નડિયાદ: નડિયાદમાં સાવલીયા પંપીંગ સ્ટેશન પાસેની એક સોસાયટીમાં રહેતાં રહીશો દ્વારા મકાનની હદની બહાર કરવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો તોડી, પાલિકાતંત્રએ રસ્તો ખુલ્લો કર્યો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે રાહત જન્મ્યો હતો. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાવલીયાં પંપીંગસ્ટેશન સામે આવેલી એક સોસાયટીમાં રહેતાં કેટલાક રહીશો દ્વારા પોતાના મકાનની બહાર વરંડા, ઓટલા તેમજ દુકાનો બનાવી ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યાં હતાં.
જેને પગલે સોસાયટીનો રસ્તો ખુબ જ સાંકડો બની ગયો હતો અને લોકોને અવરજવર કરવામાં હાલાકી વેઠવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખી નડિયાદ નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવેલાં દબાણો દૂર કરવા નોટીસ આપવામાં આવી હતી. તેમછતાં સ્થાનિકોએ દબાણો દૂર કર્યું ન હતું. જેથી, પાલિકાની ટીમ ગુરૂવારના રોજ સવારના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણો દૂર કરવા માટે સ્થળ પર પહોંચી હતી અને હદની બહાર જાહેર રસ્તાની જગ્યામાં બનાવવામાં આવેલ ઓટલા, વરંડાની દિવાલો તેમજ દુકાનો તોડી પાડી, રસ્તો ખુલ્લો કર્યો હતો.