૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજો આપણને સત્તાની સોંપણી કરીને દેશ છોડીને જતા રહ્યા એને જો આપણે આઝાદી કહેતા હોઈએ તો આજે આઝાદીની ૭૪મી વર્ષગાંઠ છે અને દેશ આઝાદીની સુવર્ણજયંતી વર્ષમાં પ્રવેશ્યો છે. આવતા વરસે આપણે આઝાદીનાં ૭૫ વરસ પૂરાં કરીશું. આઝાદી સાથે ભારતનું વિભાજન પણ ન ભૂલાય એવી ઘટના છે. એ એક ઘાવ છે જે સતત દુઝતો રહે છે અને તેનો રાજકીય ઉપયોગ પણ કરવામાં આવે છે. આપણે આઝાદીનો ઉત્સવ મનાવતી વખતે આત્મનિરીક્ષણ પણ કરવું જોઈએ કે કેમ આપણે સાથે રહી ન શક્યા? દોષારોપણ બાજુએ રાખીને આત્મપરીક્ષણ કરવું જોઈએ. આ લેખનો પ્રારંભ જ શંકા સાથે મેં સવાલ સાથે કર્યો છે કે ૧૫મી ઓગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ? અંગ્રેજીમાં એને ટ્રાન્સફર ઓફ પાવર કહેવામાં આવે છે. ૧૫મી ઓગસ્ટે ટ્રાન્સફર ઓફ પાવર થયો હતો કે ફ્રીડમ મળ્યું હતું?
આઝાદી એક પ્રક્રિયા છે અને સત્તાંતરણ એક ઘટના છે. ૧૫મી ઓગસ્ટે આપણને જે આઝાદી મળી એ સત્તાંતરણના સ્વરૂપની એક ઘટના હતી, કહો કે એક પડાવ હતો પણ આઝાદીની પ્રક્રિયા તો એ પહેલાં પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલવાની માટે ગાંધીજી કાયમ આઝાદી માટે સ્વરાજ શબ્દ વાપરતા હતા. સ્વ-રાજ. આપણા ઉપર આપણું રાજ. આપણા ઉપર આપણાઓનું રાજ નહીં, આપણા ઉપર આપણું રાજ. આ બે ચીજમાં જમીન આસમાનનો ફરક છે. ઘણાં લોકો એમ માને છે અને જેતે ધારાના રાજકારણીઓ એમ મનાવવાનો પ્રયાસ કરે છે કે આપણા ઉપર આપણાઓનું રાજ હોય એ જ પૂરતું છે અને તેને જ આઝાદી કે સ્વરાજ કહેવાય. આખી ૨૦મી સદીના જગતના રાજકારણ ઉપર નજર કરશો તો જોવા મળશે કે જગત આખામાં આપણા ઉપર આપણાઓનાં રાજના નામે આંદોલનો ચાલ્યાં છે અને આજે પણ એ જ જોવા મળી રહ્યું છે.
મૂળમાં એ સત્તાનું રાજકારણ છે. આનો અર્થ એ થયો કે આપણે સત્તાકેન્દ્રી છીએ, સ્વરાજકેન્દ્રી નથી. ભારતને આઝાદી મળી ત્યારે દલિત નેતાઓ દલિતોને સમજાવતા હતા કે આ તો રાજકીય આઝાદી છે, સાચી આઝાદી તો આવવાની બાકી છે. જે આઝાદ થયા છે એ સવર્ણ હિંદુઓ થયા છે, દલિતોએ આઝાદ થવાનું બાકી છે. દલિતોએ બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદથી આઝાદ થવાનું છે અને એ ત્યારે થશે જ્યારે સવર્ણોના હાથમાંથી છીનવી લેવામાં આવશે. દલિત રાજકારણીઓ દલિતોને કહેતા હતા કે જ્યાં સુધી દલિતોનું રાજ નહીં આવે ત્યાં સુધી સાચી આઝાદી મળવાની નથી. આજે પણ દલિતો આશા રાખીને બેઠા છે કે આપણા ઉપર આપણાઓનું રાજ આવશે ત્યારે આપણને સાચી આઝાદી મળવાની છે.
ભારતને આઝાદી મળી ત્યારે સામ્યવાદીઓ પણ કહેતા હતા કે આ કોઈ સાચી આઝાદી નથી. જે આઝાદી મળી છે એ સહિતોને આઝાદી મળી છે, રહિતોએ અર્થાત્ ભારતનાં કરોડો શોષિતોએ હજુ આઝાદ થવાનું બાકી છે. તેમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ ઉપર સામ્યવાદીઓ રાજ કરશે. સર્વહારાઓએ સમજવું જોઈએ કે તેમના ઉપર તેમનાઓનું રાજ જરૂરી છે. આ જ વાત હિન્દુત્વવાદીઓ પણ કરતા હતા. તેઓ કહેતા હતા કે દેશને જે આઝાદી મળી છે એ સાચી આઝાદી નથી. હિંદુઓએ તો હજુ આઝાદ થવાનું બાકી છે. હિંદુઓને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે દેશ પર માત્ર અને માત્ર સાચા હિંદુઓ રાજ કરશે. સાચા હિંદુઓ એટલે હિન્દુત્વવાદીઓ. ટૂંકમાં તેમણે પણ હિંદુઓને કહ્યું હતું કે તમને સાચી આઝાદી ત્યારે મળશે જ્યારે તમારા ઉપર તમારાઓ રાજ કરશે.
આજે કેટલાક હિંદુઓની છાતી ગજગજ ફૂલે છે કે આપણા ઉપર અને દેશ ઉપર આપણાઓનું રાજ છે. આખી વીસમી સદીમાં લગભગ સર્વત્ર આ જ ચાલ્યું છે અને અત્યારે તો સ્થિતિ સુધરવાની જગ્યાએ વકરી છે. અમેરિકામાં અમેરિકન શ્વેત ખ્રિસ્તીઓને પણ તેમના ઉપર શ્વેત ખ્રિસ્તીઓનું રાજ જોઈએ. આવું જ બીજા દેશોમાં બની રહ્યું છે. સ્વતંત્રતાની સમજ વ્યાપક બનવાની જગ્યાએ કુંઠિત બની રહી છે. સ્વ-રાજની ચેતના વધુ સમૃદ્ધ અને સૂક્ષ્મ બનવાની જગ્યાએ છીછરી બની રહી છે.
આવું કેમ બન્યું? બીજા દેશોની વાત જવા દઈએ પણ આપણા બંધારણમાં શક્ય એટલી જોગવાઈ કરવામાં આવી છે કે આપણા ઉપર આપણું રાજ હોય. પ્રત્યેક ભારતીયને સ્વતંત્ર નાગરિક તરીકેની ઓળખ આપી છે, તેના અધિકારો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તેને મૂળભૂત (ફન્ડામેન્ટલ)ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, તેના રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે, તેને મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના દ્વારા તે કોઈને સત્તા ઉપર બેસાડી શકે છે અને ઉતારી શકે છે અને છતાં તે પોતાના ઉપર પોતાનું રાજ વિકસિત કરવાની જગ્યાએ પોતાના ઉપર પોતાનાઓનું રાજ શોધી રહ્યો છે.
આનું કારણ છે ભય. સ્વતંત્રતા અને ભય સાથે ન રહી શકે. જ્યાં ભય હોય ત્યાં સ્વતંત્રતા ન હોઈ શકે. ભયભીત માણસ સ્વતંત્ર ન હોઈ શકે. ઉપર કહ્યા એ બધા પ્રકારના રાજકારણીઓ નાગરિકને ડરાવીને તેને જેતે ઓળખ આધારિત સમૂહનો હિસ્સો બનાવે છે અને તેમને કહે છે કે જ્યાં સુધી તમારા ઉપર તમારાઓ રાજ નહીં કરે ત્યાં સુધી તમને સાચી આઝાદી મળવાની નથી. પહેલા ડરાવીને અને એ પછી ડરમુક્ત કરવાનો વાયદો કરીને રાજકારણીઓ જેતે પ્રજાને નાગરિકમાંથી ઘેટાં બનાવીને વાડામાં પૂરી રહ્યા છે અને ઉપરથી કહે છે કે આ બધું તેઓ સાચી આઝાદી અપાવવા માટે કરી રહ્યા છે. સાચી આઝાદી. વાડામાં પૂરી રાખવા અને ઉપરથી ડરાવવા એ બધું સાચી આઝાદી માટે! આ બધું વિચિત્ર નથી લાગતું? આજના પવિત્ર દિવસે થોડું ચિંતન કરવું જોઈએ. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?