National

કેન્દ્રના નવા આઇટી નિયમોના એક ભાગ પર બોમ્બે હાઇકોર્ટનો સ્ટે

બોમ્બે હાઇકોર્ટે તાજેતરમાં જાહેર થયેલ માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ના એક ભાગના અમલીકરણ પર વચગાળાનો મનાઇ હુકમ આપ્યો છે જે ભાગ તમામ ઓનલાઇન પબ્લિશરો માટે કોડ ઓફ એથિક્સ અને વર્તણૂકના ધોરણોને અનુસરવાનું જરૂરી બનાવે છે.

ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ જી.એસ. કુલકર્ણીની બેન્ચે ઇન્ફર્મેશન ટેકનોલોજી રૂલ્સ, ૨૦૨૧ની કલમ ૯ની પેટા કલમો ૧ અને ૩ પર સ્ટે આપ્યો છે. પ્રાથમિકપણે એવું જણાયું છે કે આ પેટા કલમોએ અરજદારના વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકાર અને કલમ ૧૯ હેઠળના અભિવ્યક્તિના અધિકારનો ભંગ કર્યો છે એમ હાઇકોર્ટે જણાવ્યું હતું. કલમ ૯ની જોગવાઇઓ મૂળ કાયદા ( આઇટી એક્ટ ઓફ ૨૦૦૦)ની પણ ઉપરવટ જાય છે એમ બેન્ચે જણાવ્યું હતું.

આ આદેશ લીગલ ન્યૂઝ પોર્ટલ ધ લીફલેટ અને પત્રકાર નીખિલ વાગલે દ્વારા કરવામાં આવેલ અરજીઓ પર આવ્યો હતો જે અરજીઓમાં નવા આઇટી નિયમોની ઘણી જોગવાઇઓને પડકારતા દાવો કરવામાં આવ્યો હતો કે આ જોગવાઇઓ અસ્પષ્ટ છે અને બંધારણમાં આપવામાં આવેલા નાગરિકોના મુક્ત વાણીના અધિકાર પર ધ્રુજાવનારી અસર પાડી શકે છે. આ નિયમો મુખ્ય આઇટી કાયદા અને બંધારણમાં આપવામાં આવેલ વાજબી નિયંત્રણોની છૂટની પણ ઉપરવટ જાય છે એમ અરજદારોએ જણાવ્યું હતું.

હાઇકોર્ટે અલબત્ત, આ નિયમોની કલમ ૧૪ અને ૧૬ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કલમ ૧૪ ઓનલાઇન સામગ્રીને નિયંત્રીત કરવા અને ફરિયાદો તથા નિયમોના ભંગ સાથે કામ પાર પાડવા એક આંતરમંત્રાલય સમિતિ રચવાને લગતી છે જ્યારે કલમ ૧૬ એ કટોકટીના સંજોગમાં ઓનલાઇન સામગ્રી બ્લોક કરવા અંગેની છે.

Most Popular

To Top