ભરૂચ: આમોદના ભીમપુરા ગામમાં 11 વર્ષીય માસૂમ બાળકને સાપે દંશ દેતાં તેના પરિજનો હોસ્પિટલે લઇ જવાના બદલે ભૂવા પાસે વિધિ કરવા જતાં બે કલાકનો સમય કાઢતાં આખરે બાળકે પોતાનો દમ તોડ્યો હતો. આ પ્રકરણમાં આમોદ પોલીસે તેના પિતા અને મંદિરના ભૂવા તેના કાકા વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી તેના પીએમ અર્થે સુરત FSLમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- ઝેરને કારણે મોતને ભેટેલા બાળકનો મૃતદેહ કબરમાંથી કાઢી સુરત FSLમાં મોકલ્યો
- આમોદના ભીમપુરામાં મોતને ભેટેલા બાળકના પિતા અને કાકાની ધરપકડ
હાલમાં જ ગુજરાત સરકારે વિધાનસભા ભવનમાં ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક-2024ને મંજૂરી આપી છે. તેમ છતાં લોકો હજુ અંધશ્રદ્ધા છોડવાનું નામ લેતા નથી. આવો જ એક કિસ્સો ભરૂચના આમોદના ભીમપોર ગામમાં બન્યો હતો. એક કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણને સાપ કરડતાં તેના પિતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામના ભાથીજી મંદિરે વિધિ કરતા તેના ભાઈ સંજય પાસે ઝેર ઉતારવા લઈ ગયા હતા. જેથી સમય જતાં બાળકના શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું.
આથી બાઇક પર બેસાડીને આમોદ આરોગ્ય કેન્દ્ર પર લવાતાં તબીબે અરુણને મૃત જાહેર કર્યો હતો. તેના પરિવારજનો પીએમ કરાવ્યા વિના તેના ઘરે લઇ ગયા હતા. આ અંગે આરોગ્ય કેન્દ્રનાં ડોક્ટર આયશાએ પોલીસમથકમાં વર્ધી આપી માહિતગાર કર્યા હતા. પોલીસે તેના ઘરે જઈને તપાસતાં તેના પિતાએ પીએમ ન કરાવવા જણાવ્યું હતું. આ બનાવમાં વિડીયો વાયરલ થયો હતો. પોલીસે બુધવારે સાંજે કબ્રસ્તાનમાંથી અરુણના મૃતદેહને બહાર કઢાવી સુરત FSL ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાશે. આમોદ પોલીસે તેના પિતા કાંતિ રાઠોડ અને તેના કાકા સંજય (ભૂવા)ની ધરપકડ કરી હતી.