Gujarat

ભાજપ સરકારે કોરોના મૃતકના પરિવારો સાથે ક્રૂર મજાક કરી છે: કોંગ્રેસ

કુદરતી આપદામાં પશુ મરે તો પણ ૫૦,૦૦૦ની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને પણ માત્ર ૫૦,૦૦૦નું વળતર એટલે પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારાધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહરો કરતાં કહ્યું હતુ કે પુરગ્રસ્ત દુધાળા પશુના મૃત્યુ માટે ૫૦,૦૦૦ની સહાય અને બીજી બાજુ કોરોનાના મૃતક માટે ૫૦,૦૦૦ સહાયની વાત ભાજપ સરકાર કરે છે. ત્યારે ગુજરાતના મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી શું સાબિત કરવા માંગે છે ? તેનો જવાબ ભાજપ સરકાર આપે.

કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી છે. સામાન્ય અને માધ્યમ વર્ગના પરિવારો આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો. જવાબદાર કોણ ? કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા ગુજરાતના નાગરિકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ૪ લાખ રૂપિયા વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે કરેલી માંગણીઓ
અમિત ચાવડાએ માંગ કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવારજનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચૂકવણીની કાર્યવાહી કરવામાં આવે, સરકાર મોતના આંકડા છુપાવવાની રમત બંધ કરી સરકારી ચોપડે નોંધાયેલા મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરે, કોરોનાથી મૃત્ય થયેલા હોવા છતાં સરકારના દબાણ હેઠળ મરણપત્રમાં નોંધવામાં નથી આવેલા તેવા પરિવારજનોના પુરાવા તપાસી મરણ – પ્રમાણપત્રમાં સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે.

Most Popular

To Top