Comments

રોટલો જ જેનો ઈશ્વર તેવા રેઢા ઉછરતા બાળદેવો

ખંભાતના અખાતના પૂર્વ ભાગે ખાડીના કાંઠાનો ભાગ ભાલ પંથક તરીકે જાણીતો છે. ભરૂચ જિલ્લાના ખારાપાટમાં આવેલ ગામ ગંધાર એક જમાનામાં ધીકતું બંદર હતું પણ પછી કાળક્રમે વિશાળ ખારી જમીન, થોડા માછીમારો, અગરિયાઓ અને તેમને ભરડો લઈ બેઠેલી ગરીબી સિવાય કાંઈ બચ્યું નહીં. કપરા કાળમાં કુદરતે સહાય કરી. ગંધારના પેટાળમાંથી તેલના ભંડાર ઉલેચાયા. તે ગંધાર તેલક્ષેત્રથી વર્ષે રૂ. ૧૪૦૦ કરોડનું પ્રાકૃતિક તેલ અને ગેસ ઉત્પન્ન થઈ રહ્યાં છે.

પરંતુ આ વિકાસનો લાભ ગંધાર, ચાંચવેલ અને પહાજ જેવાં ગામડાંઓમાં શોધ્યો જડતો નથી. રાઠોડિયા જાતિનાં આદિવાસી-ગ્રામનિવાસીઓનાં ઝૂંપડાંમાં તો આજે પણ તેલકૂવાઓના ભડકાના અજવાળે માટીનાં હાંડલાંમાં માંડ બે કોળિયા રંધાય છે. ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવતા રાઠોડિયાઓ, સવારે ઘરબાર છોડી ચાર – છ કિલોમીટરની ખાડી ખૂંદી માછલાં વીણે છે. તેમનાં નાનાં ટાબરિયાંઓ પણ તડકામાં કાળી મજૂરીમાં તેમની સાથે રહે છે. આ કપરી સ્થિતિમાં છોકરાંઓને ભણવવાનું શું કે રમવાનું શું? જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં જ રાઠોડિયાઓનું આયખું પૂરું થાય છે. આમાં તેમનાં બાળકોના શિક્ષણની વાત કેમ કરી શકાય ?

આપણા પ્રાંતમાં આવા કંગાલિયતનાં પ્રતીક સમાં અનેક રાઠોડિયાઓ હશે. એક ગામથી બીજે ગામ ભટકતાં અને છૂટક વ્યવસાય કરતાં સરાણિયા, ટોપલિયા, વણજારા, બજાણિયા અને બીજા અનેક ગણાવી શકાય. આ લોકો જ્યારે ગામનાં પાદરે અડિંગા નાખે છે, ત્યારે તેમની દિનચર્યા જોતાં જાણવા મળે છે કે વહેલી સવારે અને મોડી સાંજે મોટેરાંઓ સાથે નાનાં બાળકો હરે ફરે છે, પણ બાકીના સમય તો બાળકો સાવ રેઢાં ને રેઢાં મોટાં થતાં હોય છે.

૨૦૨૦ની વિગતો આધારે આજે દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખાથી પણ નીચું જીવનધોરણ ભોગવે છે અને દરેક ગરીબ કુટુંબમાં એક બાળ- મજૂર ઘર ચલાવવામાં હિસ્સેદાર બને છે. ગરીબ મા-બાપનાં બાળકો માટે મજૂરી એ જ ઉપાય બચે છે. આ પરિસ્થિતિમાં આજે દેશમાં ૭.૫ કરોડ બાળકો માટે બાળ અધિકાર જેવી કોઈ પરિસ્થિતિ નથી. બાળશ્રમિક સંગઠિત બની શકતો નથી. ગતિશીલ બની શકતો નથી. પોતાની સીમાન્ત ઉત્પાદકતા જેટલું પણ વેતન મેળવી શકતો નથી.

માહિતી અથવા તો આવડત ઉત્પાદનની ચાવી બની શકે છે એ સાચું પરંતુ રેઢાં ઉછરેલાં બાળકોના ભાગે પ્રાથમિક શિક્ષણ ઉપલબ્ધ ન હોઈ, તેઓ આજીવન વેઠિયા રહી જાય છે. રાજ્યમાં વંચિત બાળકો માટે દરિદ્રનારાયણ નામે ખાસ યોજના હોવા છતાં આજે ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરવા યોગ્ય બાળકોમાંથી ૨૬ ટકા બાળકો પ્રાથમિક કક્ષાએ શાળા છોડી દે છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર માધ્યમિક કક્ષા સુધી પહોંચેલાં ૧૭, ૨૪,૦૦૦ બાળકો માટે વાર્ષિક રૂ. ૪૮૦૯.૭૨ કરોડ ખર્ચ કરે છે અને તેઓ માટે એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટિંગ, પર્યાવરણ મંડળ જેવી ઈતર શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે વધારાનો ખર્ચ કરે છે, તે જુદો.

બાળ શિક્ષણના હિમાયતીઓ માને છે કે બાળશિક્ષણ માનવજાતની પ્રગતિનું કેન્દ્રબિંદુ છે અને માનવસમુદાયે પોતાની સંસ્કૃતિ અને પ્રગતિનું જતન કરવું હશે, તો બાળકોને શિક્ષિત કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાળકોનાં મનોવૈજ્ઞાનિક ઉછેર માટે કાર્યરત સંસ્થાઓ માને છે કે બાળકોને મારશો, તો બાળક નફરત કરતું થશે. બાળકોને તરછોડશો તો બાળક સંકુચિત બનશે. બાળકોને પ્રેમ નહીં આપો તો બાળક સ્વાર્થી બનશે.

પરંતુ કમનસીબે બાળશિક્ષણકારોની નિષ્ઠા શાળામાં જતાં બાળકો માટે એકતરફી છે. આઝાદીના ૭૫ વર્ષથી આપણી સામાજિક વ્યવસ્થા સાથે જોડાયેલા રાજ્યના વહીવટી તંત્ર તેમજ બાળ શિક્ષણકારો માટે ભણતું બાળક મનોવૈજ્ઞાનિક ઘટના બને છે. જ્યારે રખડતું – રેઢું, મજૂરી કરતું બાળક જૈવિક પ્રક્રિયા બને છે, જે ખરેખર દુ:ખદ છે. ગાંધીજીએ આ ભાવના વ્યકત કરતાં કહ્યું હતું કે કરોડો લોકોને પૂરતું ખાવાનું ન મળતું હોય અને રોજીના અભાવે સ્વમાનશૂન્ય રહેવું પડે તે કેવડી મોટી આપત્તિ કહેવાય! જેમની આંખોમાં તેજ નથી અને રોટલો એ જ જેમનો ઈશ્વર છે તેમની પાસે વિકાસની કલ્પના શા કામની?

આ પરિસ્થિતિનો ઉકેલ સાધનસંપન્ન નાગરિકો ઉપર ટેકસ નાખવાથી લાવી શકાય. આ ટેકસ રૂપિયા – પૈસામાં નહીં પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે હોઈ શકે. જેઓ આર્થિક રીતે સ્થિર થયાં હોય તેઓ ઘર આસપાસ રેઢાં ઊછરતાં બાળકો સામે જુએ, પોતાનાં સંતાનોનાં જૂનાં રમકડાં, પુસ્તકો, ચિત્રો, કપડાં આ ગરીબ બાળકો સુધી પહોંચાડે. અવકાશે શ્રમિક બાળકોને પોતાના નિવાસે ટી.વી. જોવા બેસાડે. એકાદ વાર્તા કહી જુએ. તેમની પાસે સર્જનાત્મક, મનોરંજક પ્રવૃત્તિઓ મૂકે અને પછી જુએ વંચિત બાળકોના જીવનમાં કેવી લહેર અનુભવાય છે. ભારતની લોકસભાએ શિક્ષણને ફરજિયાત બનાવી બાળકને મુકત અધિકારનો દરજ્જો આપ્યો છે. તેમ શિક્ષણવિદો ભાર વિનાના ભણતરને પ્રચલિત કરી રહ્યાં છે. પરંતુ ખાટલે ખોટ એ રહે છે કે ગરીબીવશાત્ બાળક શાળા સુધી પહોંચતું જ નથી.

આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. તે વાત જેટલી આપણાં પોતાનાં બાળકો માટે લાગુ કરી શકાય તેટલી જ બીજાનાં બાળકોના સંદર્ભમાં પણ લાગુ પડતી હોય છે. એકાદ-બે માબાપનાં સ્વસ્થ નાગરિકો વચ્ચે હજારો રેઢાં ઉછરેલાં નાગરિકોનાં ટોળાંઓથી દેશના સ્વસ્થ વિકાસનો વિચાર પાંગળો બની રહે છે. જેમ સમાજનો એકાંગી વિકાસ હિતકારી નથી, તેમ સમાજનાં કોઈ એકાદ વર્ગનાં બાળકોનો સર્વાંગી વિકાસ પણ સામાજિક વિકાસ સંબંધે સાર્વત્રિક રહેતો નથી. આથી બાળઉછેરની પ્રક્રિયાને આવશ્યક માનતાં કુટુંબો આસપાસનાં ગરીબ બાળકોના ઉછેરમાં કંઇક હિસ્સો આપે તો બાળઉછેરની પ્રક્રિયા એકાંગી બનતી અટકશે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top