SURAT

સુરતમાં બિલ્ડરોએ નહેર પુરી મકાનો બાંધી દીધા, કલેક્ટરને ફરિયાદ

સુરત(Surat) : સુરત શહેરમાં ફરજ બજાવતા સરકારી અધિકારી અને કર્મચારીઓ આંખે પાટા બાંધીને કામ કરતા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના છેવાડે આવેલા ચોર્યાસી (Choryasi) તાલુકાના કરાડવા (Karadva) અને સણિયા કણદે (SaniyaKande) ગામના કર્મચારીઓ તો કુંભકર્ણની જેમ લાંબા સમયથી ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે આ વિસ્તારમાં ખાનગી બિલ્ડરોએ (Builders) નહેરની જમીનનું પુરાણ કરીને પ્લોટિંગ પાડી સંખ્યાબંધ મકાનો બાંધી દીધા છે. આ મામલે આજે તા. 3 ફેબ્રુઆરીના રોજ સુરત શહેર કોંગ્રેસના અગ્રણી અસલમ સાયકલવાલાએ સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

કોંગ્રેસ અગ્રણી અસલમ સાયકલવાલા દ્વારા આજે જિલ્લા કલેકટરને નહેરના પુરાણા અંગે રજુઆત કરવામાં આવી છે. સાયકલવાલાએ કહ્યું કે, એક વર્ષ પહેલાં નહેર વિભાગને લેખિતમાં રજુઆત કરી હતી. જો કે, નહેર વિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રકારના દબાણો દુર કરવાને બદલે ડેવલપર્સને માત્ર નોટિસ આપીને કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરાયો હતો.

અસમલ સાયકલવાલાએ ચોર્યાસી તાલુકાના જ કરાડવા અને સણિયા કણદે ગામમાં નહેર ખાતાની સરકારી જમીન પર ખાનગી સોસાયટીના ડેવલપર્સ દ્વારા નહેર ખાતા, સુડા અને સ્થાનિક સરપંચ સહિત તલાટી અને પાણીની વહેંચણી કરનાર સહકારી મંડળીના મેળાપીપણામાં હજ્જારો ચોરસ મીટર જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

જૂની નહેરો પર પાઈપ નાખી પુરાણ કરાયું
સુરત શહેરને અડીને આવેલા કરાડવા અને સણિયા કણદે ગામમાં છેલ્લા એક વર્ષના સમય દરમિયાન સુડા દ્વારા પ્લાન પાસ અસંખ્ય ખાનગી સોસાયટીઓનું બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સોસાયટીઓના ડેવલપર્સ દ્વારા તેમના ફાઈનલ પ્લોટ પાસે આવેલ વર્ષો જુની નહેરો અને તેને લાગુ 18 મીટર પહોળા રસ્તાનું બિનઅધિકૃત રીતે પાઈપ નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં આવેલ ખેતરોમાં ખેતી માટે આશીર્વાદ રૂપ નહેરો કાયમી ધોરણે બંધ થઈ છે.

બિલ્ડરોએ નહેરો અને 18 મીટરના રસ્તા પર ગેરકાયદે કબ્જો કર્યો
નહેર અને તેને લાગુ 18 મીટરના રસ્તા પર કબ્જો જમાવીને સોસાયટીના ડેવલપર્સ દ્વારા અંગત લાભમાં આ જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ અસલમ સાયકલવાલા દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી વિભાગના બાબુઓ અને ડેવલપર્સની મિલીભગતમાં ચાલી રહેલા સરકારી જમીન હડપવાના કૌભાંડની સીટ દ્વારા તપાસ કરવાની સાથે જવાબદોર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહીની પણ માંગ સાયકલવાલા દ્વારા કરવામાં આવી છે.

સીટ દ્વારા તપાસ કરવા માંગ
સુરત શહેરના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકવાલાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, નહેર વિભાગની કરોડોની જમીન પચાવી પાડવાના આ કૌભાંડમાં સરકારી વિભાગના અધિકારી અને કર્મચારીઓ પણ સામેલ છે. તેથી આ કેસમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા તપાસ થવી જોઈએ.

Most Popular

To Top