૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને કોઈની નજર ન લાગે એમ વીણીને પસંદ કરવામાં આવ્યા હતા. વીણવાનો માપદંડ એવો હતો કે મુખ્ય પ્રધાન બનનારો માણસ કદાવર ન હોવો જોઈએ અને કદાપી કદાવર બનવાની ક્ષમતા ધરાવતો ન હોવો જોઈએ. રાજ્યોમાં મુખ્ય પ્રધાનો પૂછીને પાણી પીનારા હોવા જોઈએ કે જેથી ભવિષ્યમાં કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર પેદા ન કરે. પણ આમાં સમસ્યા એ છે કે સરેરાશ ગજું ધરાવતા માણસમાં આવડત પણ સરેરાશ હોવાની એનું શું કરવું? પણ આની ચિંતા તો એણે કરવાની હોય જેને શાસનમાં રસ હોય, માત્ર સત્તામાં રસ ધરાવાનારાઓએ આની ચિંતા કરવાની જરૂર નથી.
ગુજરાતના અને ભાજપના દુર્ભાગ્યે વિજય રૂપાણી ધાર્યા હતા તેવા સાબિત ન થયા એવી સરકારની પ્રતિતિ છે. ખાસ કરીને કોવીડના બીજા મોજા વખતે તેમણે જે ભૂંહડિયો વાળ્યો એની તો ગુજરાતની વડી અદાલતે નોંધ લેવી પડી અને સરકારને ખખડાવવી પડી હતી. હવે તેમની જગ્યાએ ભુપેન્દ્ર પટેલ નામના ધારાસભ્યને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વીણીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પટેલ છે એ તેમની લાયકાત છે, બીજી લાયકાતો વિષે કોઈ કશું જાણતા નથી, કદાચ પસંદ કરનારાઓએ પણ આશરે આશરે તેમની પસંદગી કરી હશે. તેઓ પહેલી વખતના ધારાસભ્ય છે.
એક સમય હતો જ્યારે બીજેપી પક્ષઅંતર્ગત લોકતંત્ર માટે ગર્વ અનુભવતો હતો અને આવું સાચું લોકતંત્ર ધરાવનારા ભારતમાં માત્ર ત્રણ પક્ષો હતા. બે સામ્યવાદી પક્ષો (ભારતીય સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ) અને ત્રીજો બીજેપી. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુની વડા પ્રધાનપદ માટે પસંદગી કરી ત્યારે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે સરકારને સામ્યવાદી પક્ષની ફિલસુફી મુજબ દિશા આપવા જેટલી બેઠકો ડાબેરી મોરચો નથી ધરાવતો એટલે જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને. મોઢામાં આવી ચુકેલો કોળિયો ફગાવી દીધો હતો. જ્યોતિ બસુએ પક્ષના નિર્ણયને માથે ચડાવ્યો હતો અને વડા પ્રધાનપદ જતું કર્યું હતું. ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી.
સામ્યવાદીઓની જેમ બીજેપી પણ પક્ષઅંતર્ગત લોકતંત્રનો ઉજવળ ઈતિહાસ ધરાવે છે. ખુદ નરેન્દ્ર મોદી પક્ષઅંતગર્ત લોકતંત્રના લાભાર્થી છે. ૨૦૦૨ના ગોધરા-ગુજરાત કાંડ પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગ્રહ કર્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ. પક્ષની ગોવામાં મળેલી કાર્યસમિતિએ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહે એવો ઠરાવ કર્યો હતો જે પક્ષના સર્વોચ્ચ નેતા વાજપેયીએ માન્ય રાખ્યો હતો. એ પછી ૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે દાવેદારી કરી ત્યારે પણ તેમને લાલકૃષ્ણ અડવાણી અને બીજા સિનીયર નેતાઓનો વિરોધ હોવા છતાં લોકતાંત્રિક બહુમતીનો લાભ મળ્યો હતો. પક્ષની પરંપરા એવી રહી છે જેમાં પક્ષના મંચ ઉપર મુક્ત ચર્ચા થાય અને બહુમતીના આધારે નિર્ણય લેવાય. પણ હવે એ યુગ પૂરો થયો છે.
પોતપોતાના પ્રાંતમાં વ્યાપક લોકસંપર્ક ધરાવનારા કદાવર નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવાની અને ભવિષ્યમાં કદાવર નેતાઓ પેદા ન થાય એવી જોગવાઈ કરવાના રાજકારણને કોંગ્રેસ સીસ્ટમ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં આની શરૂઆત થઈ હતી અને રાજીવ ગાંધીએ તે પરંપરા કાયમ રાખી હતી. રાજીવ ગાંધીએ બેંગલોરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કર્નાટકને નવા મુખ્ય પ્રધાન મળશે. ત્યારે કર્નાટકના કદાવર નેતા વીરેન્દ્ર પાટિલ મુખ્ય પ્રધાન હતા અને તેમને વડા પ્રધાન રાજીવ ગાંધીના કથનથી આંચકો લાગ્યો હતો. વીરેન્દ્ર પાટિલને વિશ્વાસમાં લેવાની જરૂર રાજીવ ગાંધીએ નહોતી અનુભવી. ૧૯૮૨માં ઇન્દિરા ગાંધીએ પણ આ જ રીતે મહારાષ્ટ્રમાં બાબાસાહેબ ભોંસલે નામના ભુપેન્દ્ર પટેલ જેટલા જ સાવ અજાણ્યા અને નાના કદના વિધાનસભ્યને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. આ માણસ કોણ છે એવો પ્રશ્ન ત્યારે પણ પૂછાયો હતો.
ઈરાદો પોતાના સ્થાનને સુરક્ષિત રાખવાનો હતો. જો પક્ષઅંતર્ગત લોકતંત્ર હોય તો લોકતંત્રનો લાભ લઈને આવડત ધરાવનારા મોટા ગજાના નેતાઓ પેદા થાય. પોતાની સ્વતંત્ર લોકચાહના ધરાવનારા મોટા કદના નેતાઓ હોય તો તેમની વાત સાંભળવી પડે. તેઓ કદાચ કોઈ બાબતનો વિરોધ પણ કરે અને વિરોધનો સામનો કરવો પડે અને વળી એવું પણ બને કે તેમના વિરોધ સામે ઝૂકવું પણ પડે જે રીતે એક સમયે કોંગ્રેસમાં જવાહરલાલ નેહરુને પણ ઝૂકવું પડતું હતું અને બીજેપીમાં વાજપેયી અને અડવાણીને ઝૂકવું પડ્યું હતું.
આગળ જતા કદાચ એવું પણ બને કેકોઈ ઐશ્વર્યવાન કદાવર નેતાની તરફેણમાં ખુરશી પણ ખાલી કરવી પડે. સત્તાને પ્રેમ કરનારાઓને અને સરમુખત્યારી માનસ ધરાવનારા નેતાઓને આ પસંદ હોતું નથી એટલે તેઓ કદાવર નેતાઓને કિનારે રાખે છે અને કરે છે. કોઈ હોય તો પડકારે ને! જો વાજપેયી-અડવાણીએ તેમના યુગમાં બીજા પક્ષોની જેમ કોંગ્રેસ સીસ્ટમ અપનાવી હોત તો આજે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન ન હોત.
આની પણ એક કિંમત હોય છે અને એ કિંમત કોંગ્રેસ પક્ષ આજે ચૂકવી રહ્યો છે. કોંગ્રેસની જે તાકાત હતી એ રાજ્યોના ગજાદાર નેતાઓની સંયુક્ત તાકાત હતી અને એ તાકાત લોકતાંત્રિક માર્ગે ગામડાથી શરુ કરીને દિલ્હી સુધી પહોંચતી હતી. એ તાકાત દિલ્હીથી રાજ્યોમાં નહોતી આવતી. આનો સૌથી મોટો ફાયદો એ હતો કે રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં સમગ્ર દેશમાં ખૂણેખૂણેથી અનેક મજબૂત, રચનાત્મક અને વિચારનારા હાથોની વિશાળ ભાગીદારી જોવા મળતી હતી. ઇન્દિરા ગાંધીએ ભાગીદારી કરી શકે એવા નેતાઓને ખતમ કરી નાખ્યા અને તેની જગ્યાએ લાભાર્થીઓ તેમ જ કૃપાર્થીઓને પેદા કર્યા અને પરિણામે પક્ષ અંદરથી નિર્બળ થતો ગયો. કોંગ્રેસ નિષ્પ્રાણ બનતી ગઈ અને હવે તો કલેવર પણ તૂટી રહ્યું છે. કોંગ્રેસનો વર્તમાન બીજેપીનું ભવિષ્ય બની શકે છે અને બનશે જ જો આ પરિપાટી ચાલુ રહેશે. ઇન્દિરા ગાંધી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગતાં હતાં કારણ કે તેઓ અસલામતીથી પીડાતાં હતાં. નરેન્દ્ર મોદી પણ એ જ લક્ષણો ધરાવે છે અને માટે એ જ માર્ગે ચાલે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.