Gujarat

હાઇ કમાન્ડ ગુજરાતનું આખું મંત્રીમંડળ બદલવાના મૂડમાં હોવાથી ભાજપમાં હડકંપ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં પૂર્વ સરકારના એકપણ મંત્રીને નહીં સમાવવા સાથે નો રિપીટ થિયરી આગળ ધરીને ભાજપ હાઇ કમાન્ડ આગળ વધતાં વિવાદ સર્જાયો છે. સંભવિત પડતાં મૂકવામાં આવનારા મંત્રીઓએ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના બે કેન્દ્રીય નીરિક્ષકો બી.એલ. સંતોષ અને ભુપેન્દ્ર યાદવ સમક્ષ રજૂઆતો કરી હતી.

ગઇકાલે રાત્રીથી ભાજપના બંને નીરિક્ષકોએ અમદાવાદ અને ગાંધીનગરમાં બેઠકનો દોર ચાલું રાખ્યો હતો. જે મંત્રીઓને પડતા મૂકવામાં આવનાર છે તેમને પણ કારણો જણાવીને સમજાવટના પ્રયાસ થયાં હતાં. આજે દિવસ દરમિયાન ગાંધીનગરમાં ભાજપની ધારાસભ્યોની છાવણીમાં ભાગે ઉચાટ અને ઉદ્દવેગનું વાતાવરણ જોવા મળ્યું હતું. નો રિપીટ થિયરી સાથે એક તબક્કે આજે બપોરે ચાર વાગ્યા પછી મંત્રીમંડળના સભ્યોની શપથવિધિનું બેનર પણ લગાવવામાં આવ્યું હતું પરંતુ, નારાજગીના વાતાવરણ વચ્ચે આ બેનર હટાવી લેવામાં આવ્યું હતું, એટલે કે આજની શપથવિધિ આવતીકાલ પર મોકૂફ રહેવા પામી હતી.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ અને પાર્ટીના સીનિયર નીરિક્ષક ભુપેન્દ્ર યાદવ દિલ્હી દરબારની સૂચના પ્રમાણે ગુજરાતની આખી કેબિનેટ બદલાય તેવા પ્રયાસ કરી રહ્યાં હોવાથી ભાજપની પૂર્વ સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોનો કકળાટ શરૂ થયો છે. આંતરિક સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે 80 થી 90 ટકા પડતા મૂકાય તેવી શક્યતા છે. તેમના સ્થાને પ્રત્યેક સમાજ અને વિસ્તારને ધ્યાનમાં રાખીને નવું સ્વચ્છ છબી ધરાવતું મંત્રીમંડળ રચવા વિચારણા ચાલી રહી છે.

આ ઘટનાક્રમ વચ્ચે આંતરિક ખેંચતાણ વધી રહી છે. આજે એક ડઝન કરતાં વધુ પૂર્વ મંત્રીઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆતો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. એવી માહિતી મળી રહી છે કે, આવતીકાલે યોજાનાર શપથવિધિમાં 22 થી 25 જેટલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને સમાવવામાં આવે તેવી સંભાવના છે. ખાસ કરીને ભાજપના મહિલા ધારાસભ્યો તેમજ યુવાન અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી સંભાવના છે,

આ સંજોગોમાં રૂપાણી સરકારમાં કામ કરી ચૂકેલા મોટાભાગના મંત્રીઓને પત્તા કપાઇ તેવું દેખાઇ રહ્યું છે. સ્વચ્છ છબી અને જ્ઞાતિના સમીકરણો મંત્રીઓની પસંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવું દેખાઇ રહ્યું છે. ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને સૌરભ પટેલની નવી સરકારમાં કેવી ભૂમિકા રહેશે તે મુદ્દો પણ હાઇકમાન્ડના બે નીરિક્ષકો વિચારી રહ્યાં છે.

અલબત્ત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીના પદ અંગે પાર્ટીએ કોઇ વિચારણા કરી નથી આ સંજોગોમાં નારાજ નીતિન પટેલને સમજાવવા માટે મંત્રીપદ ઓફર કરાશે કે તેમ અને તેઓ આ ઓફર સ્વિકારશે કે કેમ તેના પર રાજકીય નિરિક્ષકો નજર રાખી રહ્યાં છે.

Most Popular

To Top