એમ મનાય છે કે હસવાનું વરદાન કેવળ મનુષ્યોને જ મળેલું છે. અન્ય કોઈ જીવો હસી શકતા નથી. અલબત્ત, અમુક પ્રાણીઓ હસતાં હોવાનું જણાયું છે ખરું, પણ મનુષ્યમાં હાસ્યનું જેટલું વૈવિધ્ય જોવા મળે છે એવું એ પ્રાણીઓમાં નથી. આમ છતાં એ હકીકત છે કે હાસ્ય અને એથી આગળ વધીને કહીએ તો હાસ્યવૃત્તિ તમામ મનુષ્યો માટે સહજ નથી હોતી. હાસ્યલેખનથી લઈને હાસ્યની મંચ પરથી રજૂઆત વિવિધ સ્તરે થતી જોવા મળે છે અને હાસ્યપ્રેમીને પોતપોતાના સ્તરનું હાસ્ય મળી રહે છે. હસવાથી ચહેરાના ઘણા બધા સ્નાયુઓને કસરત થાય છે એ હકીકત હાસ્યના તબીબી મહત્ત્વને ઉજાગર કરે છે. પરિણામે ઘણાં શહેરોમાં ‘લાફિંગ ક્લબ’ જોવા મળે છે. તેનો મુખ્ય હેતુ હાસ્ય દ્વારા કસરતનો છે. તેનો તબીબી લાભ જે થતો હોય એ, પણ એ નિમિત્તે અનેક લોકો હળેમળે છે.
આ બાબત કદાચ ભારત પૂરતી છે, પણ જાપાન હવે એ દિશામાં એક પગલું આગળ વધ્યું છે. અહેવાલ અનુસાર જાપાનીઓએ હવે ‘સ્માઈલ કોચ’ એટલે કે ‘સ્મિત પ્રશિક્ષક’ની સેવાઓ લેવાનું શરૂ કર્યું છે. કારણ? ખાસ કરીને કોવિડની મહામારી અને એ પછીના સમયગાળામાં માસ્ક વડે મોં ઢાંકી ઢાંકીને સૌ ત્રાસી ગયા હતા. આ અરસામાં સ્વાસ્થ્ય ઉપરાંત રોજગાર, શાળા, પારિવારિક અને એવી તમામ બીજી જવાબદારીઓનો બોજા સૌએ એ હદે અનુભવ્યો કે તેઓ હસવાનું સાવ ભૂલી ગયા હતા.
આ સમસ્યાનો સામનો કંઈ જાપાનીઓને એકલાને કરવાનો નહોતો આવ્યો. વિશ્વભરમાં સહુ કોઈને આ મહામારીએ ઓછેવત્તે અંશે અસર કરી હતી. સૌએ પોતપોતાની રીતે તેનો સામનો પણ કર્યો. ધીમે ધીમે હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. આવામાં ઘણા જાપાનીઓએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે મોં પર માસ્ક પહેરી પહેરીને તેઓ જાણે કે હસવાનું ભૂલી ગયા છે. આવી ફરિયાદ ઘણી વાર અતિશયોક્તિયુક્ત અથવા તો અભિવ્યક્તિની એક રીત લાગી શકે, પણ જાપાનીઓ આ બાબતે ગંભીર જણાય છે. કેમ કે, તેમણે વ્યાવસાયિક ધોરણે સ્મિતનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. સાવ પ્રાથમિક કહી શકાય એ પ્રકારના ચહેરાના હાવભાવ શી રીતે દર્શાવવા એ તેઓ ફરીથી શીખી રહ્યા છે.
હસવાના પણ અનેક પ્રકાર હોય છે. સ્મિત એટલે કે માત્ર હોઠ સહેજ પહોળા કરીને મલકાવું એ ઘણા બધા ઉદ્યોગોની, ખાસ કરીને વિવિધ સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગોની અનિવાર્ય લાયકાત ગણાય છે. સ્મિત સહજ અને સાચુકલું હોય તો જ તે એના સાચા ભાવ સાથે સામેવાળા સુધી પહોંચે. પણ જો એ પરાણે અને અંદરના ઉમળકા વિના કરાયું હોય તો તેની વિપરીત અસર થતી હોવાનું એક અભ્યાસમાં જણાયું હતું. આ અસર એમ કરનારને વધુ પડતું પાણી પીવા માટે પ્રેરે છે.
માસ્ક ન પહેરવાની છૂટ મળ્યા પછી પણ ઘણા જાપાનીઓ જોખમ લેવા તૈયાર નથી. તેઓ માસ્ક પહેરી રાખવા ઈચ્છે છે. જૂજ લોકો એવા છે કે જેઓ કોઈ પણ સંજોગોમાં માસ્કથી મુક્તિ ઈચ્છે છે.
આ પરિસ્થિતિમાં સ્મિત પ્રશિક્ષણને જાપાનીઓએ એટલી ગંભીરતાથી લીધું છે કે આ ક્ષેત્રે કાર્યરત એક કંપનીના પ્રશિક્ષકના જણાવ્યા મુજબ તેમાં ભાગ લેનારાં લોકો અરીસામાં પોતાનો ચહેરો જોઈને નક્કી કરે છે કે પોતે કેટલી પ્રગતિ કરી છે. અરીસામાં જોઈને તેઓ પોતાના ચહેરા પર હાવભાવ લાવવાનો પ્રયત્ન કરે છે અને પોતાનું નૈસર્ગિક, માસ્ક પહેરતા થયા એ સમયગાળા પહેલાંનું સ્મિત ન આવે ત્યાં સુધી મથતા રહે છે. ખાસ કરીને જાપાની મહિલાઓમાં આ પ્રકારના વર્ગો વધુ લોકપ્રિય છે. ટી.વી. અને સામાજિક માધ્યમ પરનો જાણીતો ચહેરો એવાં કવનોએ છેલ્લાં છ વર્ષમાં ચારેક હજાર લોકોને સ્મિતની કળાનું પ્રશિક્ષણ આપ્યું છે. અનેકોને પ્રમાણિત ‘સ્માઈલ સ્પેશ્યાલિસ્ટ’ બનવામાં તેમણે સહાય કરી છે. હવે સમગ્ર જાપાનમાં વીસેક જેટલા પ્રશિક્ષકો દ્વારા તેઓ સ્મિત માટેના વર્ગો ચલાવે છે.
આ બધું જાણીને એમ લાગે કે જાપાનીઓ વધુ પડતા સંવેદનશીલ હશે. આપણા દેશ પાસેથી તેમણે કમ સે કમ આ બાબતે ઘણું શીખવા જેવું છે. નાગરિકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હતો એની સમાંતરે જ આપણા વડા પ્રધાન ચૂંટણી માટેની પ્રચાર સભામાં એકઠી થયેલી મેદનીને જોઈને હરખના ઉચ્ચાર વ્યક્ત કરી રહ્યા હતા. એક તરફ આવી ગંભીર મહામારી સામે શાં પગલાં ભરવાં એ સમજાતું નહોતું અને બીજી તરફ આપણે એના ઓઠા હેઠળ ધર્મનું રાજકારણ રમવાનું શરૂ કરી દીધું હતું.
રાતોરાત ઘોષિત કરાયેલા લૉકડાઉનને કારણે જે તે સ્થળે ફસાઈ ગયેલાં લોકોને ગંતવ્યસ્થાને પહોંચાડવા માટે સરકારી સેવાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે વ્યક્તિગત સ્તરે અમુક લોકોએ એ અઘરું કાર્ય હાથ ધર્યું હતું. વડા પ્રધાને થાળી ખખડાવવાનું, તાળી વગાડવાનું એલાન આપ્યું અને લોકોએ એનું પાલન કર્યું. પણ તેમણે દીવા પ્રગટાવવાની અપીલ કરી ત્યારે કેટલાય ઉત્સાહીઓ તેની વૈજ્ઞાનિક અસરનું પૃથક્કરણ કરવા લાગી ગયા હતા. સ્થળાંતરિત થઈને ગયેલાં લોકો માટે બીજી કશી વ્યવસ્થા ઊભી કરવાને બદલે તેમની પર સામુહિક ધોરણે પાઈપ વડે સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવેલો.
શ્રમજીવીઓને બેસાડીને ઊપડેલી ટ્રેન પોતાનો રસ્તો ભૂલીને અન્યત્ર ભટકતી રહી હતી. જે નાગરિકો કરાતી સરકારની ટીકાનો જવાબ સરકારના પ્રવક્તા હોય એમ બીજાં નાગરિકો જ આપી દેતા હતા. ભલે આપણે કોવિડના સમયગાળા દરમિયાન માસ્ક પહેરેલો હોય, પણ મોં પર સ્મિત લાવવા માટે આ વિરોધાભાસ પૂરતા ન ગણાય? જાપાનીઓને બિચારાઓને આ બધું ક્યાંથી નસીબ થઈ શકે? આવા વેવલાવેડા તેઓ કર્યે રાખે તો તેમણે વિશ્વગુરુને નાણાં અને સેવાઓ જ આપતા રહેવું પડે ને!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.