# ખાસ કરીને બીજા વિશ્વ યુદ્ધમાં જર્મન સૈનિકોના હાથે પકડાયેલા બ્રિટિશ અને અમેરિકન જાસૂસોને શિક્ષારૂપે કે માહિતી કઢાવવા તેને દિવસો સુધી ઊંઘથી વંચિત રાખી ત્રાસ આપવામાં આવતો હતો પણ આ જાસૂસોને પણ દિવસો સુધી ઊંઘથી વંચિત રહેવાની કડક તાલીમ આપવામાં આવતી હતી. શરીરને ઊંઘની કેટલી જરૂર છે તે બધાને ખબર છે. બે ત્રણ દિવસ ઉજાગરા કરવા પડે તો આપણા શરીર પર ગંભીર અસર પડે છે. ઊંઘ દરમ્યાન શરીરની પ્રવૃત્તિ લગભગ નહીંવત્ થઇ ગઇ હોય છે. ઊંઘ વિશે અભ્યાસ કરવામાં વિજ્ઞાનીઓએ ખૂબ ઉજાગરા કર્યા છે પણ ઊંઘનું એક સામાન્ય કાર્ય એવું સ્થાપિત કર્યું છે કે ઊંઘ દરમ્યાન શરીરની પ્રવૃત્તિ અત્યંત ઘટી જતી હોય છે અને મગજ ઊર્જા સંઘરવા અને પહોંચાડવા માટે વપરાતા કણ એડેનોસિન ટ્રાઇફોસ્ફેટનો જથ્થો ફરી એકત્ર કરી લે છે.
આપણને ઊંઘમાં જાતજાતનાં સ્વપ્નો આવે છે તેના અભ્યાસે પણ વિજ્ઞાનીઓની ઊંઘ ઉડાડી દીધી છે. ઊંઘ જેટલી સામાન્ય છે તેટલી જ ભેદી છે એમ એક પછી એક અભ્યાસમાં જણાયું છે. અત્યાર સુધી થયેલા અભ્યાસમાં એવું સ્થાપિત થયું હતું કે માનવ શરીર ઊંઘ દરમ્યાન શારીરિક અને માનસિક રીતે નિષ્ક્રિય રહે છે પણ હમણાં છેલ્લે જે અભ્યાસ થયો તે બતાવે છે કે માનવ શરીર અને મગજ આખી રાત પણ કામ કરતા રહે છે જે આરોગ્યની ચાવી છે. ઓસ્ટ્રિયાના સંશોધકોએ પુખ્ત વયના માનવીની ઊંઘ દરમ્યાન મગજની પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે માનવી ઊંઘમાં અજાણ્યા અવાજ સાંભળે છે અને જાણીતા અને અજાણ્યા અવાજની તે કેવી પ્રતિક્રિયા કરે છે તે અભ્યાસનો સેલ્પબર્ગ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ ઊંઘમાં આવતા ‘અજાણ્યા’ અવાજો જોખમી હોઇ શકે તેવી ધારણાથી મગજ તેના પર ધ્યાન આપી સજાગ રહે છે.
ઊંઘના બે ચક્ર છે. આંખના પલકારા ઝડપી હોય અને બિલકુલ નહીં હોય. આપણે ઊંઘી ગયા હોય ત્યારે શરૂઆતના તબક્કામાં ભલે આંખ બંધ હોય અને પલકારા પણ નહીં હોય ત્યારે ‘અજાણ્યા’ અવાજ આવતા હોય છે અને મગજ તેને સાંભળી ટેવાવાના કામમાં વ્યસ્ત હોય છે. આપણી આંખ બંધ હોય અને આપણે ઊંઘતા હોઇએ ત્યારે પણ મગજ આપણી આસપાસના વાતાવરણનું પહેરેગીરની જેમ નિરીક્ષણ કરતું હોય છે તેવું આ અભ્યાસ પરથી જણાય છે. TV, સંગીત વગેરે જેવા અજાણ્યા અવાજો રાતની શાંતિપૂર્ણ ઊંઘમાં ખલેલ પાડે છે ત્યારે મગજ સક્રિય થઇ આવા અવાજો પર ધ્યાન આપે છે.વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ઊંઘના પહેલા જ તબક્કામાં આવતા અવાજો જેમ અજાણ્યા તેમ મગજ વધારે સક્રિય બની પ્રતિક્રિયા કરે છે. વિજ્ઞાનીઓએ સરેરાશ બાવીસ વર્ષની સ્વસ્થ ઊંઘનો ઇતિહાસ ધરાવતી 14 સ્ત્રીઓ સિહત 17 સ્વયંસેવકોના મસ્તક સાથે પોલીસોનોગ્રાફી સાધન જોડયું હતું અને ઊંઘ દરમ્યાન મગજ નિષ્ક્રિય થઇ જાય છે કે આંશિક રીતે જ કામ કરે છે તે પૂર્વ તારણોનો છેદ ઉડાડી મગજ ઊંઘમાં પણ પહેરેદાર છે એવું વૈજ્ઞાનિક સત્ય સ્થાપિત કર્યું છે.