નડિયાદ: ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના 9 લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારોની જીવાદોરી સમી કેડીસીસી બેંકના ચેરમેન પદે તેજસ પટેલ ઉર્ફે જીગાભાઇની બિનહરીફ વરણી કરવામાં આવી છે. કેડીસીસીમાં ભાજપ પ્રેરીત ડીરેક્ટરો વધુ છે અને ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી ભાજપે વિપુલ પટેલને ચેરમેન બનાવ્યા હતા, ત્યારે વિપુલ પટેલને અમૂલ ડેરીના ચેરમેન બનાવતા તેમણે કેડીસીસીના ચેરમેન પદ પરથી રાજીનામુ આપતા ફેર ચૂંટણી યોજાઈ હતી અને તેમાં ભાજપની જીત નિશ્ચિત હોય, પક્ષ દ્વારા તેજસ પટેલને મેન્ડેટ અપાયો હતો. ચેરમેન તરીકેની વરણી બાદ તેજસ પટેલે બેંકની સેવા છેવાડાના માનવી સુધી પહોંચાડવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
નડિયાદ સ્થિત કેડીસીસી બેંકના સભાખંડમાં બુધવારના રોજ બેંકના ચેરમેનની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નડિયાદ પ્રાંત અધિકારી જે.એમ.ભોરણીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં બેંકના 21 ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં ચેરમેનપદ માટે તેજસ પટેલની સામે અન્ય કોઇ ઉમેદવારીપત્ર નહીં ભરાતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંકની વર્ષ 2022ના જાન્યુઆરી મહિનામાં થયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મેન્ડેટ સાથે ભાજપની પેનલે ઝંપલાવ્યું હતું.
ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ બહુમતિ મેળવતાં બેંકમાં છેલ્લા 22 વર્ષથી વર્ચસ્વ ધરાવનારા કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી અને તે વખતે વિપુલ પટેલને ચેરમેન નિયુક્ત કરાયા હતા, ત્યારબાદ વિપુલ પટેલને અમૂલના ચેરમેન બનાવાતા તેમણે પક્ષના નિયમ મુજબ કેડીસીસીના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. તેથી, ચેરમેન પદે ચૂંટણી યોજાઈ હતી. બેંકની ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતિએ સત્તા પરિવર્તન થયુ હતુ. જેમાં હવે બેંકની સત્તાનું સુકાન સંભાળવા જઇ રહેલા ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે, બેંકિંગ વ્યવસ્થામાં ખાસ કરીને સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે. બેંકમાં સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે આવેલા પરિવર્તનથી લોકોને સરકારની યોજનાઓના લાભથી વંચિત રાખતી નીતિઓનો અંત આવ્યો છે. બેંકનું કામ લોકોને સર્વિસ પૂરી પાડવાનું છે. ગામડામાં લોકોને ઘેરબેઠાં બેંકની સર્વિસનો લાભ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે.
પ્રથમ વખત બંન્ને હોદ્દા આણંદના ફાળે આવ્યાં
બૃહદ ખેડા જીલ્લામાંથી આણંદ જીલ્લાનું વિભાજન વર્ષ 1997થી થયું છે. એટલે કે 25 વર્ષ બાદ પ્રથમ વખત કેડીસીસીમાં ચેરમેન પદ અને વાઈસ ચેરમેન પદ આણંદ જીલ્લાને મળ્યા છે. વા. ચેરમેન રાજેન્દ્રભાઈ પરમાર છેલ્લા 15 વર્ષથી સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેઓ 10 વર્ષથી ગોલાણા દુધ મંડળીમાં ચેરમેન અને ખંભાત બજાર સમિતીમાં ડિરેક્ટર તરીકે સેવાઓ આપે છે. કેડીસીસીની ગત સામાન્ય ચૂંટણીમાં તેઓ ખંભાત બ્લોક ઉપર બિનહરીફ વિજેતા બની વા.ચેરમેન પદે નિયુક્ત છે.
ઘરઆંગણે બેંકની સેવાઓ આપવા પ્રયત્ન
‘સ્ટાર્ટઅપ માટે લોકોના ઘરે જઇને ધિરાણ આપવા સાથે આર્થિક રીતે મજબૂત બનાવવા માટે દેશની આર્થિત નીતિઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવશે. સખીમંડળો સ્વાવલંબી બને, ગામડામાં નાના પાયે ઉદ્યોગો શરૂ કરવામાં આવે તો ગામડાઓમાંથી શહેરીકરણ તરફ વળી રહેલા લોકોને ગામમાં જ રોજગારી મળી રહે. સરકારની વિવિધ યોજનાઓ લાભ છેવાડાના માનવીને મળી રહે અને ગામડામાં આર્થિક સમૃદ્ધિને વેગ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. ગ્રાહકોને લોન કે ધિરાણ મેળવવા કે બેંકની સેવાઓ માટે બેંકમાં આવવું ના પડે પરંતુ લોકોના ઘરઆંગણે બેંકની સેવાઓ મળી રહે તે દિશામાં કામ કરવામાં આવશે.’ – તેજસ પટેલ, ચેરમેન, કેડીસીસી.
ટેસ્ટ ઓફ ખેડૂત બન્યાં ચેરમેન
આણંદ જીલ્લામાં સહકારી ક્ષેત્રે નાની ઉંમરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ટેસ્ટ ઓફ ખેડૂતનું સ્લોગન આપનાર તેજસ પટેલ કેડીસીસીના ચેરમેન બન્યાં છે. તેઓ સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં નેતૃત્વ કરે છે. તેઓ કૃભકો, ગુજકોમાસોલ, અમૂલ, કેડીસીસી, ટોબેકો ગ્રોઅર્સ ફેડરેશન, પેટલાદ બજાર સમિતી, પેટલાદ ખરીદ વેચાણ સંઘ, પીપળાવની સહકારી સંસ્થાઓ વગેરે સાથે તેજસ પટેલ વર્ષોથી સંકળાયેલા છે.