Charchapatra

ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો

હમણાં સમાચારો વાંચ્યા પછી મને આ કહેવત ઘણા બધા દાતાઓ માટે લાગુ પડતી હોય એવું લાગ્યું. કોઈ પણ સંસ્થા એના કર્મચારીઓનું શોષણ કરીને પછી બીજે ક્યાંક દાન આપીને પ્રસિદ્ધિ મેળવે એ તો એરણની ચોરી કરીને સોયનું દાન કરવા જેવું જ કહેવાય. ખરેખર તો કોઈ પણ સંસ્થા માટે એનાં કર્મચારીઓ એ મોંઘી મૂડી ગણાય. સ્વર્ગીય રતન ટાટા પોતે પોતાનાં કર્મચારીઓની ખૂબ કાળજી લેતાં અને એટલે જ ટાટાનો દરેક કર્મચારી પોતાની સંસ્થાને ખૂબ જ વફાદાર રહે એ સ્વાભાવિક છે. એવી ઘણી સંસ્થાઓ છે કે જેઓ પોતાનાં કર્મચારીઓની ખૂબ સારી કાળજી લે છે, રિવોર્ડ આપે છે અને એવી પણ કેટલીક સંસ્થાઓ છે કે જે પોતાનાં કર્મચારીઓનું શોષણ કરે છે. પણ સમાજમાં પોતાનો ચહેરો ઉજળો દેખાય એટલા માટે આવી સંસ્થાના આગેવાનો દાનવીર તરીકે, વિશેષ દાતા તરીકે, છેવાડાનાં માણસોના ઉદ્ધારક તરીકે ઉભરી આવે એવા પ્રયાસો કરતા રહેતા હોય છે.

સોશ્યલ મિડિયા પર પોતાની દાનવીર સમાજસેવક તરીકેની મજબૂત છાપ ઉપસાવે. એમને એટલી સમજ હોવી જોઈએ કે આપણા પોતાનાં કર્મચારીઓનો પગાર આપણે ચાર-પાંચ મહિના સુધી ન કરીએ અને બીજે બધે દાનવીર સ્થાપિત થઈએ એ કેટલું યોગ્ય ગણાય? ખરેખર તો પરિવારની શરૂઆત ઘરથી થાય. સંસ્થાનાં કર્મચારીઓ એ સંસ્થાનો અંગત પરિવાર ગણાય. આ જ પરિવારનું શોષણ કરીને, એમનો મહિના માટે પગાર નહીં કરીને એક રીતે તમે એમનું શોષણ કરો છો અને પછી તમે પાછા છેવાડાના માણસની સેવા કરનાર તરીકેની તમારી છાપ ઉપસાવી સમાજમાં વાહવાહી મેળવો છો એ કેટલે અંશે યોગ્ય છે?
સુરત     – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ચા વિના ચેન ક્યાં?
વિશ્વભરમાં પ્રતિદિન 3 અબજ કપ ચા પીવાય છે. ભારતમાં વર્ષે 1001 ટન ચા પીવાય છે. ચીન 38% પછી ભારત વિશ્વમાં બીજા નંબરની (23%) ચાનું ઉત્પાદન કરે છે. કંપનીમાં ચાના ચાખનારને  સોમેલીયૈ કહે છે. કહેવાય છે કે, શિક્ષક ચા વધારે પીએ. શું એટલે એને ટીચર (teaનો ચરનાર) કહેતાં હશે? આપણે કહીએ છીએ, ચા બગડી તેની સવાર બગડી. એટલે સવારની ચા ચકાચક હોવી જોઈએ. ચા વિના ચેન ક્યાં? ભિન્ન ભિન્ન લોકો ભિન્ન ભિન્ન પ્રકારની ચા પીએ છે. કોઈને આદુ-ફૂદીના-લીલી ચા વાળી ચા પસંદ આવે છે. મારાં જેવાંને દૂધ, ચા અને ખાંડ એમ ત્રણ જ વસ્તુ જોઈએ અને તે પણ કડક. 

ચા માટે પક્ષપાત રહે છે. કુટુંબે કુટુંબે ચાની લહેજત અલગ હોય છે. આપણને તે ભાવે જ એવું જરૂરી નથી. ક્યારેક તો સમજાતું જ નથી કે આ ચા છે કે કંઇ અન્ય પીણું. હવે તો મને ખાતરી થઈ ગઈ છે કે, કોઈ પણ ગૃહિણી મારા સ્વાદ પ્રમાણેની ચા નહીં જ બનાવી શકે. એટલે અત્યંત દુ:ખી હ્રદયે મેં નિર્ણય કર્યો છે કે, અન્ય ગૃહે ચા પાન કરવું નહીં. જે બંધુભગિનીએ આ લેખ વાંચ્યો છે તેઓને ત્યાં હું મહેમાન થાઉં તો મહેરબાની કરી તેમણે મને ચા પીવા આગ્રહ કરવો નહીં. 
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top