સુરત: સુરતમાં 12 થી 22 ડિસેમ્બર બિગ ક્રિકેટ લીગ કાર્નિવલ જામશે. બિગ ક્રિકેટ લીગ (BCL)નું ભવ્ય લોન્ચિંગ 12 ડિસેમ્બર, 2024ના રોજ પ્રતિષ્ઠિત SDCAનાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત ખાતે થશે. ઉદઘાટન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે, 12મીએ ઉદઘાટન મેચમાં પ્રેક્ષકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવશે.
ક્રિસ ગેલ, સુરેશ રૈના, ઈરફાન પઠાણ, શિખર ધવન, ઈમરાન તાહિર, યુસુફ પઠાણ, અને તિલકરત્ને દિલશાન સહિત પ્રખ્યાત ક્રિકેટ સ્ટાર્સ રમતાં જોવા મળશે. તે ઉપરાંત હર્શેલ ગિબ્સ, લેન્ડલ સિમન્સ, ડ્વેન સ્મિથ, ઉપુલ થરંગા અને સ્ટુઅર્ટ બિન્ની જેવા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સ્થાનિક ઉભરતા ક્રિકેટરો સાથે રમશે.
- સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 12 થી 22 ડિસેમ્બર બિગ ક્રિકેટ લીગ જામશે
- 12મીએ ઉદઘાટન મેચમાં પ્રેક્ષકોને વહેલા તે પહેલાના ધોરણે વિનામૂલ્યે પ્રવેશ અપાશે
આ લીગમાં છ ટીમો રમશે. નોર્ધન ચેલેન્જર્સ, યુપી બ્રજ સ્ટાર્સ, રાજસ્થાન રીગલ્સ, એમપી ટાઈગર્સ, મુંબઈ મરીનાસ અને સધર્ન સ્પાર્ટન્સ – જેમાં ક્રિકેટના દિગ્ગજ, અનુભવી ખેલાડીઓ અને ઉભરતી પ્રતિભાનો સમાવેશ થાય છે.
પત્રકાર પરિષદને સંબોધતા આર.પી. સિંહ અને પુનીત સિંહે કહ્યું હતું કે, “બિગ ક્રિકેટ લીગ પ્રતિભા અને ટીમ વર્કની ઉજવણી છે. “ભારતના યુવાનોને આંતરરાષ્ટ્રીય મહાન ખેલાડીઓ સાથે રમવાની તક આપીને તેમના સપનાને સાકાર કરવા માટે આ એક પ્લેટફોર્મ છે.
BCL પ્લેયર્સમાં દરેક ફ્રેન્ચાઇઝીએ 18 ખેલાડીની એક ટીમ પસંદ કરી હતી, જેમાં છ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી, છ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને દસ સ્થાનિક ઉભરતા ખેલાડીનો સમાવેશ થતો હતો. આ અનોખો ખ્યાલ સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક ક્રિકેટ આઇકોન્સ સાથે ક્ષેત્ર શેર કરવાની આજીવન તક આપે છે. લીગના ફ્રેન્ચાઈઝી માલિકોમાં રવિના ટંડન, રાશા થડાની અને સુપ્રીમ કોર્ટના વકીલ સના રઈસ ખાન જેવી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે, જે ટૂર્નામેન્ટમાં ગ્લેમરનો સ્પર્શ ઉમેરશે.
યુવા ક્રિકેટરોને લીજેન્ડ ક્રિકેટરો સાથે રમવાની તક મળશે : ડેરીલ કુલીનન
90નાં દાયકાના દક્ષિણ આફ્રિકા ટોપ ઓર્ડર બેટ્સમેન ડેરીલ કુલીનનએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, બિગ ક્રિકેટમાં યુવા ક્રિકેટરોને લિજેન્ડ ક્રિકેટરો સાથે રમવાનો મોકો મળશે. તેઓ પ્રેક્ટિસ, ડ્રેશીંગ રૂમ શેર કરશે. અનુભવ અને એકપોઝર સાથે ઇન્ટરનેશનલ મેચ જેવું પ્રેશર ફીલ કરશે. એક પ્રશ્નનાં ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, મહત્વની ટુર્નામેન્ટમાં ભારત અને સાઉથ આફ્રિકન ટીમ સેમી ફાઈનલ, ફાઈનલમાં હારી જાય છે, બે કારણો હોય છે.
આ બે દેશોનાં લોકોની અપેક્ષા ખૂબ હોય છે. ખેલાડી મહત્વની મેચોમાં દબાણ અનુભવે છે, એની અસર દેખાવ પર પડે છે. હમણાં 30 બોલમાં 30 રન આફ્રિકન ટીમ બનાવી શકી ન હતી. આ બંને દેશો સતત T 20 ફોર્મેટ રમવાને લીધે ભારત અને સાઉથ આફ્રિકન ટીમ 50 ઓવરની ટેસ્ટ મેચમાં સંઘર્ષ કરતી જોવા મળે છે. ટેસ્ટ મેચ ધીરજ અને માઈન્ડ ગેમની રમત છે.