Columns

મહારાષ્ટ્રમાં સરકાર બચાવવા માટે ભાજપે ભારે સંઘર્ષનો સામનો કરવો પડશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર પછી હવે મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકો પર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીનો પાંચ વર્ષનો કાળ મહારાષ્ટ્રના રાજકારણમાં અણધારી ઘટનાઓનો સમયગાળો રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યની જનતાએ એક પછી એક અનેક રાજકીય આંચકાઓ જોયા છે. ૨૦૧૯માં ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બની હતી, જેમાં કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુખ્ય ભાગીદારો હતા. ભાજપે પહેલાં શિવસેનામાં ભાગલા પડાવ્યા હતા અને પછી એકનાથ શિંદેને ટેકો દઈને યુતિ સરકાર બનાવી હતી. ત્યાર બાદ તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં પણ ભાગલા પડાવીને અજીત પવારના જૂથને સરકારમાં સ્થાન દીધું હતું. મહારાષ્ટ્રના મતદારોને ભાજપનું રાજકારણ માફક ન આવતાં તેણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં પાઠ ભણાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ ૪૮ બેઠકોમાંથી ૧૭ બેઠકો ભાજપની મહાયુતિ અને ૩૦ બેઠકો મહાવિકાસ અઘાડીએ જીતી હતી. સ્વાભાવિક છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૪૧ બેઠકો જીતનાર ભાજપની મહાયુતિને માત્ર ૧૭ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. મહાવિકાસ અઘાડીએ જોરદાર પ્રદર્શન કર્યું અને ૩૦ સીટો જીતી હતી. હવે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે લોકમત ઉદ્ધવ ઠાકરે તેમ જ શરદ પવારના પક્ષમાં છે. મહારાષ્ટ્રમાં પોતાની સત્તા ટકાવી રાખવા માટે ભાજપે ભારે પુરુષાર્થ કરવો પડશે. સૌથી પહેલાં તો આ વખતે ચૂંટણીમાં બે નવા પક્ષો જોવા મળશે.

આ બંને નવા પક્ષો છેલ્લી ચૂંટણી લડેલા બે પક્ષોથી અલગ થઈને બનાવવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષની રાજકીય ઘટનાઓને કારણે આ પક્ષો બન્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના શિંદે જૂથના ૪૦ ધારાસભ્યો છે. ભાજપના ૧૦૩ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથ પાસે ૪૦ ધારાસભ્યો છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર જૂથ પાસે ૧૩, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે ૧૫ અને કોંગ્રેસ પાસે ૪૩ ધારાસભ્યો છે. ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો મુકાબલો બની રહેશે.

૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી શિવસેના અને ભાજપના ગઠબંધન દ્વારા સંયુક્ત રીતે લડવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન પણ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય મંત્રી પદને લઈને આગ્રહને કારણે ગઠબંધન તૂટી ગયું હતું. આ પછી મહારાષ્ટ્રમાં થોડા દિવસો સુધી રાજકીય પ્રયોગો શરૂ થયા. આમાંથી એક દિવસ ૨૩ નવેમ્બર ૨૦૧૯ છે. તે દિવસે સવારે ભાજપે અજિત પવાર સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ૨૩ નવેમ્બર ૨૦૧૯ની સવારે રાજભવન પહોંચ્યા. તેઓએ અનુક્રમે મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા. જો કે, પછીના થોડા કલાકોમાં સ્પષ્ટ થઈ ગયું કે તે પ્રયોગ નિષ્ફળ ગયો હતો, કારણ કે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પક્ષના ધારાસભ્યોએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભાજપ સાથે નહીં જોડાય. આ પછી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને મહાવિકાસ અઘાડીની રચના કરી હતી. આ પક્ષોએ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો હતો. ૨૮ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી લગભગ અઢી વર્ષ સુધી રાજ્યમાં મહાવિકાસ અઘાડીની સરકાર રહી.

૨૦ જૂન, ૨૦૨૨ ના રોજ મહાવિકાસ અઘાડીમાં શહેરી વિકાસ મંત્રી રહેલા એકનાથ શિંદે શિવસેનાના કેટલાક ધારાસભ્યો સાથે ગાયબ થઈ ગયા હતા અને સીધા સુરત પહોંચી ગયા હતા. એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. શિવસેનાના ૪૦ ધારાસભ્યો અને લગભગ ૧૦ અપક્ષ ધારાસભ્યોએ એકનાથ શિંદેને સમર્થન આપ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ૩૦ જૂન, ૨૦૨૨ ના રોજ રાજ્યમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકારની રચના કરવામાં આવી અને એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મહારાષ્ટ્રનું રાજકીય સર્કસ અહીંથી અટક્યું ન હતું.

તેના પછી શિવસેનાના બળવાખોર જૂથે પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર દાવો કર્યો હતો. ચૂંટણી પંચે એકનાથ શિંદેની શિવસેનાને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. આ રાજકીય રમત અહીં અટકી ન હતી. ૨ જુલાઈ, ૨૦૨૩ ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર પાર્ટીના નવ સભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા અને તેમણે ભાજપની ગઠબંધન સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પછી અજિત પવારે પણ એકનાથ શિંદેના પગલે ચાલીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર દાવો કર્યો અને જાહેરાત કરી કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ચૂંટણી પંચે અજિત પવારને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન આપ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અનેક કારણોસર મહત્ત્વની છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે મુખ્ય વિચારધારાઓ અથવા ગઠબંધન વચ્ચે મતદાન થતું રહ્યું છે. આમાં જ્ઞાતિનું ગણિત હંમેશા મહત્ત્વનું રહેતું હતું. એક વિચારધારા ભાજપ-શિવસેનાની હિન્દુત્વવાદી રહી છે તો બીજી વિચારધારા કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની બિનસાંપ્રદાયિક રહી છે. અત્યાર સુધીની ચૂંટણી બિનસાંપ્રદાયિકતા અને જમણેરી વિચારધારા વચ્ચે થતી હતી, પરંતુ હવે આ લડાઈ ભાજપના સમર્થકો અને તેના વિરોધી પક્ષો વચ્ચે છે.

૨૦૧૯માં ચાર મુખ્ય પક્ષો હતા. હવે છ પક્ષો છે. તેમાં ત્રણ-ત્રણનાં જૂથો બની ગયાં છે. આ જૂથોમાં વિચારધારાની ભેળસેળ થઈ ગઈ છે. ભાજપની સાથે અજીત પવારનું જૂથ છે, જે અત્યાર સુધી બિનસાંપ્રદાયિકતાનો ઝંડો લઈને ફરતું હતું. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે, જે તેના કટ્ટર હિન્દુત્વ માટે જાણીતી છે. વિચારધારા સાથે સમાધાન કરીને સરકાર સ્થાપવાના અને પક્ષને તોડીને ધારાસભ્યોની સત્તા મેળવવાના રાજકીય પ્રયોગ સામે જનતાની શું પ્રતિક્રિયા છે તે પણ હવે જાણવા મળશે.

અત્યાર સુધી મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો તેમની પરંપરાગત વોટબેંક ધરાવે છે. આ મતદારો વિચારધારાના કારણે સતત તેમની સાથે જોડાયેલા હતા. રાજકીય પરિવર્તન બાદ પક્ષમાં વિભાજનની જેમ વિચારોમાં પણ વિભાજન જોવા મળી રહ્યું છે. તેની અસર ચૂંટણીનાં પરિણામો પર પણ જોવા મળી શકે છે. ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રગતિશીલ મતદારોએ પણ ભ્રષ્ટાચાર અને નરેન્દ્ર મોદીના કરિશ્મા જેવા મુદ્દાઓ પર મતદાન કર્યું હતું. મહાવિકાસ અઘાડીની રચના અને શિવસેના અને એનસીપી વચ્ચેના ભાગલા પછી રચાયેલા મહાગઠબંધનના કારણે હવે આગામી ચૂંટણીમાં મતદાન એટલું સ્થાયી નહીં થાય તેમ લાગે છે.

૨૦૧૯ અને ૨૦૨૪ દરમિયાન જે રીતે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને દગો દઈને ભાજપ સાથે સરકાર બનાવી તેના કારણે શિવસેનાના પરંપરાગત મતદારો તેમનાથી નારાજ છે અને તેમને પાઠ ભણાવી દેવાના મૂડમાં છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે સાથે દગો કરીને તેમને જે રીતે મુખ્ય મંત્રીના પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા, તેને કારણે તેમને સહાનુભૂતિ મળી છે, જેનો પુરાવો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની જેમ શરદ પવાર સાથે પણ તેમના ભત્રીજા અજીત પવાર દ્વારા દગો કરવામાં આવ્યો, તેનો લાભ શરદ પવારને મળ્યો છે. રાજકીય પંડિતોના મતે રાષ્ટ્રવાદી કોંગ્રેસને મત આપનારા પ્રગતિશીલ મતદારો હવે મહાવિકાસ અઘાડીને મત આપી શકે છે. તેવી જ રીતે એકનાથ શિંદેના કારણે શિવસેનાના મતદારો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મત આપી શકે છે. ભાજપે મહારાષ્ટ્રમાં હારની તૈયારી કરી રાખવી પડશે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top