ભાજપની સ્થાપના થઈ ત્યારથી તેની છાપ ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજકીય પક્ષ તરીકેની રહી છે. ભાજપે પૂર્વોત્તરનાં રાજ્યોમાં જોરદાર પ્રભુત્વ જમાવ્યું તે પછી પણ દક્ષિણ ભારતમાં તામિલનાડુ, કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશા જેવાં રાજ્યો તેના માટે દૂરનાં સપનાં સમાન રહ્યાં હતાં. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીએ આ ચિત્ર બદલી જ કાઢ્યું છે. ભાજપે કેરળમાં લોકસભાની એક બેઠક પર વિજય પ્રાપ્ત કરીને ‘ભગવાનના પોતાના દેશ’માં એન્ટ્રી મારી છે તો ઓડિશામાં તો ભાજપે પહેલી વાર પોતાની તાકાત પર સત્તા હાંસલ કરીને નવીન પટનાયકના ૨૪ વર્ષના શાસનનો અંત આણ્યો છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સાથેની ભાગીદારીને કારણે ભાજપ સત્તામાં ભાગીદાર બનશે તો તેલંગાણામાં પણ તેનો દેખાવ આશાસ્પદ છે. ભાજપે તામિલનાડુમાં હજુ પોતાનું ખાતું નથી ખોલાવ્યું પણ મતોની ટકાવારી જરૂર વધારી છે.
અઢારમી લોકસભાની ચૂંટણીનાં પરિણામો દક્ષિણ ભારતના રાજકીય પરિદૃશ્યમાં નોંધપાત્ર ફેરફાર સૂચવે છે. દક્ષિણ ભારતમાં નબળા ગણાતા ભાજપે આ વખતે કર્ણાટક અને તેલંગાણાની સાથે આંધ્ર પ્રદેશમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)નો ગઢ ગણાતા કેરળમાં પણ ભાજપે પ્રથમ વખત સીટ જીતીને પોતાની હાજરી નોંધાવી છે. જો કે તમિલનાડુ ભાજપ માટે ખૂબ જ પડકારજનક રહ્યું છે. તમિલનાડુમાં આક્રમક ચૂંટણી પ્રચાર છતાં ભાજપ અને તેના સાથી પક્ષો એક પણ બેઠક જીતી શક્યા નથી.
તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા એલાયન્સે રાજ્યની તમામ ૩૯ બેઠકો જીતી લીધી છે. ગઠબંધનને કેન્દ્રશાસિત પ્રદેશ પુંડુચેરીની એક માત્ર બેઠક પણ જીતી છે. કોંગ્રેસે તમિલનાડુ અને પુંડુચેરીમાં ૧૦ સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ તમામ દસ બેઠકો કોંગ્રેસે જીતી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક વાર તામિલનાડુની મુલાકાત લીધી હતી, પરંતુ આ પછી પણ ભાજપે રાજ્યમાં એક પણ બેઠક જીતી નથી. ભાજપ માટે આશ્વાસનની વાત એ છે કે તે રાજ્યમાં ૧૦ બેઠકો પર બીજા ક્રમે છે.
ભાજપના ભૂતપૂર્વ સાથી અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) એ રાજ્યની લગભગ ૨૯ બેઠકો પર બીજું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે આ પાર્ટી અન્ય લોકસભા બેઠકોમાં ત્રીજા અને ચોથા ક્રમે રહી હતી. AIADMKએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની ૩૯માંથી ૩૭ બેઠકો જીતી હતી. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં પણ ડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધને રાજ્યની તમામ ૩૯ બેઠકો જીતી હતી. AIADMKના ભૂતપૂર્વ પ્રમુખ જયલલિતાનું અવસાન થયું ત્યાર બાદ રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી સતત ત્રીજી વખત હારનો સામનો કરી રહી છે. હાલમાં પાર્ટીનું સમગ્ર ધ્યાન ૨૦૨૬માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે.
કર્ણાટકમાં ભાજપે ૨૮ લોકસભા બેઠકોમાંથી લગભગ ૧૭ બેઠકો જીતીને રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ભાજપના સાથી પક્ષ જનતા દળ (સેક્યુલર) એ બે બેઠકો જીતીને ભાજપની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯માં ૨૮માંથી ૨૫ બેઠકો જીતી હતી. રાજ્યમાં ભાજપની બેઠકો છેલ્લી ચૂંટણીની સરખામણીએ ઘટી છે. અગિયાર મહિના પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય ભાજપ માટે મોટો ઝટકો હતો. કર્ણાટકમાં કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. જ્યારે એવું માનવામાં આવતું હતું કે ભાજપ રાજ્યમાં તેની પકડ ગુમાવી રહ્યું છે ત્યારે ભાજપે રાજ્યમાં પોતાની તાકાતને જાળવી રાખી છે.
લોકસભામાં ૨૫ બેઠકો ધરાવતા આંધ્ર પ્રદેશે NDA પક્ષને જંગી જનાદેશ આપ્યો છે. અહીં NDAને ૨૧ બેઠકો મળી છે. આ દર્શાવે છે કે YSR કોંગ્રેસના સમર્થનમાં ઘટાડો થયો છે. આ રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં વ્યાપક પરિવર્તન દર્શાવે છે. ભાજપના સહયોગી અને પૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રા બાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ રાજ્યમાં ૧૬ બેઠકો જીતી છે. રાજ્યમાં ભાજપને ત્રણ અને સહયોગી જનસેના પાર્ટીને બે બેઠકો મળી છે. આંધ્ર પ્રદેશમાં મોદીનું કોઈ ફેક્ટર નથી. ત્યાંનાં લોકો YSR કોંગ્રેસથી નાખુશ હતાં. આંધ્રમાં TDPને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સત્તાવિરોધી મતો મળ્યા છે. ભાજપને આમાં સંપૂર્ણ બહુમતી મળી નથી.
આ જીત ચંદ્રાબાબુને ભાજપ સાથે વાતચીત કરવામાં મદદ કરશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં જે થયું તેનાથી વિપરીત છે. નોંધનીય છે કે પવન કલ્યાણની JSPએ ૨ લોકસભા અને ૨૧ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમની પાર્ટીએ આ તમામ બેઠકો જીતી છે. તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. લોકસભાની ૧૭ બેઠકો ધરાવતા રાજ્યમાં ભાજપે અને કોંગ્રેસે ૮-૮ બેઠકો જીતી છે. હૈદરાબાદની બેઠક ઓવૈસીના ફાળે ગઈ છે. ગત વખતની સરખામણીએ ભાજપને તેલંગાણામાં ૪ વધુ બેઠકો મળી છે.
કેરળમાં ભાજપને પ્રથમ વખત એક બેઠક મળી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા સુરેશ ગોપીએ ત્રિશૂર લોકસભા મતવિસ્તારમાંથી ૭૦,૦૦૦થી વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી છે. શાસક માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી. કેરળમાં હિંદુઓની વસ્તી ૫૦ ટકાથી વધુ છે તો પણ ભાજપે પહેલી વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે. કેરળમાં લઘુમતીઓ પૈકી ખાસ કરીને મુસ્લિમોએ પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપ્યો છે. ૧૨ લોકસભા મતવિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો એક લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા છે.
ભાજપે ખ્રિસ્તી સમુદાયમાંથી મોટી સંખ્યામાં મતો મેળવીને અને ડાબેરી મોરચાની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડીને આ જીત હાંસલ કરી છે. આ વખતે ભાજપે કેરળમાં લગભગ ૧૭ ટકા વોટ મેળવ્યા છે, જે ગત વખત કરતાં ચાર ટકા વધુ છે. કેરળમાં ભાજપની આ સફળતા દર્શાવે છે કે કોંગ્રેસના શશિ થરૂર જેવા નેતાઓને તિરુવનંતપુરમ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર તરફથી કેટલો મોટો પડકાર સહન કરવો પડ્યો હતો. શશિ થરૂરે રાજીવ ચંદ્રશેખર પર માત્ર ૧૬ હજાર મતોથી જીત મેળવી હતી. જ્યારે ૨૦૧૯માં થરૂરે આ જ બેઠક પર એક લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. આ દર્શાવે છે કે કેરળમાં ડાબેરી મોરચા અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વોટબેંકમાં ભાજપે કેટલો ઊંડો ઘા કર્યો છે.
કેરળમાં ઉચ્ચ ઉચ્ચ જાતિના ખ્રિસ્તીઓ કહી રહ્યા છે કે ત્રિશૂરમાં તેઓએ ભાજપને નહીં પણ સુરેશ ગોપીને મત આપ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે ભાજપ ખ્રિસ્તી સમુદાય માટે અસ્પૃશ્ય નથી રહ્યું. આનો અર્થ એ પણ છે કે સીપીએમ સિવાય ભાજપે પણ નાયર હિંદુ વોટ બેંકમાં ખાડો પાડ્યો છે. ૨૦૧૪થી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી હિન્દુઓને એક કરવામાં વ્યસ્ત છે. મોદીએ ઈલાવા, નાયર અને માછીમાર સમુદાયની ત્રણ અલગ-અલગ સભાઓને સંબોધી હતી. પરંતુ, જ્યારે આ ત્રણેય સમુદાયોને એક કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી ત્યારે તેઓ હિંદુ હોવાને કારણે તેમની વચ્ચે ગંભીર મતભેદો ઉભરી આવ્યા હતા. આ એકતાનો અભાવ સંકેત આપે છે કે આ સમુદાયો પર ડાબેરી મોરચાની પકડ કેટલી મજબૂત છે.
એકંદરે કેરળમાં ભાજપે એક બેઠક જીતીને રાજ્યનાં જટિલ ચૂંટણી સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ અને સીપીએમના નેતૃત્વવાળી એલડીએફ વચ્ચે હતો. પરંતુ થ્રિસુર બેઠક પરથી ભાજપની જીત બાદ હવે કેરળમાં ચૂંટણીનો મુકાબલો ત્રિકોણીય બને તેવી શક્યતા છે. કેરળમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે ભાજપની વધી રહેલી તાકાતનો પરચો જોવા મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.