સુરત: સ્માર્ટ સિટી સુરતને બ્યુટીફૂલ બનાવવા માટે અવનવા પ્રયોગ સુરત મનપા દ્વારા કરવામાં આવે છે. થોડા સમય અગાઉ પારલે પોઈન્ટના ફ્લાય ઓવર બ્રિજની નીચે આઈ લવ સુરત થીમ પર છત્રી અને લાઈટોથી શણગાર કરવામાં આવ્યો હતો. હવે સુરત મનપા દ્વારા તાપી નદી પરના એક બ્રિજને વિશ્વ વિખ્યાત દુબઈની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની જેમ રંગબેરંગી લાઈટીંગથી શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામ ખાનગી એજન્સીને સોંપી દેવા સાથે પાલિકાએ મહિને 11થી 22 લાખ સુધીનો ખર્ચનો અંદાજ મુક્યો છે.
સુરતની (Surat) શાન એવા કેબલ સ્ટેઈડ બ્રિજને (Cable stayed bridge) 3 વર્ષ પુરા થઈ ગયા છે. કેબલ સ્ટેઈડ બ્રિજ પર અગાઉ ફસાદ ટેકનોલોજીથી લાઈટિંગ (Lighting) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ જે તે સમયે તે શક્ય બન્યું નહોતું. જોકે, હવે કેબલ સ્ટેઈડ બ્રિજનો મેઈન્ટેનન્સનો (Maintenance) કોન્ટ્રાક્ટ આપતી વખતે મનપા (SMC) દ્વારા તેમાં ફસાદ લાઈટિંગથી બુર્જ ખલીફાની (Burj Khalifa) જેમ લાઈટિંગ કરવા માટેનું આયોજન કરી દીધું છે. આ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા અને હવે ટેન્ડરને મંજૂરી માટેની દરખાસ્ત મનપાની સ્થાયી સમિતીમાં કરી દેવામાં આવી છે.
સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર જે લાઈટિંગ થનાર છે તેને ફસાદ પિક્સલ ટેકનોલોજીથી થતી લાઈટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મોટા ભાગે ફિક્સ અને ડાયનેમિક ટેક્નોલોજીથી રોશની કરવામાં આવે છે. કેબલ સ્ટેઈડ બ્રિજની વિશિષ્ટતાને ધ્યાને રાખીને થનારી આ લાઈટિંગની મદદથી કેબલ સ્ટેઇડ બ્રિજનો અનોખો નજારો ઉભો કરાશે. જેમાં RGBW (રેડ,ગ્રીન,બ્લ્યુ, વ્હાઇટ) એમ ચાર કલર હશે. જેના જુદા જુદા પ્રકારે કોમ્બિનેશન સેટ કરવામાં આવશે. તે 16 લાખ કોમ્બિનેશન બનાવીને બ્રિજને નવા જ રંગરૂપ આપશે. ક્લરની આખી કેબલ સુધીની વોલ બનશે અને દૂરથી રંગબેરંગી ક્લરની દિવાલ હોય તેવો આભાસ ઉભો થશે. વાર તહેવાર તેમજ ઓકેશનવાઇઝ ઇફેકટ રચી શકાય તેવી ટેક્નોલોજી આ લાઇટિંગમાં કરાશે.
કેબલ સ્ટેઈડ બ્રિજના મેઈન્ટેનન્સ માટે દર મહિને 11 લાખથી 22 લાખનો ખર્ચ કરાશે
ભારતમાં સિંગલપ્લેન પ્રકારના બ્રિજ ખુબ જ ઓછા છે. સુરતના કેબલ બ્રિજનું બાંધકામ રેટ્રોફિટિંગ પ્રકારે થયેલું છે. આ પ્રકારની ડિઝાઈન ઘણી ઓછી હોય છે. જેથી આ બ્રિજની સલામતી માટે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સીસ્ટમ લગાવવી જરૂરી છે. જેથી હવે મનપા દ્વારા તે માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને કેબલમાં કોઈ ખરાબી છે કે નહીં તેની પણ જાણકારી મેળવવા સાથે સાથે ટેમ્પરેચર અને લોડ અંગેની માહિતી પણ મળી જશે. આ સાથે વાઈબ્રેશન, સ્ટ્રેસ, ડીસપ્લેસમેન્ટસ, ડીફલેક્શન, વિન્ડ પ્રેશર સહિતની તમામ માહિતી સિસ્ટમ મુકાયું હશે તે કંટ્રોલ રૂમમાં મળી રહેશે. કેબલ પર લગાડવામાં આવનાર સેન્સરો પરથી કેબલ ફોર્સ, વાઈબ્રેશન, ટેમ્પરેચર, સ્ટ્રેસ મોનિટરિંગ, ડીસપ્લેસમેન્ટ/ડીફલેક્શન, વિન્ડ પ્રેશર વગેરે પેરામીટરનો રિઅલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે અને બ્રિજમાં થતી ડીફેક્ટની આગોતરી જાણ મેળવી શકાશે. સીસ્ટમ સ્ટ્રક્ચરમાં થતી કોઈ પણ વાંધાજનક સ્થિતિ ઉભી થાય તો એલર્ટ મેળવી શકાશે. તેમજ કેબલ બ્રિજના મોનિટરિંગ સીસ્ટમ પરથી તૈયાર થતા રિપોર્ટના જરૂરી વિશ્લેષણ માટે એનઆઈટી અથવા સરકાર માન્ય સંસ્થાની નિયુક્તિ પણ કરાશે. આ કામ માટે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેકટ સાકાર કરનાર એકમાત્ર ટેન્ડર યુનિક કન્સ્ટ્રકશન દ્વારા 5, 10 અને 15 વર્ષ માટે પ્રતિ માસ અનુક્રમે 11.68 લાખ, 17.35 લાખ અને 22.86 લાખ ઓપરેશન મેઇન્ટેનન્સ ખર્ચનો ભાવ ભરવામાં આવ્યો છે.