વાપી: દમણથી (Daman) કારમાં દારૂ (whiskey) ભરીને સુરત (Surat) લઈ જતાં બે બુટલેગરે પોલીસ જમાદારને કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે ગુનો કરનાર બંને બુટલેગરની સુરતથી ધરપકડ કરી હતી. જેમાં એક બુટલેગરે જામીન મુક્ત થવા વલસાડ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, વલસાડ સિટી પોલીસની ટીમ ગત 15/09/21ના રોજ સાંજે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે ધરમપુર ચોકડી હાઈવે ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કારનં. જીજે ૦૫ સીપી ૭૩૦૮ આવતા પોલીસે કાર અટકાવી હતી. કારમાંથી 8 બોટલ દારૂ મળી આવ્યો હતો.
પોલીસ સુરત-રાંદેર રોડ પર રહેતા જયેશ ઈશ્વર પટેલ અને પાલનપુરગામ અડાજણમાં 504 વૃંદાવન રેસિડન્સીમાં રહેતા તેજસ અરૂણ પટેલ (ઉ.વ.35)ને પકડી એમની કારમાં સિટી પોલીસ મથકે લઈ આવી હતી. ત્યારે કારમાંથી પોલીસ કર્મચારી નીચે ઉતરતા બંને બુટલેગરે કાર વલસાડના હાલર ચાર રસ્તા તરફ હંકારી મૂકી હતી. ત્યારે ચાર રસ્તા ઉપર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયંતીભાઈ ગનાભાઈએ આરોપીને કાર ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો.
ત્યારે બુટલેગરે પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવી દેતાં પોલીસ કર્મચારી જીવ બચાવવા માટે બુટલેગરની કારના બોનેટ ઉપર લટકી ગયો હતો. બુટલેગરે કાર સિવિલ હોસ્પિટલ તરફ હંકારી મૂકી હતી. થોડા આગળ જઈને બ્રેક મારતા પોકો. જયંતીભાઈ નીચે પટકાયા હતા. જ્યાંથી બંને બુટલેગર કાર લઈને ભાગી છૂટયા હતા. ઇજાગ્રસ્ત પોકો. જયંતીભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં ભાગી છૂટેલા બુટલેગરોને પોલીસે નાકાબંધી કરી સુરત નજીકથી ઝડપી પાડયા હતા.
પોલીસ ઉપર હુમલો કરનાર આરોપી તેજસ અરૂણભાઇ પટેલની પોલીસે ગુનામાં ધરપકડ કર્યા બાદ તેણે રેગ્યુલર જામીન અરજી વલસાડ કોર્ટમાં કરી હતી. જે સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડના એડિશનલ સેશન્સ જજ ડી. કે. સોનીએ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.