1526 માં મંગોલિયાથી આવેલા બાબરે ભારત પર આક્રમણ કર્યું અને પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીને હરાવી મોગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. 1857 સુધી એટલે કે લગભગ 330 વર્ષ સુધી બાબરના વંશજોએ ભારત પર રાજ કર્યું હતું. મોગલો ભારતમાં જ રહ્યા અને ભારતીય થઈને જ રહ્યા. તેઓએ ભારતીય પ્રજાને ધર્માંતર કરવા મજબૂર કર્યા કે પ્રજા પર જુલ્મો ગુજાર્યા અને ક્રૂરતાથી શાસન કર્યું તે અલગ વાત છે. તેઓએ કદી ભારતીય સામ્રાજ્યમાંથી કોઈ પણ ખજાના પોતાના દેશ મંગોલિયા નથી મોકલાવ્યા. મોગલોના 330 વર્ષના શાસનમાં ભારતની સંપત્તિ ભારતમાં જ રહી હતી, જ્યારે 200 વર્ષના અંગ્રેજ શાસનમાં અંગ્રેજો ભારતનો કોહીનુર હીરા સહિત બેસુમાર સંપત્તિ લૂંટી રાજા રજવાડાના ખજાનાની બળજબરીથી કે લૂંટ કહો પોતાના દેશ ઇંગ્લેન્ડ લઇ ગયા હતા અને તેનાથી જ ઇંગ્લેન્ડ સમૃદ્ધ થયું હતું તેવું કહી શકાય. હમણાં રશિયાના પ્રમુખ પુતિને પણ કહ્યું હતું કે ઇંગ્લેન્ડની સમૃદ્ધિ ભારતમાં ચલાવેલી લૂંટના કારણે છે.
અંગ્રેજોએ ભારતીય પ્રજાને ગુલામ બનાવી તેમના પર બર્બરતાપૂર્વક દમન કરી ક્રૂરતાથી રાજ કર્યું હતું તે તો હવે ઇતિહાસ છે. જલિયાવાળા બાગમાં જનરલ ડાયરે કરેલો એ સામુહિક હત્યાકાંડ કેમ ભુલાય? જેમાં સ્ત્રીબાળકો સહિત 379થી વધુ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. એ સામુહિક હત્યાકાંડની હજુ સુધી ઇંગ્લેન્ડના શાસકોએ માફી માંગી નથી કે આપણે માફી મંગાવી શકયા નથી. કોહિનૂર હીરા સહિત મૂલ્યવાન ખજાનો કે કલાકૃતિઓ પાછી લાવી શક્યા નથી તે લાંછન સમાન છે.
સુરત – વિજ્ય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.