માનવ સભ્ય સમાજમાં સારા સંસ્કારો સાથે જીવન ગુજારવા લાગ્યો ત્યારે પુરુષ અને મહિલાના સંયુકત અને જવાબદારીભર્યા સંસાર માટે લગ્નપ્રથા કાયમ થઇ. એક પત્ની તથા બહુપત્ની માટેની સંસ્કૃતિ ચાલી, કયાંક બહુપતિત્વયે ચાલે છે. પત્નીએ હવે પતિના મૃત્યુ પર લાશની સાથે સતી થવું પડતું નથી. મૈત્રી કરાર કે લીવ ઇન રીલેશનશીપ હેઠળ વગર લગ્ને પણ સંસાર ચાલે છે. પુરુષની કામેચ્છા, જાતીય વેગને કારણે જરૂરત સંતોષવા નગરવધૂ, દેવદાસી વગેરેની વ્યવસ્થા નીમી, વર્તમાન યુગમાં કોલગર્લનું ચલણ છે. એક અર્થમાં કોલગર્લ દુલ્હન એક રાત કી બની રહે છે.
કેટલાક કિસ્સાઓ લગ્ન અંગેની ઠગાઇના પણ બને છે. કેટલીક બિનજવાબદાર વ્યકિતઓ પત્નીને તરછોડી પણ દે છે. કેટલીક મહિલાઓ મર્યાદા ચૂકી જઇને અનેક પુરુષો સાથે સંબંધ બાંધે છે. છેતરપિંડીનો એક કેસ હમણાં છાપે ચઢયો છે. બહુ નામધારી વહીદા મહાઠગ પુરવાર થઇ. એક જ દુલ્હનના, ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં સત્તાવીસથી વધુ વાર લગ્ન કરાવી તે એક યુવતીને દુલ્હન એક રાત કી બનાવી શકી છે. વહીદાનો ભોગ બનનાર એ યુવતીના લગ્ન કરાર કે નિકાહનામા માટે જુદા જુદા ખોટા નામવાળા કરાર, સ્ટેમ્પ પેપર તૈયાર કરી, ખોટા દસ્તાવેજો બનાવી ઠગાઇ કરવામાં આવતી હતી.
એવા કરાર હેઠળ બેકરાર બની જતા વરરાજાઓ તો અફસોસ કર્યા વિના કાંઇ કરી શકવાનું ન હતું. આ આંતરરાષ્ટ્રીય સેકસ રેકેટ હતું. વ્યાવસાયિક એજન્ટો પોતાની કંપનીના ખર્ચે મોટી હોટલમાં રાતવાસો કરે છે ત્યારે ઘણાંને તે હોટલવાળા મનોરંજન માટે પણ સેવા પૂરી પાડે છે અને કોલગર્લ પૂરી પાડવા ફોટા સાથે લિસ્ટ પણ દર્શાવે છે. આવી કોલગર્લ પણ દુલ્હન એક રાત કી બની રહે છે. ધર્મ સંસ્કાર અને નૈતિકતા વિના વ્યભિચાર પ્રગટે છે. મહિલાની મજબૂરી, અસહાયતા તેને ભ્રષ્ટ બનાવી શકે છે. નર-નારીના સંબંધો સદા વિવાદાસ્પદ પણ બનતા રહ્યા.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.