સફળ બિઝનેસમેન ચૈતન્ય સરનો આજે ૭૫ મો જન્મદિવસ હતો. રીટાયર તો તેઓ કયારેય થયા જ ન હતા.આજે ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું.સરનો જન્મદિવસ હતો પણ તેમણે કહ્યું હતું કે, ‘આખો દિવસ કામ થશે અને પછી મોડી સાંજથી રાત સુધી પાર્ટી.ઓફિસના દરેક સ્ટાફના ફુલ ફેમિલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નવા જોડાયેલા ટ્રેઈની સ્ટુડન્ટ વિભોરે ટીમ લીડરને પૂછ્યું, ‘આજે મોટા સરનો જન્મદિવસ છે તો એક દિવસ રજા આપી હોત તો?’લીડરે કહ્યું, ‘ભાઈ, સરને કામ ના થાય કે પાછળ ઠેલાય તે પસંદ જ નથી સમજ્યો.’
રાત્રે પાર્ટીમાં પત્રકારો પણ આવ્યા હતા. એક પત્રકારે ચૈતન્ય સરને પૂછ્યું, ‘સર, તમારો આજે ૭૫ મો જન્મદિવસ છે.તમે આટલા લાંબા જીવનમાં ઘણા અનુભવો કર્યા હશે.ઘણી તકલીફો અને ચેલેન્જનો સામનો પણ કર્યો હશે.આજે તમે તમારી લાઈફમાં કઈ સૌથી મોટી ચેલેન્જનો સામનો કર્યો અને તેમાંથી કઈ રીતે સફળ થયા તે જણાવો.’ ચૈતન્ય સર હસ્યા અને બોલ્યા, ‘અરે લાઈફની સૌથી મોટી ચેલેન્જનો મેં એક વાર નહિ, ઘણી વાર સામનો કર્યો છે.આજે પણ કર્યો.’પેલા ટ્રેઈની વિભોરથી તરત પુછાઈ ગયું, ‘સર, આજે કઈ મોટી ચેલેન્જ!’
ચૈતન્ય સર બોલ્યા, ‘મારા યંગ દોસ્ત,લાઈફની સૌથી મોટી ચેલેન્જ એ છે કે ‘જ્યારે કોઈ કામ ન કરવા માટે આપણું મન અને મગજ એક નહિ અનેક સારાં બહાનાં કાઢતું હોય છતાં પણ તેને સ્વીકાર્યા વિના પોતાનું કામ સમય પ્રમાણે કરવું જ.’આ ચેલેન્જનો સામનો બધા જ જીવનમાં ઘણી વાર કરતાં હોય છે પણ તેની સામે જીતી શકતા નથી.મેં મારા જીવનમાં ઘણી વાર આ ચેલેન્જનો સામનો કર્યો છે અને એક વાર પણ હાર્યો નથી. મારી ઉંમર કામ છોડવાનું ઉત્તમ બહાનું છે પણ હું માન્યો નથી.આજે મારો જન્મદિવસ કામ ન કરવાનું સરસ બહાનું પણ મેં કામ કર્યું જ.આમ જયારે જયારે મન અને મગજ એકદમ સારામાં સારાં બહાનાં કાઢે છતાં તમે હાર્યા વિના કામ કરતાં જ રહો તો ચેલેન્જ જીતી શકો.આ બહાનાં આપણા મનને સારું લગાવે કે હું તો કામ કરવા ચાહું છું પણ આ કારણ છે પણ ખરેખર તે કારણ નથી, કામ ન કરવાનું બહાનું છે.’
પત્રકારે પૂછ્યું, ‘સર , તમે ચેલેન્જ જીતો છો પણ બધા જીતી શકતાં નથી તો જીતવા શું કરવું જોઈએ.’ ચૈતન્ય સર બોલ્યા, ‘સૌથી પહેલાં તો આ મન અને મગજનાં બહાનાં પર ધ્યાન જ ન આપો. હંમેશા જાગ્રત રહો.પોતાની કામ અને જીવન પ્રત્યેની ફરજો સમજો અને તેને સમયસર નિભાવો.દરેક બદલાવ સ્વીકારો.દરેક સમસ્યાનો સામનો કરો.નવા રસ્તા શોધો પણ કોઇ પણ કારણસર અટકો નહિ.મન અને મગજે બનાવેલાં બહાનાં સ્વીકારો નહિ.જેટલાં બહાનાં સ્વીકારવાથી દૂર રહેશો એટલાં સફળ થશો.’ચૈતન્ય સરે જીવનની સૌથી મોટી ચેલેન્જ જણાવી તેની સામે જીતવાનો રસ્તો પણ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.