ભારતમાં બેકારીનું પ્રમાણ હદ બહાર વધી ગયું છે. યુવાનો લાખો રૂપિયા ખર્ચીને ડોક્ટર કે ઇજનેર બને તે પછી પણ તેમને મહિને પંદર હજાર રૂપિયાના પગારની નોકરી મળતી નથી. આ કારણે યુવાનો જેમાં તાગડધિન્ના છે, તેવી UPSC ની પરીક્ષામાં પાસ થવા તનતોડ મહેનત કરે છે. તેમાં લાખો વિદ્યાર્થીઓ પ્રયાસ કરે છે, પણ ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થી જ પાસ થાય છે. તેમ છતાં વિદ્યાર્થીને UPSC ની પરીક્ષામાં પાસ થવાનાં સપનાં બતાવતા કોચિંગ ક્લાસો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં દિલ્હીનું રાવ કોચિંગ સેન્ટર સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગયા શનિવારે જૂના રાજેન્દ્રનગર સ્થિત રાઉ કોચિંગ સેન્ટરના ભોંયરામાં વરસાદી પાણી ભરાવાને કારણે ત્રણ ઉમેદવારોએ જીવ ગુમાવ્યો હતો. આ વિદ્યાર્થીઓ IAS બનવાનું સપનું લઈને દિલ્હી આવ્યાં હતાં, પરંતુ કોચિંગ સેન્ટરની ઘોર બેદરકારીને કારણે તેમનો જીવ ગયો હતો. હવે IAS-IPSની તૈયારી કરી રહેલાં ઉમેદવારો સામે મોટું સંકટ ઊભું થયું છે, કારણ કે દિલ્હીમાં મોટા ભાગનાં કોચિંગ સેન્ટરો બેઝમેન્ટમાં જ ચાલે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેવા બધા કોચિંગ ક્લાસો સીલ કરવામાં આવ્યા છે. તેને કારણે લાખો વિદ્યાર્થીઓ હતાશામાં ગરકાવ થઈ ગયા છે. સવાલ એ છે કે આ કોચિંગ સેન્ટરો લાખોમાં ફી વસૂલે છે, પરંતુ સુરક્ષાની કોઈ કાળજી લેતા નથી. દિલ્હીમાં મોટા ભાગનાં કોચિંગ સેન્ટરો નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળે છે.
દર વર્ષે લાખો ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી માત્ર ૧,૦૦૦ જેટલાં બાળકો જ પરીક્ષા પાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે વર્ષ ૨૦૧૭માં ૪.૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો અને અંતે માત્ર ૯૯૦ વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્યા હતા. એટલે કે માત્ર ૦.૨ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયાં હતાં. ૨૦૧૬ થી ૨૦૨૩ સુધી સફળતાનો દર એ જ રહ્યો છે. માત્ર ૦.૨ થી ૦.૪ ટકા વિદ્યાર્થીઓ જ સફળ થાય છે અને બાકીનાં ઉમેદવારો ફરીથી પરીક્ષાની તૈયારી કરે છે. વર્ષ ૨૦૨૪માં લગભગ ૧૩ લાખ વિદ્યાર્થીઓએ પ્રાથમિક પરીક્ષા આપી હતી, જેના પરથી તમે કલ્પના કરી શકો છો કે માર્કેટનો વિસ્તાર કેટલો મોટો છે.
UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં ભાગ લેનારા અડધાથી વધુ ઉમેદવારો કોચિંગ દ્વારા અભ્યાસ કરે છે. ૨૦૨૦માં કરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે ૫૫.૬ ટકા ઉમેદવારો તૈયારી માટે કોચિંગમાં ભાગ લે છે અને ૨૬.૪ ટકા કોચિંગ વગર અભ્યાસ કરે છે, જ્યારે ૧૮ ટકા બાળકો ઓનલાઈન સંસાધનો અને સામગ્રી દ્વારા અભ્યાસ કરે છે. હવે કોચિંગ સેન્ટર્સનો કારોબાર ઘણો વધી ગયો છે અને ઘણી કોચિંગ સંસ્થાઓ કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ ક્ષેત્રમાં કેટલાક મોટા ખેલાડીઓ છે, જેઓ દાવો કરે છે કે દર વર્ષે ૧૦ હજારથી ૧૨ હજાર વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા આવે છે. દરેક વિદ્યાર્થીની સરેરાશ ફી ૧.૨૫ થી ૧.૭૫ લાખ રૂપિયા હોય છે. ઘણી કોચિંગ સંસ્થાઓની સમગ્ર ભારતમાં શાખાઓ છે. દિલ્હી આમાં સૌથી આગળ માનવામાં આવે છે, જ્યાં ઓલ્ડ રાજેન્દ્ર નગર, દક્ષિણ કેમ્પસ વગેરે જેવા વિસ્તારોમાં ઘણી કોચિંગ સંસ્થાઓ છે. દિલ્હી ઉપરાંત પ્રયાગરાજ, જયપુર, હૈદરાબાદ, પટના પણ કોચિંગ સેન્ટરનાં હબ બની રહ્યાં છે.
દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની પોતાની વિશેષતા હોય છે અને તેના નામ પર ઉમેદવારો પાસેથી પૈસા માંગવામાં આવે છે. દરેક કોચિંગ સંસ્થા પરીક્ષા પાસ કરાવવાનો દાવો કરે છે. એક કોચિંગ સેન્ટર દાવો કરે છે કે ૯૯૦ બાળકોમાંથી ૨૪૪ બાળકો તેમને ત્યાં ભણ્યાં છે, જ્યારે અન્ય ૪૦૦ થી વધુ બાળકોને ભણાવ્યાં હોવાનો દાવો કરે છે. પરિણામો જાહેર થયા બાદ કોચિંગ સેન્ટરો દ્વારા જાહેરખબરમાં ટોપર્સના ફોટા છપાવવાની હરીફાઈ જામે છે. કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ફી તેમના દ્વારા આપવામાં આવતી સુવિધાઓ પર આધારિત હોય છે. મોટા ભાગનાં કોચિંગ સેન્ટરોમાં, ફાઉન્ડેશન કોર્સ ઓફલાઈન, ફાઉન્ડેશન કોર્સ ઓનલાઈન, લાઈવ ઓનલાઈન, ટેસ્ટ સીરીઝ, ક્યુઆઈપી વર્ગો, ટેસ્ટ વગેરેના આધારે અભ્યાસક્રમોને વિભાજિત કરવામાં આવે છે.
જે કોચિંગ સેન્ટરના ભોંયરામાં અકસ્માત થયો હતો તેની ફીની વાત કરીએ તો જનરલ સ્ટડીઝના ઓફલાઈન ફાઉન્ડેશન કોર્સની ફી ૧ લાખ ૭૫ હજાર રૂપિયા છે, જેમાં લાઈવ ઓનલાઈન કોર્સની ફી ૯૫,૫૦૦ રૂપિયા છે. ઓપ્શનલ મેન્સ ફાઉન્ડેશન કોર્સની ફી ૫૫,૫૦૦ રૂપિયા છે. આમાં ઓનલાઈન કોર્સની ફી ૪૫,૫૦૦ રૂપિયા છે, જ્યારે CSAT ફાઉન્ડેશન કોર્સની ફી ૧૮,૫૦૦ રૂપિયા છે. ઓનલાઈન કોર્સની ફી ૧૨,૫૦૦ રૂપિયા છે. જો કે કોચિંગ સેન્ટરો અંગે કોઈ અલગ અભ્યાસ નથી, પરંતુ એવું કહેવાય છે કે આઈએએસ કોચિંગનો બિઝનેસ અબજોમાં છે. સમગ્ર ભારતમાં તમામ કોચિંગ સેન્ટર્સનું ટર્નઓવર વાર્ષિક ૫૮ હજાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ૨૦૨૮ સુધીમાં આ બિઝનેસ ૧.૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આમાં IAS કોચિંગ સેન્ટરોનો બિઝનેસ ૩,૦૦૦ કરોડ રૂપિયાનો છે.
દિલ્હી દેશની રાજધાની છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ ભારતનાં વિદ્યાર્થીઓ અહીં UPSC કોચિંગ માટે આવે છે. કોઈના પિતાએ પોતાનું ખેતર અને જમીન વેચીને અહીં ભણવા મોકલ્યાં છે, તો કોઈ લોન લઈને પુત્રને ઓફિસર બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. આમાંથી ઘણાં ઉમેદવારો હોળી કે દિવાળી પર પણ ઘરે જઈ શકતાં નથી. કેટલાંક વર્ષોથી રાજેન્દ્ર નગરમાં એક નાનકડા રૂમમાં રહીને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યાં છે.
આ અકસ્માતે તમામ ઉમેદવારો અને તેમના પરિવારોને પરેશાન કરી દીધાં છે. જૂના રાજેન્દ્ર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં મકાનમાલિકો વધુ પડતું ભાડું વસૂલે છે. એક નાનકડી રૂમનું ભાડું ૧૫-૧૮ હજાર રૂપિયા છે, જેમાં માત્ર સિંગલ બેડ અને ખુરશી-ટેબલનો સેટ રાખી શકાય છે. આ વિદ્યાર્થીઓ તેમનાં માતાપિતા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં તેમના માટે આટલું ભાડું ચૂકવવું શક્ય નથી.
UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમનો મોટા ભાગનો સમય લાઇબ્રેરીમાં વિતાવે છે. તેમના માટે લાઇબ્રેરી સલામત જગ્યા છે, તેમની આરામ કરવાની પણ જગ્યા છે. આ જ લાઈબ્રેરીમાં બનેલા આવા કરુણ અકસ્માતે સૌને ચોંકાવી દીધાં છે. મોટા ભાગની UPSC કોચિંગ લાઇબ્રેરીઓ ભોંયરામાં ચાલે છે, કારણ કે બેઝમેન્ટ લાઈબ્રેરી માટે ફી ઓછી છે. વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરવાનું સસ્તું લાગે છે. લાયબ્રેરી ક્યાં કાર્યરત છે તે અંગેના નિયમો હોવા જરૂરી છે જેથી ભવિષ્યમાં આવું ન થાય. વિદ્યાર્થીઓ કોચિંગ ડિરેક્ટરોથી નાખુશ છે. મોટા ભાગનાં ઉમેદવારો આ દુઃખની ઘડીમાં તેમની મદદની રાહ જોઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનથી પણ ખૂબ નારાજ છે, કારણ કે ઘણી ફરિયાદો હોવા છતાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અમલદારોએ કોઈ પગલાં લીધાં નથી.
UPSC શિક્ષક અને દૃષ્ટિ IAS ના સ્થાપક ડૉ. વિકાસ દિવ્યકીર્તિ વિદ્યાર્થીઓના નિશાના પર છે. UPSC નાં લાખો ઉમેદવારો તેમને પોતાના ગુરુ માને છે પણ આજે તેઓ આટલા મોટા અકસ્માત પર મૌન જાળવી રહ્યા છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ અને અન્ય સ્થળોએ જ્યારે કોઈ ગુમ થાય છે, ત્યારે જાહેરાત કરાય છે. સોશ્યલ મિડિયા પર ડૉ. વિકાસ દિવ્યકીર્તિના ફોટા સાથેનાં પોસ્ટરો વાયરલ થઈ રહ્યાં છે. તેમાં તેમનાં નામ અને ફોટા સાથે તેમની ઊંચાઈ, વજન, ઉંમર, આંખો, વાળ વગેરે પર કટાક્ષ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે જો આ વ્યક્તિ ક્યાંય જોવા મળે તો જૂના રાજેન્દ્ર નગરમાં વિરોધ પર બેઠેલા વિદ્યાર્થીઓને તેની જાણ કરવામાં આવે. ભારતની રાજધાની દિલ્હીમાં આ બધું બની રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર તમાશો જોઈ રહી છે. જાણે કે દેશના બેકાર યુવાનો માટે તેની કોઈ જવાબદારી ન હોય તેમ કેન્દ્ર સરકાર વર્તી રહી છે.