એક ખૂબ જ શ્રીમંત વેપારી હતા.તેની પાસે અગણિત સંપત્તિ હતી પણ તેઓ એક પણ પૈસો કોઈને મદદ કરતા ન હતા.વેપારીને કોઈ સંતાન ન હતું અને શેઠાણી પણ મૃત્યુ પામ્યાં હતાં. શેઠ એકલા જ હતા.તેમનો એક નોકર હતો. નામ શંભુ. તે મૂર્ખ કહી શકાય એટલી હદે ભોળો હતો.તે ખૂબ જ મનથી શેઠની સેવા કરતો અને શેઠજી જે કંઈ પગાર આપતા તેમાંથી લગભગ અડધોઅડધ તે ગરીબ અનાથ બાળકો પાછળ વાપરી નાખતો.શેઠજી તેને આમ બીજા પાછળ પૈસા વાપરતા જોઇને ખીજાતા અને કહેતા તારા જેવો મૂર્ખ કોઈ નથી.
એક વખત શંભુએ એક બીમાર અનાથ બાળકની બીમારીમાં પોતાનો લગભગ આખો પગાર વાપરી નાખ્યો અને શેઠજી પાસે થોડા પૈસા બીજા માગ્યા.કંજૂસ શેઠ ગુસ્સે થઈ ગયા અને તેને દંડા વડે એક ફટકાર લગાવી અને કહ્યું, ‘મૂર્ખ, તું તો મહા મૂર્ખ છે. આમ પૈસા ન વપરાય.ભેગા કરાય.જા, આ દંડો લઇ જા. તને તારાથી મોટો મૂર્ખ કોઈ મળે તો તેને આપજે.’ આમ કહીને શેઠે ખીજાઈને શંભુને મોકલી દીધો. ભોળા શંભુએ વિચાર્યું કે હશે શેઠજી મારો વિચાર કરીને જ ખીજાયા હશે.
તેણે કંઈ માઠું ન લગાડ્યું અને જેમ કરતો હતો તેમ જ શેઠનાં બધાં કામ કરતો અને જયારે યાદ આવે ત્યારે શેઠ તેને પૂછતાં, ‘મૂર્ખ તને તારાથી મોટો કોઈ મૂર્ખ મળ્યો કે નહિ.’ ભોળો શંભુ હસીને ના પાડતો.વખત જતાં શેઠ એકદમ બીમાર થઈ ગયા.શંભુએ બીમાર શેઠની બહુ સેવા કરી.પણ શેઠ સાજા ન થઈ શક્યા. તેમને સમજાઈ ગયું કે મારું મોત નજીક જ છે. મરણપથારી પર સૂતેલા શેઠે શંભુને કહ્યું, ‘શંભુ, હું ભગવાનના ઘરે જાઉં છું.’ભોળા શંભુએ કહ્યું, ‘મને પણ તમારી સાથે લઇ જાવ.’ શેઠ ફિક્કું હસ્યા અને બોલ્યા, ‘મૂર્ખ, ભગવાનના ઘરે કોઈ સાથે ન આવી શકે, એકલા જ જવું પડે.’
શંભુ બોલ્યો, ‘ભલે શેઠજી, હમણાં તમારાં કપડાં અને દવાઓ અને જરૂરી વસ્તુઓ અટેચીમાં ગોઠવીને તૈયાર કરી દઉં.’ શેઠ બોલ્યા, ‘અરે ત્યાં કંઈ લઇ ન જવાય. ખાલી હાથે જ જવું પડે, સમજ્યો.’ શંભુ થોડી વાર કંઇક વિચારવા લાગ્યો અને પછી પોતાની રૂમમાં જઈને શેઠજીએ મહા મૂર્ખને આપવા આપેલો દંડો લઇ આવ્યો અને શેઠજીને આપતાં બોલ્યો, ‘શેઠજી, માફ કરજો, તમે જિંદગી આખી એક પૈસો વાપર્યો નહિ અને ભેગો જ કર્યો અને અત્યારે બધું છોડીને જશો એટલે સૌથી મોટા મૂર્ખ તો તમે જ છો. લો આ દંડો તમે જ રાખો.’જીવનમાં ભેગો કરેલો પૈસો નહિ પણ કરેલાં સારાં કર્મનું ફળ સાથે આવશે.તે હંમેશા યાદ રાખવું જરૂરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.