આજના જમાનામાં એક રૂપિયામાં શું મળે છે? આજના જમાનામાં એક રૂપિયાની કોઈ વેલ્યુ નથી રહી પણ 97 વર્ષ પહેલાં એક રૂપિયામાં શર્ટ સીવીને આપવામાં આવતું હતું. નવાઈ લાગે છે ને આ વાત જાણીને. પણ આ હકીકત છે. એ સમયે સુરત સિટીની વસ્તી એક લાખ 17 હજારની હતી. ત્યારે સુરત સિટીનો વિસ્તાર પણ ચોક્થી સ્ટેશન સુધીનો હતો અને ત્યારે 14થી 15 ટેલરિંગની દુકાનો હતી. ટેલર્સની આ દુકાનોમાં એ સમયે અંગ્રેજો પણ પોતાના શર્ટ એક રૂપિયામાં સિવડાવતા. જોકે, વહેતા સમયની સાથે આમાની માત્ર 4 જ દુકાનોનું અત્યારે અસ્તિત્વ રહ્યું છે.
એમાંની એક છે “ I.M.Surti” આ પેઢીની સ્થાપના 1925માં ઇશ્વરલાલ ટેલરે કરી હતી. એમના પિતા સિલાઈનું પરચુરણ કામ કરતા હતા. જોકે ત્યારે તેમની પોતાની કોઈ દુકાન નહીં હતી. ઇશ્વરલાલ દ્વારા મુંબઈથી કમાવીને લાવેલા પૈસામાંથી ટેલરિંગના કામ માટે પોતીકી દુકાન મહિધરપુરા પોસ્ટ ઓફિસની બરાબર સામેના રસ્તા પર ઉભી કરવામાં આવી. આ પેઢીનું નામ’ I .M.Surti’ યુનિક નામ લાગે છે ને ! પેઢીનું આવું નામ કોણે આપ્યું એનો પણ એક દિલચસ્પ ઇતિહાસ છે. આ પેઢીનાં સ્થાપક મુંબઈમાં શું નોકરી કરતા હતા? આ પેઢીએ પોતાના ધંધાનો વિસ્તાર કેવી રીતે કર્યો? તે આપણે આ પેઢીનાં વર્તમાન સંચાલકો પાસેથી જાણીએ….
વંશવેલો
ઇશ્વરલાલ મગનલાલ ટેલર
ધનસુખલાલ ઇશ્વરલાલ ટેલર
દક્ષેશભાઈ ધનસુખલાલ ટેલર
ચંદ્રેશભાઈ ધનસુખલાલ ટેલર
એ જમાનામાં અંગ્રેજો, પારસીઓ લાંબા કોટ પહેરતા: ધનસુખલાલ ટેલર
ઇશ્વરલાલ ટેલરની તબિયત નાદુરસ્ત રહેતા તેમના બિઝનેસની બાગડોર પુત્ર ધનસુખલાલે સંભાળી. તે જમાનામાં 11મું ધોરણ એટલે મેટ્રિક ગણાતું. ધનસુખલાલ મેટ્રિક સુધી ભણ્યા બાદ તેમના ટેલરિંગના બિઝનેસમાં આવી ગયા. ધનસુખલાલ ટેલરે જણાવ્યું કે તે જમાનામાં અંગ્રેજો, વકીલો અને પારસીઓ લાંબા કોટ પહેરતા. અમે કાપડ વેચતા નહીં હતા ગ્રાહકોએ કાપડ જાતે જ લઈ આવવાનું રહેતું. દુકાનની સામે જ તાર અને ટેલીગ્રાફ ઓફિસમાં અંગ્રેજ ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ બેસતા. અંગ્રેજોનું નિવાસ સ્થાન ડચ ગાર્ડન પાસે હતું. અંગ્રેજો દુકાન સુધી વિક્ટોરિયા ગાડીમાં લોન્ગ કોટ અને સૂટ સિવડાવવા આવતા. અન્ય ગ્રાહકો ઘોડાગાડીમાં અને સાયકલ પર આવતા હતાં.
1990થી વિવિધ પ્રકારના અને ક્વોલિટીના કાપડ પણ વેચવાનું શરૂ કર્યું: દક્ષેશ ટેલર
ત્રીજી પેઢીનાં સંચાલક દક્ષેશભાઈ ટેલરે જણાવ્યું કે, ધંધાનો વિસ્તાર કરવો હતો અને કસ્ટમરને પણ વિવિધ પ્રકાર અને ક્વોલિટીના કાપડ અહીં એક જ જગ્યા પરથી મળી રહે તે માટે અમે 1990થી વિવિધ પ્રકારના કાપડ પણ રાખવાનું શરૂ કર્યું. અમે દુકાનની બીજી શાખા ઘોડદોડ રોડ પર પણ શરૂ કરી છે. અમારે ત્યાં વડોદરા, વાપી, ભરૂચ, બારડોલી, સારોલી, પૂણા, કડોદરા, દિગસ, સરભોણ, શામપુરા, રામપુરા, નવાપુર, સોનગઢ, વિસરવાડી અને સુરતના વિવિધ વિસ્તારના ગ્રાહકો આવે છે. આ જગ્યાઓ પર પણ અલગ-અલગ ટેલર છે જ પણ અમારું કામ જેમને ફાવી ગયું છે અને ક્વોલિટી વર્ક મળતું હોવાથી દૂર-દૂરના સ્થળોના પણ ગ્રાહકો કાપડ લેવા અને સિવડાવવા આવે છે.
2006ની રેલમાં દુકાનમાં પાણી ભરાતા ફર્નિચરને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું: ચંદ્રેશ ટેલર
ત્રીજી પેઢીનાં સંચાલક ચંદ્રેશભાઈ ટેલરે જણાવ્યું કે 2006માં સુરતમાં જે ભયંકર રેલ આવી હતી તેમાં અમને પણ આર્થિક નુકસાન થયું હતું. અમારી દુકાનમાં પાણી ભરાવાનું શરૂ થતા અમે કસ્ટમરનો અને અમારો કાપડનો સ્ટોક અમારા ઘરે લઈ ગયા હતા. અમારું ઘર દુકાનની પાછળ બેગમપુરા કુંવરસિંહની શેરીમાં છે. કાપડનો સ્ટોક તો અમે બચાવી લીધો હતો પણ બેઝમેન્ટ આખું પાણીમાં ગરક થતા અને દુકાનમાં પણ બે થી ત્રણ ફૂટ પાણી ભરાતા ફર્નીચરને 5 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું. પૂરના પાણી ઓસર્યા બાદ નવું ફર્નિચર બનાવવા માટે અમને સમય લાગ્યો હતો એ દરમિયાન ધંધો પૂર્વવત થતાં બે મહિના જેટલો સમય લાગ્યો હતો એટલું અમને આર્થિક નુકસાન થયું હતું.
પહેલા કોટન, લિનનના કપડાનું ચલણ હતું, દુલ્હા કલેક્શનનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષથી છે
દક્ષેશભાઈએ જણાવ્યું કે એ જમાનામાં લોકોમાં ટેરિન, કોટન, ટેરિબુલ,લિનનના કપડાંનું ચલણ હતું. એ વખતે સિલ્કના કોટ પહેરાતા. પહેલાના લોકો સિમ્પલ અને સોબર કપડા પહેરતા અત્યારે ફેન્સી કપડાનો જમાનો છે. એ જમાનામાં તો સામાન્ય વર્ગના વરરાજા કોટ પહેરતા પણ શરમાતા હતા. ત્યારે 1940 સુધી કોટની સિલાઈ 25 રૂપિયા, પેન્ટની સિલાઈ ત્રણ રૂપિયા અને શર્ટની સિલાઈ એક રૂપિયો લેવાતી. છેલ્લા કેટલાક વર્ષોથી દુલ્હા કલેક્શન નો ટ્રેન્ડ જોવા મળે છે. દુલ્હાની શેરવાની, જોધપૂરી કોટમાં ડાયમંડ, ટિક્કી વર્ક, એમ્બ્રોઈડરી વર્ક જોવા મળે છે.
ઇશ્વરલાલ મુંબઈમાં અંગ્રેજોની એક કમ્પનીમાં દરજીનું કામ કરતા
આ પેઢીનાં સ્થાપક ઇશ્વરલાલ ટેલરને મુંબઈમાં રહેતા ફોઈના દીકરાએ બોલાવ્યા હતાં. અહીં તેઓ અંગ્રેજોની એક કંપનીમાં દરજી તરીકેની નોકરી કરતા હતા. ત્યાં તેઓ સૂટ, શર્ટ, પેન્ટ અને લોંગ કોટ સીવવાનું શીખ્યા હતા. સુરતમાં તેમના પિતા મગનલાલ ટેલર સ્ત્રીઓના બ્લાઉઝ સિવતા અને પુરુષોના કપડાના રિપેરીંગનું પરચુરણ કામ કરતા હતા. ઇશ્વરલાલ ટેલરિંગનું કામ શીખીને આવ્યા બાદ સુરતમાં તેમણે 1925માં નવરાત્રી દરમિયાન મહિધરપુરા તાર-પોસ્ટ ઓફિસ સામે નાની ટેલરિંગની દુકાન શરૂ કરી હતી. પહેલા તેમની અટક અંધારિયા હતી જે 1947માં આ વ્યવસાયને લઈને ટેલર કરી હતી.
I.M.Surti નામ અંગ્રેજ અધિકારીએ આપ્યું હતું
ધનસુખલાલ ટેલરે જણાવ્યું કે પહેલા અમારી દુકાનનું કોઈ નામ નહીં હતું. એ સમયે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના અંગ્રેજ સુપ્રીટેન્ડન્ટે અમારી પેઢીને I.M.Surti નામ આપ્યું હતું. પેઢીનાં સ્થાપક ઇશ્વરલાલનું “I” તેમના પિતા મગનલાલનું “M” અને સુરત ના નામ પરથી Surti એ રીતે પેઢીનું નામ I.M.Surti રાખ્યું હતું. અંગ્રેજોએ જ નાના પતરા અને પેન્ટરની વ્યવસ્થા કરી આપી હતી. એ પતરા પર પેઢીનું નામ પેઇન્ટ કરવામાં આવ્યું હતું.
એ જમાનામાં પગથી ચાલતાં સિલાઈ મશીન જર્મની, જાપાનથી આવતા
ધનસુખલાલ ટેલરે જણાવ્યું કે એ જમાનામાં જર્મની અને જાપાન તથા લુધિયાણાથી સિલાઈ મશીન મુંબઈ આવતા અને ત્યાંથી સુરત લાવવામાં આવતા જોકે, અમારી પેઢી સુરતના માર્કેટમાંથી જ સિલાઈ મશીન મેળવતી હતી. ત્યારે પગથી ચાલતા મશીનો હતા હવે લેટેસ્ટ ટેક્નિકના ઝૂકી, પફ, બ્રધરના ઓટોમેટિક મશીનો આવે છે જે ટાંકા પ્રમાણે ઓન અને ઓફ થાય છે.
દક્ષિણ આફ્રિકા જતા લોકો સફારી સિવડાવતા
દક્ષેશભાઈએ જણાવ્યું કે પહેલા લોકો આફ્રિકા કમાવવા જતા એટલે દક્ષિણ આફ્રિકા જતા પહેલા કે ત્યાંથી ભારત આવે ત્યારે પણ અમારે ત્યાં સફારી સિવડાવવા આવતા. આજે પણ સફારી પહેરવાનું ચલણ એજેડ લોકોમાં છે. પહેલા ઇન્કમટેક્સ ખાતાના અધિકારીઓમાં પણ સફારી પહેરવાનું ચલણ હતું. હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં મારવાડી વેપારીઓ બીજાથી અલગ તરી આવવા માટે સફારી પહેરે છે.
ડિસેમ્બર, જાન્યુઆરીમાં આવતા N.R.I. અમારા કસ્ટમર છે
ચંદ્રેશભાઈએ જણાવ્યું કે, નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અમારે ત્યાં અમેરિકા, લંડન, કેનેડા, પનામા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકામાં વસેલા ગુજરાતીઓ આવે છે અને 4થી 5 જોડી થી પણ વધારે કપડા સિવડાવીને લઈ જાય છે. વિદેશમાં સિલાઈ મોંઘી પડે છે અને ત્યાં વધારે તો રેડીમેડ કપડા જ મળતાં હોય છે એટલે N.R.I. અમારે ત્યાં કપડા સિવડાવાનું પસંદ કરે છે.