Comments

બાટલો બાટલીનો ધણી નથી..!

યુધ્ધનાં મંડાણ વિદેશમાં મંડાયાં ને તડાકો ત્રીજા ઘરે થયો. ગેસના બાટલાની તાણ ભારતને લાધી. વિદેશમાં  બધું સળગ્યું ને અહીં રસોડે સળગતું હતું એ પણ હોલવાઈ ગયું. ૭૧ પેઢીની ખાતરી કરીને વાઈફ ભલે લાવ્યા હોય, એ સહનશીલતાની મૂર્તિ છે, એટલે બધું સહન કરી લેશે. પણ ગેસની તાણ પડે તો નારી પણ હારી જાય. એવી બગડે કે, રસોડામાં લીંબુ-મરચું બાંધો તો પણ એ ‘અન્નપૂર્ણા’ને શાતા નહિ વળે..! ગેસના બાટલા વગર રસોડાનો પ્રાણ ઊડી ગયો હોય એમ, રસોડું નિર્જીવ બની જાય. બાકી, ખાધના મામલે પુરુષ ભલે બેમિશાલ હોય, પણ સંસારમાં તો ‘કિંચન-કવીન’ નું જ રાજ ચાલે ને..? રસોડાનો રાજા કોઈ પુરુષ બન્યો હોય,એવું લોકવાયકામાં આવ્યું..? ના જ આવ્યું હોય ને..?

મારા દોસ્તનો જ દાખલો આપું તો, ચમનિયાએ ચમનીને શોધવામાં જેટલી મજૂરી નહિ કરેલી, એનાથી અનેકગણી મજૂરી ગેસનો બાટલો શોધવામાં અત્યારે કરે છે. બાટલો શોધવામાં બાટલીના રવાડે ચઢી ગયો. વાત એવી વણસી કે, ઊંઘમાં પણ, એને બાટલો જ દેખાય. ચમની તો મુદ્દલે નહિ દેખાય..! એક બાજુ ચમનીનો ત્રાસ, બીજી બાજુ ગેસનો ગ્રાસ..! ઊંઘમાં પણ લવારે ચઢી જાય  કે બાટલો..બાટલો..બાટલો..બાટલો! વિદેશી યુદ્ધનો રેલો, રસોડાથી વધીને, બેડરૂમ સુધી પહોંચી ગયો.

એવું કોઈ બોલેલું કે, પ્રત્યેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, એને હું શોધું છું.  ખાસ કરીને પત્નીનો..! પોતાની કે બીજાની, એનો ફોડ પાડવાની મારામાં હિંમત નથી ને આપણે એમાં ચમચો પણ હલાવવો નથી. ચોખવટ એટલી જ કરવાની કે, ચમનિયાની આ હાલત માટે ચમનીનો હાથ ખરો..! ચમનિયાની દયા તો આવે, પણ કરીએ શું..?  બાટલી તો ગમે ત્યાંથી લાવી દેવાય, પણ અત્યારે ગેસનો બાટલો લાવવો એટલે, માથે મિસાઈલ મૂકીને લડવા જેવું અઘરું..! પંચતંત્રની વાતોમાં ભલે ના લખ્યું હોય પણ, પતિ ધંધાપાણીએથી થાકીને ઘરે આવે અને ગૃહપ્રવેશ કરે તે પહેલાં  રિમાન્ડ લેવા માંડે કે, ‘ગેસના બાટલાનો મેળ પડ્યો? એટલે તરત પતિની છટકે! ગુજરાતીઓને દુકાન બંધ થાય ત્યારે તો માંડ ઘર યાદ આવે. તો ગેસનો બાટલો પૂંછડામાંથી યાદ આવે..? એમાંથી ચાલુ થાય ધમાધમી..!  

ગેસના બાટલાએ તો આ વખતે ભારે કરી હંઅઅઅ? જેમ દુ:ખ પડે ત્યારે ભગવાન યાદ આવે, ભૂખ લાગે ત્યારે ભોજન યાદ આવે ને રાંધવા બેસે ત્યારે ગેસનો બાટલો યાદ આવે, તેવી સંસારની હાલત છે..! અમુકને તો બાટલાની તાણ આવી ત્યારે સમજાયું કે, ભગવાનના ભરોસા કરતાં ગેસના ભરોસે વધારે જીવીએ છીએ. એક તો દારૂબંધીના કારણે બાટલીની બુમાબુમ તો હતી જ, તેમાં ગેસના બાટલાએ ગ્રહણમાં સાપ કાઢ્યો. બાટલો-બાટલી, ભલે ‘ધણી- ધણિયાણી’ જેવાં લાગતાં હોય પણ, વાસ્તવમાં નથી. છતાં બંને કેર વર્તાવે. બાટલો એ બાટલો છે ને બાટલી એ બાટલી..! તોયે રોમિયો-જુલિયેટના આત્મા હોય એમ, બાટલા વગર બાટલી અધૂરી, ને બાટલી વગર બાટલો અધૂરો..!

બંનેમાં આસમાન જમીનનો ફેર..! ગેસનો બાટલો આમ ભલે ગરીબો માટે અન્નપૂર્ણાનો દેવતા કહેવાય પણ એના વગર ચુલ્હો સળગે નહિ. ત્યારે બાટલી આપમેળે ચઢી જાય..! એવી ચઢે કે, ઉતારવા માટે શ્રમ-યજ્ઞ કરવો પડે..! માત્ર મને જ આ વાતની ખબર છે કે, બાટલીનાં છાંટા-પાણીમાંથી જ ‘ DRINK’ શબ્દની ઉત્પત્તિ થયેલી. પહેલો પેગ લે એટલે માણસ D એટલે ‘ડિવાઈન’ બને, બીજો પેગ લે એટલે  R માંથી, ‘રીલેક્ષ’ બને, ત્રીજા પેગમાં I એટલે ‘ઈન્ટેલીજન્ટ’ બને, ચોથા પેગમાં N એટલે ‘નોટી’ બને અને પાંચમો પેગ પડે એટલે,  K માંથી  ‘કિંગ’ ની ભૂમિકામાં આવી જાય..! તમને હસાવવા જ ગોઠવ્યું ફાવશે ને..? 

બાટલા-બાટલીના સંબંધ ભલે મખમલી જાજમ જેવા સુંવાળા હોય છતાં, એકબીજાનું દુ:ખ પોતે ઉપાડી શકતાં નથી. બંનેનાં કર્મના સિધ્ધાંત જ અલગ..! બાટલાનું સ્થાનક સ્થાયી હોય ને બાટલી ‘હમ સાથ સાથ હૈ ’ ની માફક મોબાઈલ વાન જેવી. જ્યાં પણ જાય ત્યાં ‘નેટ-વર્ક’ પકડે..! બાટલાને ગ્રામદર્શન કરાવવું હોય તો, ખભે ચઢાવવો પડે. એમાં  ખભો પણ આવી પડે..! બાટલી થોડી ચંચળ, આકર્ષિત ને લોકમાંગવાળી. સૌનાં પેટ ટાઢાં કરવાની જવાબદારી ગેસના બાટલાના માથે હોય એટલે ઘરના વડીલ જેવો ગંભીર.

બાટલી ક્યારે કોને ક્યાં ગબડાવી દે એનો ભરોસો નહિ..! જ્યારે બાટલો કારણ વગર ગબડે નહિ. ગેસના  બાટલામાં પણ ફિલોસોફી છે મામૂ..! અભ્યાસ કરીએ તો સમજાશે કે, આપણું માનવ  જીવન પણ, ગેસથી  ભરેલા બાટલા જેવું છે. ગેસ ભરેલો હોય ત્યાં સુધી જ બાટલાની કિંમત..! ખાલી થાય, એટલે બાટલો Get out..! પાડોશી ઘરે આવે ને બહુ કાલુ કાલુ બોલે તો જાણવું કે, એ મળવા આવી નથી. તમારા ઉપર હેત ઉભરાયું નથી, પણ ઉછીનો ગેસનો બાટલો લેવા આવી છે. કૈસે કૈસે રહેતે હૈ લોગ યાર..? બાટલા…બાટલા..બાટલા..! બાટલાની ડીમાંડ એવી વધી છે  કે, જાણે નાગ ઉપર દેડકી બેસી ગઈ..! માણસની તો કોઈ કિંમત જ નહિ..! નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ, એમ ગેસ વગરનો ગણીયો ને, ગેસનો બુલો હોય તો, ગણપતિદાસ..! મરઘાની જેમ લડતા દેશોએ જ્યારથી યુધ્ધને છંછેડયું છે, ત્યારથી ગેસના બાટલાની રામાયણ શરૂ થઇ છે.

રામાયણમાં જેમ મા સીતાનું હરણ થયેલું, એમ યુદ્ધની જમાવટમાં બાટલાનું હરણ થવા માંડ્યું. રાજકારણ એવું ગરમાયું છે કે, ગેસના રામાયણમાં મહાભારતનાં દૃશ્યો ઘૂસી ગયાં હોય એવું ફીઈઈલ થાય. ઘર ઘર ‘કિચન-વોર’ ફાટ્યા ને ઘરધણીની  હાલત ફૂટેલી કારતુસ જેવી બની ગઈ..! લગનના ફેરા ભલે મજબૂત છેડાથી ફરાયા હોય ને લગન કરાવનાર બ્રહ્મ દેવતાને, ભલે અયોધ્યાથી ખેંચી લાવ્યા હોય, પણ ગેસના બાટલા વગર જો પતિએ ગૃહપ્રવેશ કર્યો તો પતિનાં શુભ ચોઘડિયાં પણ  કાળ ચોઘડિયાંમાં ફરી જાય, ભરોસો નહિ..! આવું બધું સહન તો  નહિ થાય બોસ, પણ કરવું શું? બાટલાની તાણમાં લગન વખતના સપ્તપદીવાળા નિયમો પણ અભરાઈએ ચઢી ગયા છે બોલ્લો..!

પાડ માનો પરમેશ્વરનો કે, ભૂતકાળમાં લાઈનમાં ઊભા રહેવાની પ્રેકટીસ પડેલી છે. એટલે ગેસના બાટલા માટે લાઈનમાં ઊભા રહેતી વખતે પરસેવો ચરણ સુધી ફરી વળતો નથી ને ટાંટિયે લોહી ઊતરતું નથી. સાલું, કોની ગાય, કોનું ખાય, હાંકે એનું નખ્ખોદ જાય વાળી હાલત થઇ છે. લડે  વિદેશી, ને ખુંપરા આપણા નીકળે..! નેતાઓ પણ શું કરે..? ‘ગુપ્ત-રસ’ ની બાટલીમાં પ્રતિબંધ લાવવામાં કડકાઈ કરી તો, ગેસના બાટલાની તાણ આવી. શિકારીએ નાખેલી જાળમાં ફસાયેલા વનરાજ જેવી હાલત છે એમની..! એમ થાય કે, અણુબોંબને બદલે, અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ વસાવ્યો હોત તો, આજે આકો આવીને બાજી તો સંભાળી લેત..! શું કહો છે ચમના..?

લાસ્ટ બોલ
ન કરે નારાયણ ને છોકરીના દુકાળમાં એકાદ છોકરીની દાઢે વળગી ગયા. ને લગનનું ગોઠવાઈ ગયું. પણ પેલી એવું કહે કે,.”તમે આમ તો બધી રીતે મને અનુકૂળ છો. તમે મારા માટે  આકાશના તારા તોડી લાવો એવું તો નહિ કહું. પણ ધારો કે, રસોડાનો ગેસનો બુલો ખલાસ થઇ જાય અને મળવાની કોઈ જ સંભાવના ના હોય, ત્યારે તમે મેળવી આપશો ખરા..?
કુંવારો હજી બેભાન છે..!
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top