સત્તા મોહનું મોટું કારણ વૈશ્વિક સ્તરનું પેટ્રોલિયમ પૉલિટિક્સ

રશિયાએ  યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પુરેપુરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણકે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. USAના પ્રમુખ જો બિડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પુરો પાડે છે ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુલ–અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ-ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે. 

યુક્રેનિયન હાયડ્રોમિટિરિયોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના એક વૈજ્ઞાનિકે વિધાન કર્યું હતું કે પુતિને છેડેલા જંગનું કારણ ફોસ્સિલ ફ્યુલ જ છે. પહેલીવારમાં અજુગતું લાગે પણ ઊંડો અભ્યાસ કરનારાઓના મતે અશ્મિગત ઇંધણ પર આધાર રાખનારા રાષ્ટ્રોની ઉગ્રતાનું કારણ હોય છે ઇંધણ પર તેમના કાબુને કારણે આવેલો આત્મવિશ્વાસ. ઓઇલને કારણે આવેલા પૈસાને કારણે પુતિન કોઇપણ પ્રકારના સ્થાનિક રાજકીય બંધનોને ફગાવી દઇને સૈન્યને મજબુત બનાવી, લાવ લશ્કર સજજ્ કરીને વિદેશ નીતિને નેવે મુકીને મનફાવે એ સાહસ કરી શકે છે. પેટ્રો-એગ્રેશન નામના એક પુસ્તકમાં કરેલા સંશોધન અનુસાર જે પણ રાષ્ટ્રોના અર્થતંત્ર અને રાષ્ટ્રીય બજેટનો આધાર ઓઇલ અને ગેસની નિકાસ પર રહેલો છે તેઓ સંઘર્ષ તરફી રાષ્ટ્રો છે.

પુતિનના આ ખેલમાં યુરોપિયન યુનિયને નવી એનર્જી પૉલિસી જાહેર કરી છે જેમાં તેઓ રશિયન નેચરલ ગેસ પરની આધિનતા ઘટાડીને અશ્મિગત ઇંધણનો બને એટલો ઓછો ઉપયોગ થાય તે દિશામાં કામ કરવા માગે છે. USAમાં રશિયન ગેસ અને ઓઇલની આયાત બંધ કરી દેવાઇ છે. બીપી, શેલ અને એક્સોનમોબિલ જેવા ઓઇલ મેજર્સે રશિયામાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે. આ બધું હોવા છતાંય પુતિન એશિયાઇ દેશોમાં તો ઓઇલનો વ્યાપાર કરી જ શકશે પણ ત્યાં કિંમતોમાં મોટુંમસ ડિસ્કાઉન્ટ આપવું પડશે. ઓર્ગેનાઇઝેશન ઑફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC)ના ૧૩ સભ્યો છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતા ૫૫% ઓઇલ પ્રોડ્યુસની લે-વેચનો કાબુ OPEC પાસે છે, તેનો હેતુ હોય છે વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર રાખવું. OPECને ઓઇલ કાર્ટેલમાં ખપાવનારા પણ છે અને તેનો મોટાભાગનો કાબુ સાઉદી અરેબિયા પાસે છે તેમ મનાય છે.

કેનેડા, USA અને રશિયા OPECના સભ્ય નથી પણ છતાંય વૈશ્વિક સ્તરે ઇંધણના માર્કેટમાં તેમનું સ્થાન મહત્વનું છે. હવે અહીં જીઓપૉલિટિકલ ખેલ શરૂ થાય છે. OPECના કેટલાંક સભ્યો સાથે USAને રાજકીય તાણ છે એટલે તેમને તેમાં જોડાવામાં રસ નથી, વળી ઉર્જાને મામલે સ્વતંત્ર રહેવાની ચાહમાં USA મહદંશે સફળ રહ્યું છે. તેને OPECની પડી નથી. રશિયાને OPECમાં નથી જોડાવું કારણકે તે પોતાના આંતરરાષ્ટ્રીય હિતોને અગ્રિમતા આપવા માગે છે અને OPECના સભ્ય થયા પછી તેના નિયમો અને ધારા ધોરણોને પાળવાનું રશિયાને માફક નહીં આવે. OPECના સભ્ય ન હોવા છતાં પણ USA અને રશિયાનું આ તાણાવાણામાં અગત્યનું સ્થાન છે. OPECનું મહત્વ છે કારણકે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલની કિંમતોને સ્થિર રાખવાનું કામ કરે છે અને OPECનું સિંહાસન વૈશ્વિક સ્તરે હચમચી ન જાય તેને માટે પણ OPEC કામ કરે છે. આ કારણોસર સાઉદી અરેબિયા અને રશિયાનું સંધાન થયું કારણકે OPECની નીતિ સાઉદી અરેબિયાએ તૈયાર કરી છે અને રશિયામાં વિશ્વનું સૌથી વધુ ઓઇલ ઉત્પન્ન થાય છે.

આમ બન્ને રાષ્ટ્રો મળીને OPEC મારફતે પોતાને લાભ થાય એ રીતે ઓઇલની કિંમતોને રમાડ્યા કરે છે. સાઉદી અરેબિયા અને રશિયા ઓઇલની કિંમતો નક્કી કરવા એક થઇ શકે છે પણ USA સાથે બન્નેના સમીકરણો જુદા હોવાને કારણે રાજકીય વિભાજન પણ થવાનું. વોશિંગ્ટન, મોસ્કો અને રિયાદ વચ્ચેના સ્પર્ધાત્મક સંબંધોએ OPECની કામગીરી અશક્ય બનાવી છે. USA એક બહુ વગદાર ખેલાડી છે અને ધારે તો ઓઇલની કિંમતોને લઇને થતી ચડભડ, સંઘર્ષ, યુદ્ધને તે અટકાવી શકે છે. ટ્રમ્પ જ્યારે USAના પ્રેસિડન્ટ હતા ત્યારે તેમણે તો ઓઇલની કિંમતોને લઇને થતા સંઘર્ષને ગ્રાહકો માટે ફાયદાકારક ગણાવેલો પણ ટ્રમ્પની બુધ્ધિમત્તા વિષે કંઇ બહુ ચર્ચા કરવા જેવી નથી. રાજકીય મહત્વકાંક્ષાને કારણે આખરે ટ્રમ્પ સરકારે સાઉદી અરેબિયા અને રશિયાને એકમત કરીને કિંમતો પર કાબુ કરાવવો પડેલો.

USAને પોતાના ઓઇલ ઉદ્યોગની રક્ષા કરવામાં રસ છે. આ તરફ રશિયાએ વિદેશ નીતિને મામલે ઉગ્રતા દાખવી છે તેનો સીધો સંબંધ ઓઇલથી મળેલા ધન સાથે છે. ૧૯૭૯માં સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર ચઢાઇ કરી ત્યારે ઓઇલની કિંમતો આસમાને હતી કારણકે ઇરાન-ઇરાક સંઘર્ષ ચાલતો હતો. ૨૦૦૮માં વૈશ્વિક સ્તરે ઓઇલની કિંમતો સૌથી વધારે હતી કારણકે પુતિનના રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કરેલો જે મૂળે યુક્રેન પરના હુમલાની એંધાણી હતી. આ હુમલાઓ પહેલાના સોવિયેટ સ્ટેટ પર કાબુ મેળવવા કરાયેલા હતા. ૨૦૧૪માં રશિયાએ ક્રિમિયાને સાટામાં લીધું તે પણ એવા સમયે જ્યારે તેલની કિંમતોમાં બહુ હલચલ હોવા છતાંય વૈશ્વિક મંદીમાંથી બેઠા થવાની કોશિશને કારણે કિંમતો ઉપર જ હતી. રશિયાની વિસ્તરણની વિદેશ નીતિ બહુ ગણતરી પૂર્વકની છે કારણકે પોતે પેટ્રોસ્ટેટ છે તે આ નીતિનો પાયો બને છે. આખી દુનિયામાં એ દરેક રાષ્ટ્રના પ્રમુખને મહત્વ મળે છે જેની પાસે ઓઇલ અને ગેસનો પુરવઠો છે. USAએ રશિયન ઓઇલ પર મુકેલો પ્રતિબંધ એનર્જી માર્કેટમાં મોટી હલચલ લાવશે. રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઓઇલની કિંમતો બેકાબૂ રીતે વધી છે અને આ સંજોગોમાં વૈશ્વિક ફુગાવાનો ડર પણ નકારવા જેવો નથી.

બાય ધી વેઃ
આ આખી રમતમાં સસ્ટેનેબલ એનર્જી, ગ્રીન એનર્જી, ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓનો પણ મોટો ફાળો છે. જેટલા જલ્દી રાષ્ટ્રો ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધશે, ઓઇલ અને ગેસ પર આધાર રાખનારા રાષ્ટ્રો નબળા પડશે, તેમનું મહત્વ ઘટશે. પરંતુ કમનસીબે ક્લાઇમેટ ચેન્જની સરકારી નીતિઓને મામલે થતું રાજકારણ પણ પેચીદું છે. આપણે આપણા દેશની જ વાત કરીએ તો આપણી સ્થિતિ કપરી છે કારણકે આપણને ઊર્જાના મોટા જથ્થાની જરૂર છે. યુદ્ધને કારણે ભારતે પણ તેલની કિંમતોમાં આવતા ફુગાવા, નવા પ્રતિબંધો વગેરેને મામલે રાજકીય સમીકરણો ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડે તેમ છે. આપણે રશિયા પાસેથી ઓઇલ લીધું તે USAને કઠ્યું છે. ઉદ્યોગકારોને મોટાભા બનાવવામાં આપણે ત્યાં પર્યાવરણનું નિકંદન તો નીકળી જ રહ્યું છે એમાં વૈશ્વિક સ્તરનું પેટ્રોલિયમ પૉલિટિક્સ આપણને કેટલી ઝાળ લગાડશે તે જોવું રહ્યું.

Most Popular

To Top