સેતુ કુદરતનો અધૂરો દાખલો બનીને રહી ગયો

22મી ફેબ્રુઆરી 1996ને ગુરુવારનો દિવસ હતો. સવારના પોણા નવ થયા હતા. મુંબઈના નાલાસોપારામાં રહેતા સેતુના મોટાભાઈ અને ભાભી સવારની ચા પી રહ્યાં હતાં ત્યારે બારણે ટકોરા પડયા એટલે મોટાભાઈએ તરત પૂછ્યું, “કોણ?’’ તેના જવાબમાં સામેથી સત્તાવાહી અવાજ સંભળાયો : ‘‘પોલીસ આહે બાહેર યા” (પોલીસ છે, બહાર આવો). વર્ષોથી મુબઈમાં સ્થાયી થયા હોવાને કારણે મરાઠી ભાષા સારી સમજતાં હતાં. પોતાના ઘરે પોલીસ આવી છે તેવી ખબર પડતાં હાથમાં રહેલી ચાનો કપ નીચે મૂકી બંને જણાં ઊભા થઈ દરવાજા સુધી આવી ગયાં. ખાખી કપડામાં રહેલા પોલીસ કોન્સ્ટેબલને કંઈ પૂછે તે પહેલાં તેણે પોતાના હાથમાં રહેલું એક આઈડેન્ટીટી કાર્ડ બતાવતાં ફરી બીજો પ્રશ્ન કર્યો, ‘સેતુ ઈથે રાહતો? (સેતુ અહીંયા રહે છે?). સેતુનું નામ સાંભળતાં મોટાભાઈના શરીરમાંથી એક ધ્રુજારી નીકળી ગઈ કારણ કે પોલીસ પાસે રહેલું આઈડેન્ટીટી કાર્ડ પણ સેતુનું હતું. તે હજી સાત વાગ્યે દહીંસર નોકરીએ જવા માટે નીકળ્યો હતો. તે સ્વભાવે અત્યંત સરળ હતો તેથી તેનાથી શું ભૂલ થઈ ગઈ કે પોલીસે તેને પકડ્યો હશે તેવા અનેક વિચારો મોટાભાઈના મનમાં મુંબઈના દરિયામાં ભરતી આવે તે રીતે આવી રહ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ તેમના ચહેરા ઉપરની ભાષા વાંચી શકતો હતો. તે ખાખી કપડામાં હતો છતાં તે કઈ બાબતના સમાચાર આપવા આવ્યો હતો તેની પૂરી ગંભીરતાની તેને ખબર હતી.

તેણે મોટાભાઈ સાથે રહેલી ભાભીને જોઈને મોટાભાઈને બહાર આવવા ઈશારો કર્યો અને તે પોલીસની પાછળ થોડે દૂર ગયા. કોન્સ્ટેબલે મોટાભાઈના કાન પાસે પોતાનું મોઢું લઈ જતાં ધીરા અવાજે કહ્યું, “સેતુકા વસઈ સ્ટેશન પર એકિસડેન્ટ હુઆ હૈ, તુમ મેરે સાથ ચલો.” આ સાંભળી તેમના હૃદયના ધબકારા તે પોતે સાંભળી શકે એટલા ઝડપી થઈ ગયા હતા. સારું થયું કે કોન્સ્ટેબલે તેમને ત્યારે સાચી વાત કરી નહોતી. તે પોલીસ સાથે વસઈ હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં જઈને તે ભાંગી પડ્યા હતા કારણ કે સેતુના શરીર ઉપર પોલીસે સફેદ કપડું ઓઢાડી દીધું હતું.

સેતુ હજી ગયા મહિને મુંબઈ આવ્યો હતો. તેને ખેડા છોડી મુંબઈ આવવાની ઇચ્છા નહોતી. તેને હમણાંના યુવાનોની જેમ નવાં કપડાં પહેરવાં, સારા બૂટ લાવવા તેવો શોખ હતો પણ માતા અને મોટાભાઈની લાગણી હતી કે ખેડામાં 2000-3000ની નોકરી કરવા કરતાં મુંબઈ જઈએ તો સારું કામ મળશે એટલે સેતુ પરાણે આવ્યો હતો. દહીંસરની એક કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. તે ખેડાથી ત્યારે ૧૮ જાન્યુઆરી ૧૯૯૬ના રોજ નીકળ્યો હતો. સેતુ ખેડાથી નીકળ્યો પછી તા. ૨૨મીના રોજ એક વિચિત્ર ઘટના તેના ઘરે બની હતી. સેતુનો એક મિત્ર તેને મળવા માટે આવ્યો હતો. તેની ઉંમર પણ સેતુ જેટલી એટલે કે ૨૨-૨૩ વર્ષ હશે. તેણે સેતુ વિશે પૂછ્યું પણ તેને જયારે ખબર પડી કે તે મુંબઈ ગયો છે ત્યારે તે નાનું બાળક રડે તેમ રડવા લાગ્યો હતો. આટલું દુઃખ તો કદાચ સેતુની માને પણ થયું નહીં હોય. તે યુવાનને રડવાનું કારણ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે સેતુ તેને મળવાનો નથી તેમ માની તે રડતો રહ્યો. થોડી વાર પછી તે જતો રહ્યો પણ સૌને આશ્ચર્ય તે વાતનું હતું કે અગાઉ ક્યારેય આ યુવાનને કોઈએ જોયો ન હતો તેમ જ સેતુએ પણ તેના વિશે કોઈ વાત કરી નહોતી.

સેતુનાં મોટાભાઈ અને ભાભી વર્ષોથી મુંબઈમાં રહેતાં હતાં. મોટાભાઈ ખાનગી કંપનીમાં સારી જગ્યા ઉપર હતા. સેતુને તેની ભાભી સાથે વિશેષ લગાવ હતો. તે ભાભી કરતાં પંદર વર્ષ નાનો હતો એટલે ભાભી તેને દીકરા કરતાં અધિક સાચવતી હતી. હજી મુંબઈમાં આવી સેતુને નોકરી મળી હતી અને એકાદ અઠવાડિયું થયું હતું. ખેડા સેતુના ઘરે એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ સેતુના મિત્ર તરીકે આપી, માહિતી આપી કે, સેતુને ટ્રેન એક્સિડન્ટ થયો છે અને તેણે પોતાનો ફોન કાપી નાખ્યો. આ સમાચાર સાંભળી ખેડામાં રહેતા સેતુનાં માતા-પિતાને ફાળ પડી. તેમણે તરત પોતાના મોટા દીકરાની ઓફિસમાં ફોન જોડ્યો હતો અને તેમની વાત સાંભળી મોટાભાઈ ખડખડાટ હસી પડયા હતા કારણ કે તે વખતે તેમની જ ઓફિસમાં સેતુ તેમની સામે બેઠો હતો. આમ કોઈકે મજાક કરી છે તેમ માની બધા વાત ભૂલી ગયા હતા.

પણ સમયનું ચક્ર આટલી ઝડપે ચાલે જ છે તેનો અંદાજ નહોતો. થોડા દિવસ પહેલાં જેને મજાક ગણી હતી તેવી ઘટના બની. તા. ૨૧ના રોજ સેતુ રાતે નોકરી ઉપરથી પાછો આવ્યો પછી ભાઈ-ભાભી સાથે જમ્યો હતો અને પછી ત્રણેય જણાએ મોડી રાત સુધી ખૂબ ગપ્પાં માર્યાં હતાં. રાત્રે બધાં સૂઈ ગયાં પણ કોણ જાણે સેતુને ઊંઘ આવતી નહોતી એટલે લગભગ ત્રણ વાગ્યે ફરી ઊઠયો અને તેણે તેની ભાભીને ઉઠાડી કહ્યું હતું કે, ભાભી મને ઊંઘ આવતી નથી, ચાલને વાતો કરીએ.” જાણે સેતુને કોઈ સંદેશો આવી ગયો તેવું લાગતું હતું. ભાભીની આંખમાં ઊંઘ હતી છતાં તે લાડકા દિયરની વાત ટાળી શકી નહીં અને બંને ફરી પાંચ વાગ્યા સુધી વાતો કરતાં રહ્યાં. સાત વાગ્યે તો સેતુને નોકરીએ જવાનું હતું એટલે તે તૈયાર થવા લાગ્યો હતો. તેની ભાભીએ તેને ચા-નાસ્તો બનાવી આપ્યો અને તે જ્ય શ્રીકૃષ્ણ કહી લોકલ ટ્રેનમાં નીકળ્યો હતો. સવારનો સમય હતો. લોકલ રોજ પ્રમાણે પેક હતી એટલે સેતુ બારણે લટકી મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે તેને ખ્યાલ આવ્યો નહીં કે વસઈ પાસે સિગ્નલનો થાંભલો મોત બની તેની રાહ જોઈ રહ્યો છે.

તે લટકી રહ્યો હતો ત્યારે તેનું માથું થાંભલા સાથે અથડાયું અને નારિયેળ ફૂટે તેમ વાત પૂરી થઈ ગઈ. સેતુ ટ્રેનમાંથી ફંગોળાયો પણ તે દૃશ્ય એક વૃદ્ધ પોલીસવાળાએ જોયું હતું. તે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર દોડયો અને પોતાના બંને હાથોમાં સેતુને ઊંચકી નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયો પરંતુ ત્યાં સુધી સેતુનો શ્વાસ તૂટી ચૂક્યો હતો. સેતુ મૃત્યુ પામ્યો છે તે સાંભળી પોલીસવાળો પણ પોતાનાં આંસુ રોકી શક્યો નહીં કારણ કે થોડા દિવસો પૂર્વે તેનો જ જુવાન પુત્ર આ રીતે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. જુવાનજોધ પુત્રના મોતના સમાચાર કંપાવી મૂકનારા હતા. જે પિતાએ પુત્રને કાંધ આપવી પડે દુનિયામાં તેના કરતાં વધારે દુઃખી કોઈ બાપ હોઈ શકે નહીં. સેતુની અંતિમવિધિ ખેડામાં કરવામાં આવી એટલે મોટાભાઈ-ભાભી પણ ખેડા હતાં. ત્યારે નાલાસોપારાથી તેમના પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરે ચોરી થઈ છે પણ જેમના ઘરે ઉપરવાળાએ જ ધાડ પાડી હોય તેમને નાનીમોટી ચોરીની ચિંતા કરવાની નહોતી. પાડોશીને પોતાનું તાળું મારી દેવાની સૂચના આપી હતી.

બધી વિધિ પૂરી કરી ભાઈ-ભાભી મુંબઈ પોતાના ઘરે પરત આવ્યાં અને તેમણે ઘરની તિજોરી તપાસી તો તેમાં દાગીના અને રોકડ રકમ તેમ જ પડ્યાં હતાં. તો પછી ચોરે કઈ વસ્તુની ચોરી કરી તેની ખબર પડી નહીં. થોડી વારમાં તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં સેતુને ગમતાં કપડાં અને તેના નવા બૂટ નથી.લ આ વાત જરા આશ્ચર્યજનક હતી. ચોર દાગીના મૂકી માત્ર કપડાંની ચોરી કરે તે સમજાય તેવી વાત નથી અને તે પણ માત્ર સેતુનાં જ કપડાં. સેતુ તો આજે રહ્યો નથી પણ તે ખેડાથી નીકળ્યો તે દિવસથી તેનાં કપડાં ચોરાઈ જવાની ઘટના સુધીની અનેક અગોચર વાતોનો કોયડો ઉકેલાતો નથી. તેના ઘરે આવી રડનાર યુવાન કોણ હતો? તેના અકસ્માતના સમાચારનો ફોન કરનાર કોણ હતો? અને માત્ર તેનાં જ કપડાંની ચોરીનું રહસ્ય શુ ? આ બધી વાતો હજી રહસ્યમય છે. કદાચ તેનો જવાબ ખુદ સેતુ જ આપી શકે પણ હવે તે આપણી વચ્ચે રહ્યો નથી.

Most Popular

To Top