Business

બ્રહ્મવિદ્યાનો કોલ

આપણે બ્રહ્મનિષ્ઠ ગુરુની મહત્તા સમજ્યા હવે તે જ શ્લોકમાં परमां गतिम् કહીને ભગવાન બ્રહ્મવિદ્યાની મહત્તા જણાવે છે.  “વિદ્યયાઽમૃતમશ્રુતે” જેવા અનેક શાસ્ત્રવચનો “વિદ્યા” ને મોક્ષના પરમ ઉપાય તરીકે વર્ણવે છે. તે કઈ વિદ્યા ? તે છે બ્રહ્મવિદ્યા! આ બ્રહ્મવિદ્યા શું છે? તો મુંડકોપનિષદ કહે છે – “યેનાઽક્ષરં પુરુષં વેદ સત્યં પ્રોવાચ તાંતત્વતો બ્રહ્મવિદ્યામ્ ।।” (મુંડકોપનિષદ – ૧/૨/૧૩) ‘જેનાથી અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન થાય તે બ્રહ્મવિદ્યા છે.’ આ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અન્ય કોઇ જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. આ પૃથ્વી ઉપર માણસ પાસે ગમે તેટલી સમૃદ્ધિ અને ગમે તેટલું લૌકિક જ્ઞાન હશે પણ છતાં એક સમય એવો આવે છે જ્યારે તેને કાંઇક ખૂટતું હોય તેવું અનુભવાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં નારદજીનું આખ્યાન આવે છે. નારદજીએ ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ ભગવાનના સાક્ષાત્કારવાળું બ્રહ્મવિદ્યાનું જ્ઞાન ખૂટતું હતું.

તેથી તેમને અશાંતિ રહ્યા કરતી. તેઓ જ્ઞાની હોવા છતાં હતાશાથી ઘેરાયેલા હતા. તે શાંતિ માટે સનતકુમાર પાસે જઈને કહે છે કે મને શાંતિ થાય એવું જ્ઞાન આપો. સનત્સુજાતે કહ્યું – “પહેલાં તો તમે જે જાણતા હો તે મને જણાવો પછી તેનાથી ઉપરનું જ્ઞાન હું તમને આપીશ.” દેવર્ષિ નારદજી જે ભણ્યા હતા તેનું મોટું લિસ્ટ આપતાં કહે છે – “હું ચાર વેદ, ઈતિહાસ, પુરાણો, ગણિતશાસ્ત્ર, દૈવીકોપનું જ્ઞાન, તર્કશાસ્ત્ર, પંચરાત્ર, દેવતાઓની વિદ્યા, નીતિશાસ્ત્ર, વશીકરણ વિદ્યા, આર્યુવેદ, નક્ષત્રવિદ્યા, જ્યોતિષ વિદ્યા વગેરે ઘણી વિદ્યાઓની નામાવલી કહી જેમાં વિશ્વની બધી જ વિદ્યાઓ આવી જાય છે. એવું કહી શકાય કે દુનિયાની જેટલી વિદ્યાઓની શાખા છે, તે બધામાં તેઓ Ph.D. હતા. સનત્સુજાતે કહ્યું, “ભલે આ બધી વિદ્યા તમે ભણેલા હો, પણ જ્યાં સુધી બ્રહ્મવિદ્યા નહિ ભણો ત્યાં સુધી તમારો શોક દૂર નહીં થાય અને પછી નારદજી બ્રહ્મવિદ્યા ભણ્યા છે. મહાભારતમાં પણ અર્જુનનો વિષાદ દૂર કરવા માટે કૃષ્ણ ભગવાન બ્રહ્મવિદ્યા નિરૂપે છે.

આ બ્રહ્મવિદ્યામાં મૃત્યુનો ભય ટાળવાની શક્તિ છે. આ બ્રહ્મવિદ્યા મૃત્યુંજયી છે. ઉદ્દાલક ઋષિ ક્રોધિત થઈને તેના પુત્ર નચિકેતાને યમરાજાને દાનમાં આપી દે છે. નચિકેતા યમસદન પહોંચે છે. ત્યાં યમરાજાની ૩ દિવસ પ્રતીક્ષા કરે છે. જ્યારે યમરાજા પધારે છે ત્યારે તે આ બાળકની મુમુક્ષુતા જોઈ પ્રસન્ન થાય છે અને ૩ વરદાન માંગવાનું કહે છે. નચિકેતા પહેલા વરદાનમાં તેના પિતાની પ્રસન્નતા, બીજા વરદાનમાં અગ્નિવિદ્યા માંગે છે અને જ્યારે ત્રીજા વરદાનમાં મૃત્યુંજયી  વિદ્યા માંગે છે ત્યારે ધર્મરાજા તેની લોલુપતાભરી કસોટી કરે છે. નચિકેતા તે બધી જ પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થાય છે અને અંતમાં ધર્મરાજા નચિકેતા ઉપર પ્રસન્ન થઈ તેને મૃત્યુંજયી બ્રહ્મવિદ્યા આપે છે. જે ફળ બીજી કોઈ વિદ્યાથી ન મળે તે મોક્ષરૂપી ફળ આ પરા વિદ્યાથી જ મળે છે. તેથી આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી જ મુમુક્ષુઓ પ્રયત્નશીલ રહ્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ પ્રસંગમાં જણાવે છે કે એક વાર એક સાધકને બ્રહ્મવિદ્યાની જિજ્ઞાસા હતી, ગુરુને બ્રહ્મવિદ્યા સિદ્ધ હતી. સાધક હતા પ્રાગજી ભગત, ગુરુ હતા અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. સારંગપુર ગામમાં એક વાર વહેલી સવારે ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરવા માટે નારાયણ કુંડ તરફ પધારે છે ત્યારે પ્રાગજી ભગત એમની સેવામાં હતા. એ વખતે સ્વામીના મનમાં એક વાત રમતી હતી તે સ્વામીએ પ્રાગજી ભગતને કહી. “આ મારી પાસે બ્રહ્મજ્ઞાન તો છે પણ કોઈ ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાન પાત્ર મળે તો તેને આપવું છે.” આ તો જેમ કોઈ ચાતકને પૂછે કે સ્વાતિ નક્ષત્રના બિન્દુઓ કોણ ઝીલશે? એવો પ્રશ્ન પ્રાગજી ભગત માટે હતો. તેથી તેમણે ઉત્સાહથી કહ્યું, “સ્વામી ! એ જ્ઞાન મને  આપો!” સ્વામી પણ એ જાણતા હતા કે આ જ એ પાત્ર છે જે પોતાના દેહ, ઈન્દ્રિયોના ચૂરેચૂરા કરીને આ જ્ઞાન પચાવશે અને પ્રવર્તાવશે. અને એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થઈને પ્રાગજી ભગતને બ્રહ્મવિદ્યા સિદ્ધ કરાવવાનો કોલ આપે છે. પ્રાગજી ભગત પણ મનમાં નક્કી કરી લે છે કે ગમે તેમ કરી લોકલાજ, દેહસુખ, ઘર, સ્ત્રી, આદિનો ત્યાગ કરી એમને એવા પ્રસન્ન કરીને વશ કરી લેવા કે એમના અંતરમાં જ એમ થાય જે “આને હું શું ન આપું !” અને પછી સમય જતા ગુણાતીત બ્રહ્મભઠ્ઠીમાં, બ્રહ્માગ્નિથી, બ્રહ્મવિદ્યા પામીને ખીલે છે એક બ્રહ્મપુષ્પ – પ્રાગજી ભગત.

Most Popular

To Top