Editorial

મુંબઇ મહાનગરની ચમક હજી પણ ઝાંખી પડી નથી

ભારતનું આર્થિક પાટનગર મુંબઇ વિશ્વના અગ્રણી ધબકતા શહેરોમાંનુ એક છે અને ભારતનું ગૌરવ છે. અંગ્રેજ રાજકુટુંબે જે ટાપુ લગ્ન પ્રસંગે દહેજ તરીકે રાજકુમારીને આપ્યો હતો તે ટાપુનો બાદમાં એવો વિકાસ થયો કે થોડા વર્ષોમાં તો એક શહેર તરીકે ધબકવા માંડ્યું અને પછી ધીમે ધીમે એક મહાનગર તરીકે આ ટાપુનો વિકાસ થયો જેને બાદમાં તો વિવિધ પુલો વડે ભારતની મુખ્ય ભૂમિ સાથે પણ જોડી દેવાયો. આ મુંબઇ શહેર જ્યારે વિકસવાનું શરૂ   થયું ત્યારે કોઇએ કદાચ ધાર્યું નહીં હોય કે એક સમય આવશે જ્યારે આ શહેર દેશનું અગ્રણી વેપાર કેન્દ્ર, નાણાકીય કેન્દ્ર, બોલીવુડ તરીકે ઓળખાતું હિન્દી સિનેમાનું મુખ્ય કેન્દ્ર, અનેક અબજપતિઓનું, અગ્રણી અભિનેતાઓનું વસવાટ સ્થાન બની જશે.

ખૂબ વિકસીત થવા માંડેલુ મુંબઇ શહેર સ્વાભાવિક રીતે જ દેશભરમાંથી લોકોને પોતાના તરફ આકર્ષવા માંડ્યું. તેની વસ્તી ઝડપથી વધવા માંડી અને સ્વાભાવિક રીતે જ તેની સાથે સમસ્યાઓ પણ ઉભી થવા માંડી. અને અનેક સમસ્યાઓ વચ્ચે મુંબઇની ચમક પણ વધતી ગઇ. દેશભરમાંથી માનવ મહેરામણ મુંબઇમાં ઠલવાતો રહ્યો. મુંબઇથી ચમકથી આકર્ષાઇને અનેક લોકો પોતાના નસીબ અજમાવવા મુંબઇ આવતા રહ્યા. કેટલાકનું નસીબ ચમકી ઉઠતું તો કેટલાકે આજીવન ફૂટપાથ પર રહેવાનો પણ વખત આવતો.

ઘણા લોકો મુંબઇમાં આવીને બે પાંદડે થયા, ઘણા લોકો ચમકી ઉઠ્યા, ઘણા ઠેરના ઠેર રહીને પીસાતા રહ્યા, તો કેટલાક તો સાવ બરબાદ પણ થઇ ગયા. મોહમયી નગરી તરીકે ઓળખાવા માંડેલા મુંબઇમાં જમીન, રહેણાક અને ધંધાકીય મિલકતોના ભાવ વધવા માંડ્યા અને ધીમે ધીમે આસમાને જવા માંડ્યા. આજે વિશ્વમાં જ્યાં સૌથી ઉંચા ભાવે મિલકતો વેચાય છે તે શહેરોમાં મુંબઇનો પણ સમાવેશ થાય છે. હાલમાં બહાર પડેલા આંકડાઓ જણાવે છે કે છેલ્લા દાયકાઓમાં ભારતમાં બીજા અનેક શહેરોનો વ્યાપક વિકાસ થયો હોવા છતાં મુંબઇમાં મિલકતો મોંઘીદાટ છે અને એટલું જ નહી આ મોંઘીદાટ મિલકતો હજી પણ ચપોચપ વેચાઇ જાય છે.

ગયા મહિને મુંબઇમાં મિલકતોની નોંધણીના પ્રમાણમાં ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં આઠ ટકાનો વધારો થયો છે અને તે ૧૪૧૫૦ જેટલી થઇ છે એ મુજબ એક અહેવાલ જણાવે છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્કે જણાવ્યું હતું કે મુંબઇ શહેર(બીએમસીના કાર્યક્ષેત્ર હેઠળનો વિસ્તાર)માં ૩૧ માર્ચની સાંજે ૬.૩૦ કલાક સુધીમાં ૧૪૧૫૦ મિલકતોની નોંધણી થઇ છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં ૧૩૧૫૧ મિલકતો નોંધાઇ હતી. કુલ નોંધાયેલી મિલમતોમાં રહેણાક મિલકતોનું પ્રમાણ ૮૦ ટકા જેટલું છે. આ આંકડા મજબૂત માગ દર્શાવે છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અધ્યક્ષ અને એમડી શિશિર બૈજાલે જણાવ્યું હતું કે મુંબઇમાં રેસિડેન્શ્યલ રિઅલ એસ્ટેટે સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે મિલકતોની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. ૧૧૦૦ કરોડ કરતા વધુ રકમ વસૂલ કરી છે. આ પ્રવાહ પર ટિપ્પણી કરતા પ્રોટેક કંપની રેલોયના સ્થાપક અને સીઇઓ અખિલ સરાફે જણાવયું હતું રેસિડેન્શ્યલ મિલકતોની માગમાં પ્રાયમરી(પ્રથમ વેચાણ) અને સેકન્ડરી(ફેર વેચાણ) બંને બજારો મજબૂત રહ્યા છે.  પ્રતિષ્ઠિત ડેવલપરોના પ્રોજેકટો ઘણી ઝડપથી વેચાઇ જાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મુંબઇમાં મિલકતોના વેચાણના અને તેમાંથી સ્ટેમ્પ ડ્યુટી પેટે સરકારને થતી આવકના આંકડાઓ સૂચવે છે કે મુંબઇની ચમક હજી પણ ઝાંખી પડી નથી. ભારે ગીચ અને ભીડભાડભર્યું અને સમસ્યાઓથી ગ્રસ્ત થઇ ગયેલું મુંબઇ મહાનગર હજી પણ લોકોને આકર્ષી રહ્યું છે અને લોકો હોંશે હોંશે ત્યાં રહેવા માટે તૈયાર છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશની રાજધાનીના શહેર દિલ્હીનો ભારે વિકાસ થયો છે અને આ મહાનગર બે કરોડ કરતા વધુ  વસ્તી સાથે વિશ્વના સૌથી મોટા શહેરોમાં શામેલ થઇ ગયું છે. દિલ્હીની નજીક નોઇડા જેવા ઔદ્યોગિક વિસ્તારો વિકસ્યા છે. ચંદીગઢ જેવા નજીકના શહેરોનો પણ ઘણો વિકાસ થયો છે. દક્ષિણ ભારતમાં બેંગલોર આઇટી હબ તરીકે વિકસ્યું છે તો કોઇમ્બતુર જેવા બીજા અનેક શહેરો વિકાસ પામ્યા છે અને પામી રહ્યા છે.

મુંબઇનો મર્યાદિત ભૌગોલિક વિસ્તાર અને વધતી સમસ્યાઓ જોતા લાગતું હતું કે હવે આ શહેર તેની ચમક ગુમાવી દેશે અને તેના પ્રત્યેનું લોકોનું આકર્ષણ ઘટી જશે. પરંતુ ત્યાં વેચાતી મોંઘીદાટ મિલકતોના આંકડાઓ પરથી લાગે છે કે મુંબઇ મહાનગરે હજી પોતાની ચમક ગુમાવી નથી અને કદાચ દાયકાઓ સુધી ગુમાવશે નહીં. દેશના આર્થિક પાટનગર તરીકે તો તેનું આગવું સ્થાન છે જ, અને વિશ્વના સૌથી વધુ ધનવાનોના રહેઠાણ તરીકે ઓળખાતા શહેરોમાં પણ તેનો સમાવેશ થાય છે. લાગે છે કે મોહમયી નગરી મુંબઇ હજી લાંબા સમય સુધી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Most Popular

To Top