આણંદ : સોજિત્રા – આણંદ ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ જવાના રસ્તા પર બુધવારના રોજ પુરૂષની અર્ધનગ્ન લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાના પગલે સોજિત્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જોકે, લાંબા સમયથી પડી રહેલી લાશ ફોગાઇ ગઇ હોવાથી તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હાલ આ અંગે સોજિત્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોજિત્રા – આણંદના ધોરી માર્ગ પર પીપળાવ ચોકડીથી પાળજ બાજુ રોડ પર બુધવાર સવારે લાશ પડી હોવાની ખબર સોજિત્રા પોલીસને મળી હતી. આથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. ભરવાડ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ચાર – પાંચ દિવસથી લાશ પડી હોવાથી તે ફોગાઇ ગઇ હતી અને જીવાંત પડી હતી. આથી, તેની ઓળખ મુશ્કેલ હતી. જોકે, પોલીસે લાશનો કબજો લઇ તેને પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ અંગે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિનયને સોંપવામાં આવી છે. સોજિત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. ભરવાડે જણાવ્યું હતું કે, અર્ધનગ્ન હાલતમાં મળેલી લાશ પુરૂષની છે. આશરે 45થી 50 વર્ષના આશરાના લાગતા પુરૂષનું મોત કેવા સંજોગોમાં થયું ? તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. હાલ તેની ઓળખ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.