર પ્રેગનેન્ટ કારના વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં આવી ફૂલેલી કાર જોવા મળે છે. લોકો મજાકમાં કહી રહ્યા છે કે માત્ર ચાઈનીઝ કાર જ નહીં પણ જર્મન બનાવટની કારોના પેટની ચરબી પણ વધી ગઈ છે. જો કે, આનાથી ચીનના બજારમાં નકલી કાર પેઈન્ટ પ્રોટેક્શન ફિલ્મ વિશે પણ ચર્ચા જગાવી છે.