આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી દેશે. આ યુવાનો ક્યાં તો કોલેજના ભણતા વિદ્યાર્થીઓ હોય છે અથવા તો ત્રીસથી ચાલીસ વર્ષના યુવાનો હોય છે. પહેલાં કરતાં આજનું આપણું જીવનધોરણ ઘણું ઊંચું છે. શિક્ષણની સાથે આર્થિક રીતે પણ લોકોની સ્થિતિ સારી છે. તો પણ યુવાનો આવા ચારિત્ર્યહીન કેમ બને છે? આપણા દેશમાં નશાબંધીનો કાયદો છે. તો પણ યુવાનોને કોઈ જ ડર નથી. માટે કોઈક તો ખામી છે.
જો આપણું યુવાધન પોતાની શક્તિ આમ જ વેડફી દેશે તો કુટુંબ, સમાજ કે દેશનો વિકાસ કઈ રીતે થશે? ચરસનું વ્યસન કોલેજના વિદ્યાર્થીઓમાં વધુ છે. શરાબ પીતા યુવાનોના ઘરના માણસો અજાણ હોઈ શકે ખરા? આના માટે કુટુંબના માણસો, શિક્ષકો, સમાજ અને કાયદા વ્યવસ્થા જવાબદાર હોય તેવું લાગતું નથી. વ્યસની યુવાનો પોતાની બુદ્ધિ અને શક્તિનો દુરુપયોગ કરે છે અને સમાજને હાનિ પહોંચાડે છે. આ બાબતમાં શિક્ષણ સંસ્થાઓએ, સમાજે અને કાયદાકીય વ્યવસ્થાએ નક્કર પગલાં ભરવાં જોઈએ. સુરત – રુબેન બી. શાહ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.