Business

બોસનો અપમાનિત વ્યવહાર

માનસન્માન નહિ જળવાય તો ગમે એટલો પગાર હશે તો પણ કર્મચારી  કંપની છોડી દેશે એક જમાનો હતો કે કોઈ પણ સંસ્થામાં કર્મચારીઓ લાંબા સમય સુધી જોડાયેલા રહેતા હતા. જ્યારે સરવૈયું કાઢવામાં આવે તો એવું પ્રસ્થાપતિ થતું કે કર્મચારીઓ સરેરાશ 10-10 વર્ષથી કંપનીઓ સાથે જોડાયેલા રહેતા અને એમને કંપનીની અસ્ક્યામત માનવામાં આવી હતી. જો કે આજના અત્યંત ઝડપી અને ગ્લૉબલાઇઝેશનના યુગમાં વાત અત્યંત જુદી બની ગઈ છે.

જો તમે કોઈ પણ સંસ્થામાં કેટલા કર્મચારીઓ નોકરી છોડીને જાય છે તેનું પૃથક્કરણ કરશો તો 90%  જેટલી ભારતીય કંપનીઓમાં જોવા મળ્યું છે કે 40 % જેટલા  કર્મચારીઓ ઝડપથી નોકરી છોડીને ચાલ્યા જાય છે. એક સર્વે પ્રમાણે યુવાન કર્મચારીઓ એકથી દોઢ વર્ષમાં નોકરી છોડીને ચાલ્યા જાય છે. વર્લ્ડ મોનિટરના 2011ના એક અહેવાલ અનુસાર ભારતમાં 89% જેટલા દેશના કોઈ પણ ખૂણે કામ કરવા તૈયાર છે. તેઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતાં જરા ય અચકાતા નથી. આના લીધે તેમને મળતી તકનો ભરપૂર લાભ ઉઠાવે છે અને લાંબો સમય આપી એક જ કંપની સાથે જોડાયેલા રહેતા નથી. તો સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્‌ભવે કે આજના યુવાનોને જોઈએ છે શું? તેઓ એક જ કંપની સાથે લાંબો સમય જોડાઈ રહેવા કેમ માગતા નથી? નવી કંપનીની લાલચમાં આવી જાય છે? શું ટૂંકાગાળાના લાભો લેવાની મનોવૃત્તિ અટકાવે છે?

આ બધાનો ઉત્તર સ્પષ્ટ છે. પગાર વધારવાને લઈને નોકરી છોડી જતા કર્મચારીની સંખ્યા 15 %થી વધારે નથી. કર્મચારી કંપનીની શાખને લીધે જોડાય છે પરંતુ મોટા ભાગે તેના બોસનો વ્યવહાર જોઈ કંપની છોડી જાય છે. કમર્ચારીઓનું કહેવું એવું છે કે પ્રોત્સાહન ન આપો તો કંઈ નહિ પરંતુ બધાંની સામે અપમાન તો ન જ કરો એક સુંદર ઉદાહરણ આપું. આનંદ મહેન્દ્રનું નામ આપણે સૌ જાણીએ છીએ. તેઓ મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર ગ્રુપના વાઇસ ચૅરમૅન અને MD  છે. જ્યારે તેઓ બૉસ્ટનની બિઝનેસ સ્કૂલમાં ભણીને પરત આવ્યા ત્યારે તેઓ સતત દ્વિધામાં હતા. તેઓ નિર્ણય નહોતા કરી શક્યા કે ભારતમાં પાછા ફરવું કે અમેરિકામાં જ સ્થાયી થવું? તેઓ યુવાન, ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. એમની પાછળ તેમના પરિવારનું મજબૂત પીઠબળ હતું. તેમને કંઈક જુદું જ કરી બતાવવાની તાલાવેલી હતી.

અમેરિકામાં નોકરી કરવાનો વિચાર તેમણે તેમના સસરા પ્રેમનાથ ખંડેલવાલને કહ્યો. પ્રેમનાથજીએ જમાઈની વાત ધ્યાનથી સાંભળી. તેમણે તેમના અનુભવથી તરત જ અંદાજ લગાવી લીધો જો આનંદને પોતાના ફૅમિલી બિઝનેસમાં સારું વાતાવરણ અને યોગ્ય કામ નહીં મળી રહે તો ચોક્કસ તે પોતાનો ફૅમિલી બિઝનેસ છોડીને અથવા સંભાળવાની જગ્યાએ બીજી કોઈની કંપનીમાં અમેરિકામાં નોકરી કરશે. વાત પામી જઈને પ્રેમનાથ ખંડેલવાલે પૂછ્યું કે, ‘‘આનંદ, તારે એવું તે શું જોઈએ છે કે જે ભારતમાં નથી અને અમેરિકામાં છે?’’

આનંદ મહેન્દ્રે વળતો જવાબ આપ્યો કે, `‘મારે કંઈક કરી બતાવવું છે. એના માટે મારે જોઈએ છે સારી તક, યોગ્ય કામ, સન્માન અને ઉત્તમ વાતાવરણ.” જમાઈની વાત સાંભળીને પ્રેમનાથ ખંડેલવાલે કહ્યું કે, ‘‘હું તારા જ પરિવારના વ્યવસાયમાં તને જોઈએ છે તે અપાવવા પ્રયત્ન કરું. તું પ્રયત્ન કર, તને ફાવે તો આગળ વધજે અને ન ફાવે તો એક-બે વર્ષ પછી તું અમેરિકા જઈને સ્થાયી થઈ શકે છે.’’ સસરાની સલાહ માનીને આનંદ મહેન્દ્રે પોતાના જ ફૅમિલી બિઝનેસમાં ઝંપલાવ્યું અને સફળતાનાં શિખરો સર કર્યાં. આજે મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર ગ્રુપનું નામ ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આદરથી લેવામાં આવે છે. એટલું જ નહીં ભારતીય ઉદ્યોગજગતના સન્માનનીય ઉદ્યોગપતિ રતન તાતાએ પણ આનંદ મહેન્દ્રની કાર્યશૈલીનાં વખાણ કર્યાં હતાં અને એ મહેન્દ્રએ પણ તેના મોટા ભાઈના આશીર્વાદ ગણાવ્યા હતા.

આના ઉપરથી એટલી વાત સ્પષ્ટ છે કે આ તરવરાટ અને ચબરાક યુવાનોને તમારે ઑર્ગનાઇઝેશનમાં ટકાવી રાખવા હોય તો અનુકૂળ વાતાવરણ તો આપવું જ પડશે. એ સમયની માંગ છે અને માંગને પરિપૂર્ણ કરવામાં જે સંસ્થા પાછી પડી તેણે કર્મચારી  ગુમાવવાની તૈયારી રાખવી પડશે. યુવાનો સંસ્થાની અસ્ક્યામત છે. તેને જાળવી રાખવાની જવાબદારી સંસ્થાના વડાની તથા ટોપ મૅનેજમૅન્ટની છે. તેને કામ કરવા યોગ્ય વાતાવરણની સાથોસાથ તેની સાથે માનવતાસભર વ્યવહાર તથા આત્મીયતા કેળવવી પડશે. તેને માત્ર કામનું સાધન ન સમજતાં સંસ્થાનું અવિભાજ્ય અંગ ગણીને તેની સાથે વ્યવહાર કરવો પડશે અને તો જ તે સંસ્થા સાથે બૉન્ડિંગથી જોડાયેલા રહેશે.

  • કેટલીક ટિપ્સ
  • #  આજના યુગમાં  ઑર્ગનાઇઝેશનમાં કામ કરતી વખતે છ વસ્તુઓની જરૂર છે. યોગ્ય કામ, સારું પૅકેજ, ઉત્તમ વાતાવરણ, નિર્ણય લેવાની જવાબદારી અને પોતાનું સન્માન જળવાય. જો આ છ વસ્તુ તેને આપોઆપ મળી રહેશે તો ચોક્કસ તે યુવાન લાંબા સમય સુધી સંસ્થા સાથે આત્મીયતાથી જોડાયેલો રહેશે.
  • #  સારા મૅનેજરે યુવાન કર્મચારીને વધુ ને વધુ કામ આપવું જોઈએ. સાથોસાથ દર બેત્રણ મહિને કામમાં થોડું નવિનીકરણ લાવવા ફેરફાર કરવો જોઈએ. જેથી કર્મચારીની નવું શીખવાની ધગશ સંતોષાય.
  • # કર્મચારીની શક્તિઓને સાચી દિશામાં કેળવશો તો  તમને અદ્દભૂત પરિણામ મળી શકશે. કર્મચારીને સાચી દિશામાં કામ આપવાની જવાબદારી તેના લીડરની છે.
  • # દર બે-ત્રણ મહિને સારા ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવું. આથી  કર્મચારીઓને સાચું જ્ઞાન મળી શકે. તે પોતાની જાતને બદલવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જેનો તેમને ભવિષ્યમાં ફાયદો થવાનો છે.
  • #        કર્મચારીઓને હંમેશાં પ્રોત્સાહિત કરો. જો તેને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે તો તે ત્રણ કમર્ચારીનું કામ ઉઠાવી લેશે
  • # કમર્ચારીને જાહેરમાં ક્યારેય ઠપકો આપશો નહિ, માનસન્માન નહિ જળવાય તો ગમે એટલો પગાર હશે તો પણ કંપની છોડી દેશે

Most Popular

To Top