શહેરા : પાનમ પાટીયા થી પાનમ ડેમ તરફ ગઢ ગામ પાસે ના ડામર રસ્તા પર આવેલા નાળા ઉપર મસ મોટો ભૂવો પડી ગયો છે. રસ્તા ઉપરનુ નાળુ એક બાજૂથી જર્જરીત થવા સાથે વાહન ચાલકો માટે જોખમી રૂપ બની રહયો છે.હવે થોડા સમયમા ચોમાસાની સીઝન શરૂ થશે ત્યારે જવાબદાર તંત્ર આ નાળુ તુટે તે પહેલા સમારકામ કરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.
શહેરા થી પાનમ ડેમ તરફ જતો રસ્તો બિસ્માર બની ગયો છે.પાનમ પાટીયા થી ગઢ થઈ ને પાનમ ડેમ સહિત 30થી વધુ ગામોને જોડતો ડામર રસ્તો પાછલા એક વર્ષ ઉપરાંત થી ખાડા પડી જવા સાથે વાહન ચાલકો માટે કમરતોડ સાબિત થઇ રહયો છે.ગઢ ગામ પાસે ડામર રસ્તા ઉપર આવેલા નાળા ઉપર મસ મોટો ભૂવો પડી ગયો છે.
આ રસ્તા ઉપર દિવસ અને રાત્રી દરમિયાન પણ વાહન ચાલકોની સતત અવર-જવર રહેતી હોવા છતાં આર.એમ.બી.વિભાગ અહી કોઈ મોટી ઘટના બને તેની રાહ દેખી રહયુ હોય કે પછી શુભ મુહૂર્ત આવે ત્યારે ભૂવો અને જર્જરીત નાળાની કામગીરી કરશે કે શું ? અહીથી પસાર થતા વાહન ચાલકો માટે આ રસ્તો જોખમી રૂપ બનવા સાથે બાઇક સ્લીપ પણ ખાવાના બનાવો બની રહયા હોય ત્યારે કોઈ મોટી ઘટના નાળા ઉપર પડેલ ભુવાના કારણે બને તે પહેલા સબંધિત તંત્ર પોતાની નૈતિક જવાબદારી સમજીને યુદ્ધ ના ધોરણે કામગીરી કરે તે અત્યંત જરૂરી છે.