ઇતિહાસ હમેશાં વિજેતાના દૃષ્ટિકોણથી જ લખાતો હોય છે. ભારતમાં પહેલાં મુસ્લિમોનું અને પછી બ્રિટીશરોનું શાસન હતું ત્યારે ભારતનો જે ઇતિહાસ લખાયો તે ભારતના શાસનકર્તાઓ દ્વારા જ લખાવાયો હતો. ભારતને ૧૯૪૭માં આઝાદી મળી, પણ પછી જે કોંગ્રેસની સરકાર બની તેને મુસ્લિમો અને બ્રિટીશરો માટે કૂણી લાગણી હોવાથી તેણે મુસ્લિમો અને અંગ્રેજો દ્વારા લખાયેલો ઇતિહાસ મામૂલી ફેરફારો સાથે સ્કૂલોમાં અને કોલેજોમાં ભણાવવાનો ચાલુ રાખ્યો હતો. હવે ભારતમાં કટ્ટર હિન્દુત્વનો એજન્ડા ધરાવતી સરકાર આવી ગઈ છે અને જામી પણ ગઈ છે ત્યારે તેણે ઇતિહાસને ફરીથી લખવાની કસરત શરૂ કરી છે.
આજ સુધી ભારતની સ્કૂલોમાં જે ઇતિહાસ ભણાવવામાં આવતો હતો તેમાં ભારત પર રાજ કરી ગયેલા મુગલ શાસકોનું મહિમામંડન કરવામાં આવતું હતું. હવે તેમાં શીર્ષાસન જોવા મળશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) કહે છે કે ઇતિહાસના કેટલાક કાળા સમયગાળાને સમજાવવું મહત્ત્વપૂર્ણ છે. આ પુસ્તકના એક પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. ધોરણ ૮ ના સામાજિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તક ‘એક્સપ્લોરિંગ સોસાયટી: ઇન્ડિયન એન્ડ બિયોન્ડ’ નો ભાગ-૧ આ અઠવાડિયે પ્રકાશિત થયો છે.
NCERTનાં નવાં પાઠ્ય પુસ્તકોમાં આ પહેલું પુસ્તક છે જે વિદ્યાર્થીઓને દિલ્હીની સલ્તનત અને મુગલોનો પરિચય કરાવે છે. NCERT ના ધોરણ ૮ ના નવા સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખનારા બાબરને એક બર્બર, હિંસક અને સમગ્ર વસ્તીના વિનાશક તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેમાં અકબરના શાસનને ક્રૂરતા અને સહિષ્ણુતાના મિશ્રણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઔરંગઝેબને મંદિરો અને ગુરુદ્વારાઓનો નાશ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે. NCERT ના નવા પુસ્તકમાં ૧૩મી થી ૧૭મી સદી સુધીના ભારતીય ઇતિહાસનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં સલ્તનત કાળને લૂંટફાટ અને મંદિરોના વિનાશના સમયગાળા તરીકે દર્શાવવામાં આવ્યો છે. અગાઉના પુસ્તકમાં સલ્તનતકાળને આ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. આ પાઠ્યપુસ્તકો વિવાદનો મધપૂડો છંછેડે તેવી સંભાવના છે. NCERT ના નવા પાઠ્ય પુસ્તકમાં લખ્યું છે કે અકબરે ચિત્તોડનો કિલ્લો કબજે કર્યો ત્યારે તેની ઉંમર ૨૫ વર્ષની હતી અને તેણે ૩૦ હજાર નાગરિકોનો સંહાર કરીને બાળકો અને મહિલાઓને ગુલામ બનાવવાનો આદેશ આપ્યો હતો. આ પુસ્તકમાં અકબરને એમ કહેતાં ટાંકવામાં આવ્યો છે કે ‘‘અમે કાફિરોના ઘણા કિલ્લાઓ અને નગરો કબજે કર્યાં છે અને ત્યાં ઇસ્લામ સ્થાપિત કર્યો છે.
અમે લોહીલુહાણ તલવારોની મદદથી કાફિરોના મનમાંથી તેમનાં નિશાન ભૂંસી નાંખ્યાં છે. અમે ત્યાંનાં મંદિરોનો પણ નાશ કર્યો છે.’’પુસ્તકમાં લખ્યું છે કે અકબરે તેના પછીના શાસનમાં શાંતિ અને સદ્ભાવના વિશે વાત કરવાનું શરૂ કર્યું. પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબે શાળાઓ અને મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. બનારસ, મથુરા અને સોમનાથ સહિતનાં જૈન મંદિરો અને શીખ ગુરુદ્વારાઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તેમાં પારસીઓ અને સૂફીઓ પર મુગલોના અત્યાચારોનો પણ ઉલ્લેખ છે.
ભારતનો જમણેરી પક્ષ ભાજપ ફક્ત ૨૦૦ વર્ષના બ્રિટિશ શાસનને ગુલામીનો સમયગાળો જ નથી માનતો પરંતુ સમગ્ર મધ્યયુગીન સમયગાળાને ગુલામ ભારત તરીકે પણ જુએ છે. ૧૧ જૂન, ૨૦૧૪ ના રોજ વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પહેલી વાર લોકસભામાં પોતાના પહેલા જ ભાષણમાં મોદીએ કહ્યું હતું કે ‘‘૧,૨૦૦ વર્ષની ગુલામીની માનસિકતા આપણને પરેશાન કરી રહી છે.’’વડા પ્રધાનના આ નિવેદનથી એકસાથે અનેક પ્રશ્નો ઊભા થયા હતા. શું ભારત ૧,૨૦૦ વર્ષ સુધી ગુલામ રહ્યું? શું બ્રિટિશ શાસન પહેલાં પણ ભારત ગુલામ હતું? જ્યારે વડા પ્રધાન મોદીએ ૧,૨૦૦ વર્ષની ગુલામી વિશે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે ૮મી સદી (ઇ.સ. ૭૧૨) માં સિંધના હિન્દુ રાજા પરના મીર કાસિમના હુમલાથી ૧૯૪૭ સુધી ભારત ગુલામ હતું.
ભારતમાં બ્રિટિશ શાસન આશરે ૧૭૫૭ થી ૧૯૪૭ સુધી ચાલ્યું હોવાનું માનવામાં આવે છે. આ મુજબ ભારતે બાકીનાં ૧,૦૦૦ વર્ષ મુસ્લિમ શાસકો હેઠળ ગુલામીમાં વિતાવ્યાં હતાં. ભારતમાં શાળાનાં પુસ્તકો અનુસાર ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સામે અંગ્રેજોના વિજય પછી ભારતને ગુલામ માનવામાં આવે છે પરંતુ હવે ભારતમાં ઇતિહાસ બદલવાની વાત થઈ રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યયુગીન કાળમાં મુસ્લિમ શાસકો આક્રમણખોર હતા અને તેમણે ભારતને ગુલામ તરીકે રાખ્યું હતું. ભાજપ હવે મધ્યયુગના મુસ્લિમ શાસકોને આક્રમણકારો કહે છે.
ઇતિહાસના વિદ્વાન અને જહાંગીર પર લખાયેલ પુસ્તક ‘ઈન્ટિમેટ પોટ્રેટ ઓફ અ ગ્રેટ મુગલ’ના લેખક પાર્વતી શર્મા કહે છે કે ‘‘સત્તા માટે એક રાજ્ય દ્વારા બીજા રાજ્ય પર હુમલો કરવો એ કોઈ નવી વાત નહોતી. મૌર્યોનું શાસન અફઘાનિસ્તાન સુધી વિસ્તર્યું હતું, તેથી તેઓ પણ આક્રમણકારો હતા. આપણે કોઈ પણ સ્વરૂપમાં સત્તાનો વિસ્તાર કરવાની અને સત્તા મેળવવાની ઇચ્છાને જોઈ શકીએ છીએ. આ ઇચ્છાનો કોઈ ખાસ ધર્મ સાથે કોઈ સંબંધ નથી.’’ ઘણાં લોકો NCERT ના આ ફેરફાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર જાણી જોઈને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી રહી છે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સ્થાપક સભ્ય પ્રોફેસર મોહમ્મદ સુલેમાને જણાવ્યું હતું કે હાલમાં સત્તામાં રહેલાં હિન્દુત્વવાદી સંગઠનો અને વિચારધારાઓ ઇતિહાસ સાથે ચેડાં કરી રહ્યાં છે. કોઈ પણ વિકસિત સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકે છે જ્યારે ઇતિહાસને વાસ્તવિકતાના સંદર્ભમાં લેવામાં આવે પરંતુ આપણી સરકાર ઇતિહાસને વિકૃત કરી રહી છે. આનાથી દેશને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. તેઓ અંધ ભક્તોને ગેરમાર્ગે દોરી શકે છે પરંતુ જ્યારે વિશ્વમાં ઇતિહાસ વાંચવામાં આવે છે ત્યારે લોકોને સત્ય ગમશે. તેઓ પોતાના આત્મસન્માનને સંતોષવા માટે કંઈ પણ કરી રહ્યા છે.
NCERT એ તેના જવાબમાં કહ્યું છે કે ધોરણ આઠમા માટેનું નવું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને શાળા શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા ૨૦૨૩ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તક ૧૩મી સદીથી ૧૯મી સદીના મધ્ય સુધીના ભારતીય ઇતિહાસના સમયગાળાને આવરી લે છે. અમે આ પુસ્તકમાં પુનરાવર્તનને બદલે વિવેચનાત્મક વિચારસરણીને આગળ ધપાવી છે. આ પાઠ્યપુસ્તકમાં અમે એક ખાસ પ્રકરણ રાખ્યું છે જેનું નામ છે : ઇતિહાસના અંધકારમય સમયગાળા પર ટિપ્પણી.
આ પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓ ભૂતકાળની સમજ કેળવશે તેમજ આધુનિક ભારતની રચનાનો અભ્યાસ કરશે. આ પાઠ્ય પુસ્તકનાં તમામ તથ્યો વિશ્વસનીય શૈક્ષણિક સ્રોતો પર આધારિત છે. ભારતીય ઇતિહાસને રૂઢિગત બનાવી શકાય નહીં. આપણે એવું બતાવી શકતા નથી કે બધું સારું હતું. ઘણી સારી બાબતો હતી તો ઘણી ખરાબ બાબતો પણ હતી. લોકો પર અત્યાચારો પણ ગુજારવામાં આવતા હતા.
જાણીતા ઇતિહાસકાર સૈયદ ઇરફાન હબીબ કહે છે કે ‘‘ઇતિહાસ તથ્યોના આધારે લખાય છે. જ્યારે તમે તમારી કલ્પનાઓના આધારે ઇતિહાસ લખવાનો પ્રયાસ કરો છો, ત્યારે તે ઇતિહાસ રહેતો નથી. ભારતીય રાજકારણમાં મધ્યયુગનો વિવાદ નવો નથી. અગાઉ પણ મહારાણા પ્રતાપ અને અકબર પર વિવાદ થયો હતો. ૨૦૧૯ માં રાજસ્થાન યુનિવર્સિટીએ ભાજપના એક ધારાસભ્યના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એ લખવું જોઈએ કે મહારાણા પ્રતાપ અકબર સામે હલ્દીઘાટીનું યુદ્ધ હાર્યા ન હતા.
તેઓ કહે છે કે હલ્દીઘાટીમાં મહારાણા પ્રતાપ જીત્યા હતા અને અકબર હારી ગયો હતો, પરંતુ તેઓ કોઈ પણ તથ્યોના આધાર વિના કંઈ પણ કહે છે. હકીકત એ છે કે હલ્દીઘાટીમાં મહારાણા પ્રતાપ અને માનસિંહ લડ્યા હતા. તે બે રાજપૂતો વચ્ચેનું યુદ્ધ હતું. એક અકબર માટે લડી રહ્યો હતો અને બીજો અકબર સામે. મહારાણા પ્રતાપની સેનાનો સેનાપતિ હકીમ ખાન સુરી મુસ્લિમ હતો. આ ધર્મ આધારિત યુદ્ધ નહોતું. આજે આપણે મધ્યયુગીન ભારતને ધર્મનાં ચશ્માંથી જોઈ રહ્યાં છીએ.’’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે