શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી અને લોકોને શાંત પાડવા આપવું પડ્યું છે. બે દાયકા સુધી બેવકૂફ બન્યા પછી લોકોને હવે આર્થિક હાલાકીથી રાહત જોઈએ છે અને રાજપક્સ પરિવાર એ આપી શકવાની સ્થિતિમાં નથી. પરિવાર એટલા માટે કે તેમના પરિવારના એક ડઝન લોકો શાસક છે, અર્થાત્ સરકારમાં છે. આવો નાગો સગાવાદ ક્યાંય જોવા મળ્યો નથી.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં લોકો કેટલાક દિવસથી રાજપક્સબંધુઓનું રાજીનામું માગવા આંદોલન કરી રહ્યા છે. લોકોની માગણી એવી છે કે રાજપક્સેની સરકારે રાજીનામું આપવું જોઈએ અને બીજા કોઈ નેતાના વડા પ્રધાનપદ હેઠળ સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકાર રચાવી જોઈએ. તો અને તો જ આર્થિક સંકટનો અંત આવી શકે. તેમને રાજપક્સે ઉપર હવે ભરોસો રહ્યો નથી. રાજપક્સેના નાના ભાઈ ગોટાબાયા રાજપક્સે શ્રીલંકાના પ્રમુખ છે, પણ ખરો નેતા અને ખરો વિલન તો મોટો ભાઈ મહિંદા છે. ગોટાબાયા શ્રીલંકાના લશ્કરમાં હતા. ૧૯૯૮ ની સાલમાં તેઓ લશ્કરમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યાં તેમનો મોટો ધંધો છે અને અમેરિકન નાગરિકત્વ પણ મેળવ્યું છે. ૨૦૦૫ ની સાલમાં મોટા ભાઈ મહિંદા રાજપક્સ શ્રીલંકાના પ્રમુખ બન્યા એ પછી તેમણે નાના ભાઈને અમેરિકાથી બોલાવી લીધા હતા અને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા.
ગણતરી બહુ સાદી હતી. શ્રીલંકાની બહુમતી પ્રજા બૌદ્ધ સિંહાલીઓને ભારતના તામિલનાડુમાંથી ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં વસેલા હિંદુ તમિલો આંખે દીઠ્યા ગમતા નથી. આપણે ત્યાં કેટલાક હિંદુઓ મુસલમાનો માટે જેટલી નફરત ધરાવે છે એટલી નફરત તેઓ તમિલો માટે ધરાવે છે. મહિંદા રાજપક્સે વિચાર્યું હતું કે જો બે દાયકાથી ચાલી રહેલા તમિલ અલગતાવાદી આંદોલનકારીઓને કચડી નાખવામાં આવે તો દાયકાઓ સુધી રાજપક્સેપરિવારનો સૂર્ય આથમવાનો નથી. બૌદ્ધ સિંહાલીઓ એક સદીથી હારેલા, ઓશિયાળા અને જીવન માટે યાચના કરનારા દયાજનક સ્થિતિમાં હોય એવા તમિલોને જોવા માટે તરસે છે. તેમને એવા તમિલોના દર્શન કરાવી દેવા જોઈએ અને પછી જુઓ સાતમા આસમાને રહીને કેવી રીતે શ્રીલંકા ઉપર રાજ કરી શકાય છે. તેમણે તેમના નાના ભાઈને અમેરિકાથી પાછા બોલાવ્યા અને તેને સંરક્ષણ પ્રધાન બનાવીને બેરહમીથી તામિલોને વધેરી નાખ્યા. માત્ર અલગતાવાદી આંદોલનકારીઓની હત્યા નહોતી કરી, પણ તમિલોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. એવો નરસંહાર કે હિટલરના જર્મનીની યાદ અપાવે. યોગ્ય રીતે જ યુનોમાં શ્રીલંકા સામે નિંદાના પ્રસ્તાવ આવ્યા હતા અને પાસ પણ થયા હતા.
પણ અત્યારે એ જ રાજપક્સબંધુઓ સામે આંદોલન ચાલી રહ્યું છે. સમય બડા બલવાન! રાજપક્સ અસહિષ્ણુ માણસ છે. કોઈ અવાજ ઉઠાવે, પ્રશ્ન કરે, વિરોધ કરે એ તેમને ગમતું નથી ત્યાં રસ્તા ઉપરનું આંદોલન તો બહુ દૂરની વાત છે. વિરોધીઓનો ઈલાજ એ તેમની રીતે કરે છે અને એમાં ગુંડાગીરીનો પણ સમાવેશ થાય છે. તેમનો ફંડા બહુ સિંપલ હતો. અવાજ ઉઠાવે એને દેશદ્રોહી ઠરાવવાના અને પછી ગુંડાઓને હવાલે કરી દેવાના. જ્યારે બહુમતી પ્રજા સાથે હોય તો મર્યાદા પાળવાની જરૂર જ ક્યાં છે!
પણ આ વખતે રાજપક્સેનાં રાજીનામાં બહુમતી સિંહાલીઓ માગી રહ્યા છે અને રાજપક્સેએ તેમનો એ ઈલાજ બહુમતી પ્રજા સામે કર્યો અને બાજી વણસી ગઈ. સોમવારે રાજપક્સના ગુંડાઓએ આંદોલનકારીઓ (જેને સત્તાવાર રીતે રાજપક્સના સમર્થકો કહેવામાં આવે છે) ઉપર હુમલો કર્યો અને મામલો વણસી ગયો. લોકોએ મહિંદા રાજપક્સના મકાન ઉપર હુમલો કર્યો અને આગ ચાંપી. બીજા કેટલાક પ્રધાનોના અને શાસક પક્ષના સંસદસભ્યોનાં મકાનોને આગ લગાડવાનું શરૂ કર્યું. મહિંદા રાજપક્સે પહેલાં તો હવામાં ગોળીબાર કરીને આંદોલનકારીઓને ડરાવવાની કોશિશ કરી, પરંતુ આ વખતે લોકો વિફરેલા હતા. મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું.
એની વચ્ચે મંગળવારે વાત વહેતી થઈ કે મહિંદા રાજપક્સને અને તેમના પરિવારને ત્રિંકોમાલીમાં આવેલા શ્રીલંકન નૌકાદળના નૌકામથક પર લઈ જવાયા છે એટલે લોકો ત્યાં જમા થવા લાગ્યા. અત્યારે સ્થિતિ એવી છે કે રાજપક્સ પરિવારના સભ્યો દેશ છોડીને જતા ન રહે એ માટે લોકો (બહુમતી બૌદ્ધ સિંહાલીઓ) વિમાનમથકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ કહેવાય છે કે પોલીસ પણ આંદોલનકારીઓને મદદ કરી રહી છે. રાજપક્સની દાયકાઓ સુધી અસ્ત નહીં થનારી સત્તા અને રાજકીય વગ તો બાજુએ રહી, જીવ બચાવવો પણ મુશ્કેલ પડી રહ્યો છે.
આમ કેમ બન્યું? જે લોકો આંદોલન કરી રહ્યા છે એ લોકો શ્રી લંકન તમિલ, મુસલમાન કે બીજી લઘુમતી કોમના નથી; બહુમતી બૌદ્ધ સિંહાલીઓ છે જે હજુ હમણાં સુધી રાજપક્સેના ભક્ત હતા. ભક્ત એટલે એવા ભક્ત કે બુદ્ધિપૂર્વકની તો છોડો, તેમના હિતની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. કારણ એ હતું કે રાજપક્સે અલગ તામિલ ભૂમિ માગનારા તમિલોને નિર્દયતાપૂર્વક કચડી નાખ્યા હતા, તમિલોને તેમની જગ્યા બતાવી દીધી હતી અને અન્ય લઘુમતી કોમને ઇશારામાં જણાવી દીધું હતું કે સખણા રહેવામાં માલ છે.
શ્રીલંકા બૌદ્ધ સિંહાલીઓનો દેશ છે અને અન્ય દરેક કોમે આ વાસ્તવિકતા સ્વીકારીને દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવવાનું છે. સિંહાલીઓ રાજપક્સની નિર્દયતાને વીરતા તરીકે જોવા લાગ્યા. સિંહાલીઓને ખુમારીનો અહેસાસ થયો. તેઓ તેમને ઈશ્વરનો અવતાર માનવા લાગ્યા. રાજકીય નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે એટલે બૌદ્ધ ભીખુઓ અને બૌદ્ધપંચાયતો મહિંદા રાજપક્સનું સન્માન કરીને તેમને બોધીઅવતાર તરીકે સ્થાપિત કરતા હતા. મહિંદા જ્યાં જાય ત્યાં સિંહાલીઓ કિકિયારીઓ દ્વારા અભિવાદન કરતા હતા. રાપજપક્સ લોકપ્રિયતાની ઊંચાઈએ હતા અને પોતે સાતમા આસમાને જીવતા હતા. એક દિવસ વખત બદલાશે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી!
ક્રૂરતા, અન્યાય, પ્રજાકીય વિગ્રહ, તાનાશાહી, જૂઠ અને લોકોને (સિંહાલીઓ વાંચો) ગમે એવું મનભાવન રાજકારણ (પોપ્યુલિસ્ટ પોલિટીકસ) ઉપર રાજપક્સનો ભરોસો હતો. એમાં તેમણે આર્થિક બાબતો ઉપર ધ્યાન નહોતું આપ્યું અને એવી તેમને જરૂર પણ નહોતી લાગી. ઉલટું એવાં આર્થિક સાહસો કર્યાં કે અર્થતંત્ર ખાડે ગયું. શ્રીલંકાનાં અર્થતંત્રમાં પર્યટનવ્યવસાયનો હિસ્સો ઘણો મોટો છે અને કોવીડના કારણે વિદેશીઓ આવતા બંધ થયા. ઓછામાં પૂરું રસાયણ ખાતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને જૈવિક ખેતી ફરજિયાત કરી. એને કારણે કૃષિ ઉત્પાદન ઘટી ગયું. અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. વીજળી તેર તેર કલાક સુધી મળતી નથી. બેરોજગારી વિકરાળ છે. સિંહાલીઓ માટે જે માણસ હજુ ગઈ કાલ સુધી ભગવાન હતો, બોધીઅવતાર હતો એ અત્યારે વિલન બની ગયો. કવિન્યાય જુઓ! ભારતનું તમિલોનું રાજ્ય તામિલનાડુ આજે શ્રીલંકાને અનાજની સહાય કરી રહ્યું છે અને રાજપક્સબંધુઓ તામિલનાડુના ઓશિંગણ છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્રીલંકાના વડા પ્રધાન, એક સમયના પ્રમુખ, શ્રીલંકાના તારણહાર, સર્વેસર્વા અને ઈશ્વરના અવતાર ગણાતા મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું છે. રાજીનામું લોકોના ડરથી અને લોકોને શાંત પાડવા આપવું પડ્યું છે. બે દાયકા સુધી બેવકૂફ બન્યા પછી લોકોને હવે આર્થિક હાલાકીથી રાહત જોઈએ છે અને રાજપક્સ પરિવાર એ આપી શકવાની સ્થિતિમાં નથી. પરિવાર એટલા માટે કે તેમના પરિવારના એક ડઝન લોકો શાસક છે, અર્થાત્ સરકારમાં છે. આવો નાગો સગાવાદ ક્યાંય જોવા મળ્યો નથી.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં લોકો કેટલાક દિવસથી રાજપક્સબંધુઓનું રાજીનામું માગવા આંદોલન કરી રહ્યા છે. લોકોની માગણી એવી છે કે રાજપક્સેની સરકારે રાજીનામું આપવું જોઈએ અને બીજા કોઈ નેતાના વડા પ્રધાનપદ હેઠળ સર્વપક્ષીય રાષ્ટ્રીય સરકાર રચાવી જોઈએ. તો અને તો જ આર્થિક સંકટનો અંત આવી શકે. તેમને રાજપક્સે ઉપર હવે ભરોસો રહ્યો નથી. રાજપક્સેના નાના ભાઈ ગોટાબાયા રાજપક્સે શ્રીલંકાના પ્રમુખ છે, પણ ખરો નેતા અને ખરો વિલન તો મોટો ભાઈ મહિંદા છે. ગોટાબાયા શ્રીલંકાના લશ્કરમાં હતા. ૧૯૯૮ ની સાલમાં તેઓ લશ્કરમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યાં તેમનો મોટો ધંધો છે અને અમેરિકન નાગરિકત્વ પણ મેળવ્યું છે. ૨૦૦૫ ની સાલમાં મોટા ભાઈ મહિંદા રાજપક્સ શ્રીલંકાના પ્રમુખ બન્યા એ પછી તેમણે નાના ભાઈને અમેરિકાથી બોલાવી લીધા હતા અને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા.
ગણતરી બહુ સાદી હતી. શ્રીલંકાની બહુમતી પ્રજા બૌદ્ધ સિંહાલીઓને ભારતના તામિલનાડુમાંથી ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાં વસેલા હિંદુ તમિલો આંખે દીઠ્યા ગમતા નથી. આપણે ત્યાં કેટલાક હિંદુઓ મુસલમાનો માટે જેટલી નફરત ધરાવે છે એટલી નફરત તેઓ તમિલો માટે ધરાવે છે. મહિંદા રાજપક્સે વિચાર્યું હતું કે જો બે દાયકાથી ચાલી રહેલા તમિલ અલગતાવાદી આંદોલનકારીઓને કચડી નાખવામાં આવે તો દાયકાઓ સુધી રાજપક્સેપરિવારનો સૂર્ય આથમવાનો નથી. બૌદ્ધ સિંહાલીઓ એક સદીથી હારેલા, ઓશિયાળા અને જીવન માટે યાચના કરનારા દયાજનક સ્થિતિમાં હોય એવા તમિલોને જોવા માટે તરસે છે. તેમને એવા તમિલોના દર્શન કરાવી દેવા જોઈએ અને પછી જુઓ સાતમા આસમાને રહીને કેવી રીતે શ્રીલંકા ઉપર રાજ કરી શકાય છે. તેમણે તેમના નાના ભાઈને અમેરિકાથી પાછા બોલાવ્યા અને તેને સંરક્ષણ પ્રધાન બનાવીને બેરહમીથી તામિલોને વધેરી નાખ્યા. માત્ર અલગતાવાદી આંદોલનકારીઓની હત્યા નહોતી કરી, પણ તમિલોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. એવો નરસંહાર કે હિટલરના જર્મનીની યાદ અપાવે. યોગ્ય રીતે જ યુનોમાં શ્રીલંકા સામે નિંદાના પ્રસ્તાવ આવ્યા હતા અને પાસ પણ થયા હતા.
પણ અત્યારે એ જ રાજપક્સબંધુઓ સામે આંદોલન ચાલી રહ્યું છે. સમય બડા બલવાન! રાજપક્સ અસહિષ્ણુ માણસ છે. કોઈ અવાજ ઉઠાવે, પ્રશ્ન કરે, વિરોધ કરે એ તેમને ગમતું નથી ત્યાં રસ્તા ઉપરનું આંદોલન તો બહુ દૂરની વાત છે. વિરોધીઓનો ઈલાજ એ તેમની રીતે કરે છે અને એમાં ગુંડાગીરીનો પણ સમાવેશ થાય છે. તેમનો ફંડા બહુ સિંપલ હતો. અવાજ ઉઠાવે એને દેશદ્રોહી ઠરાવવાના અને પછી ગુંડાઓને હવાલે કરી દેવાના. જ્યારે બહુમતી પ્રજા સાથે હોય તો મર્યાદા પાળવાની જરૂર જ ક્યાં છે!
પણ આ વખતે રાજપક્સેનાં રાજીનામાં બહુમતી સિંહાલીઓ માગી રહ્યા છે અને રાજપક્સેએ તેમનો એ ઈલાજ બહુમતી પ્રજા સામે કર્યો અને બાજી વણસી ગઈ. સોમવારે રાજપક્સના ગુંડાઓએ આંદોલનકારીઓ (જેને સત્તાવાર રીતે રાજપક્સના સમર્થકો કહેવામાં આવે છે) ઉપર હુમલો કર્યો અને મામલો વણસી ગયો. લોકોએ મહિંદા રાજપક્સના મકાન ઉપર હુમલો કર્યો અને આગ ચાંપી. બીજા કેટલાક પ્રધાનોના અને શાસક પક્ષના સંસદસભ્યોનાં મકાનોને આગ લગાડવાનું શરૂ કર્યું. મહિંદા રાજપક્સે પહેલાં તો હવામાં ગોળીબાર કરીને આંદોલનકારીઓને ડરાવવાની કોશિશ કરી, પરંતુ આ વખતે લોકો વિફરેલા હતા. મહિંદા રાજપક્સે રાજીનામું આપવું પડ્યું.
એની વચ્ચે મંગળવારે વાત વહેતી થઈ કે મહિંદા રાજપક્સને અને તેમના પરિવારને ત્રિંકોમાલીમાં આવેલા શ્રીલંકન નૌકાદળના નૌકામથક પર લઈ જવાયા છે એટલે લોકો ત્યાં જમા થવા લાગ્યા. અત્યારે સ્થિતિ એવી છે કે રાજપક્સ પરિવારના સભ્યો દેશ છોડીને જતા ન રહે એ માટે લોકો (બહુમતી બૌદ્ધ સિંહાલીઓ) વિમાનમથકો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે. એમ કહેવાય છે કે પોલીસ પણ આંદોલનકારીઓને મદદ કરી રહી છે. રાજપક્સની દાયકાઓ સુધી અસ્ત નહીં થનારી સત્તા અને રાજકીય વગ તો બાજુએ રહી, જીવ બચાવવો પણ મુશ્કેલ પડી રહ્યો છે.
આમ કેમ બન્યું? જે લોકો આંદોલન કરી રહ્યા છે એ લોકો શ્રી લંકન તમિલ, મુસલમાન કે બીજી લઘુમતી કોમના નથી; બહુમતી બૌદ્ધ સિંહાલીઓ છે જે હજુ હમણાં સુધી રાજપક્સેના ભક્ત હતા. ભક્ત એટલે એવા ભક્ત કે બુદ્ધિપૂર્વકની તો છોડો, તેમના હિતની વાત પણ સાંભળવા તૈયાર નહોતા. કારણ એ હતું કે રાજપક્સે અલગ તામિલ ભૂમિ માગનારા તમિલોને નિર્દયતાપૂર્વક કચડી નાખ્યા હતા, તમિલોને તેમની જગ્યા બતાવી દીધી હતી અને અન્ય લઘુમતી કોમને ઇશારામાં જણાવી દીધું હતું કે સખણા રહેવામાં માલ છે.
શ્રીલંકા બૌદ્ધ સિંહાલીઓનો દેશ છે અને અન્ય દરેક કોમે આ વાસ્તવિકતા સ્વીકારીને દ્વિતીય કક્ષાના નાગરિક તરીકે જીવવાનું છે. સિંહાલીઓ રાજપક્સની નિર્દયતાને વીરતા તરીકે જોવા લાગ્યા. સિંહાલીઓને ખુમારીનો અહેસાસ થયો. તેઓ તેમને ઈશ્વરનો અવતાર માનવા લાગ્યા. રાજકીય નેતાઓ અને ધર્મગુરુઓ વચ્ચે સાંઠગાંઠ હોય છે એટલે બૌદ્ધ ભીખુઓ અને બૌદ્ધપંચાયતો મહિંદા રાજપક્સનું સન્માન કરીને તેમને બોધીઅવતાર તરીકે સ્થાપિત કરતા હતા. મહિંદા જ્યાં જાય ત્યાં સિંહાલીઓ કિકિયારીઓ દ્વારા અભિવાદન કરતા હતા. રાપજપક્સ લોકપ્રિયતાની ઊંચાઈએ હતા અને પોતે સાતમા આસમાને જીવતા હતા. એક દિવસ વખત બદલાશે તેની તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી!
ક્રૂરતા, અન્યાય, પ્રજાકીય વિગ્રહ, તાનાશાહી, જૂઠ અને લોકોને (સિંહાલીઓ વાંચો) ગમે એવું મનભાવન રાજકારણ (પોપ્યુલિસ્ટ પોલિટીકસ) ઉપર રાજપક્સનો ભરોસો હતો. એમાં તેમણે આર્થિક બાબતો ઉપર ધ્યાન નહોતું આપ્યું અને એવી તેમને જરૂર પણ નહોતી લાગી. ઉલટું એવાં આર્થિક સાહસો કર્યાં કે અર્થતંત્ર ખાડે ગયું. શ્રીલંકાનાં અર્થતંત્રમાં પર્યટનવ્યવસાયનો હિસ્સો ઘણો મોટો છે અને કોવીડના કારણે વિદેશીઓ આવતા બંધ થયા. ઓછામાં પૂરું રસાયણ ખાતર ઉપર પ્રતિબંધ મૂક્યો અને જૈવિક ખેતી ફરજિયાત કરી. એને કારણે કૃષિ ઉત્પાદન ઘટી ગયું. અત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે. વીજળી તેર તેર કલાક સુધી મળતી નથી. બેરોજગારી વિકરાળ છે. સિંહાલીઓ માટે જે માણસ હજુ ગઈ કાલ સુધી ભગવાન હતો, બોધીઅવતાર હતો એ અત્યારે વિલન બની ગયો. કવિન્યાય જુઓ! ભારતનું તમિલોનું રાજ્ય તામિલનાડુ આજે શ્રીલંકાને અનાજની સહાય કરી રહ્યું છે અને રાજપક્સબંધુઓ તામિલનાડુના ઓશિંગણ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.