વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં રસ્તા ઉપર ખાડા પડવા પીવાના પાણીની ડ્રેનેજ સહિત ભુવા પડવાની સમસ્યા આમ વાત બની ગઈ છે દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કંઈકને કંઈક નવી એક સમસ્યાનો ઉમેરો થતો જ હોય છે તેવામાં ખોડીયાર નગર સયાજી પાર્ક પાણીની ટાંકી પાસે શરણમ ચાર રસ્તા નજીક છેલ્લા કેટલાક દિવસથી નિર્માણ પામેલ ભુવો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. આજ દિન સુધી આ ભુવો પુરવામાં નહીં આવતા વિસ્તારના લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી છે.
વડોદરા મહાનગર પાલિકા તંત્ર છાશ વારે વિવાદોના વંટોળમાં ઘેરાયેલું જોવા મળ્યું છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં જ્યાં અનેક સમસ્યાઓની ભરમાર જોવા મળી છે.ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભુવો માર્ગ પર પડ્યો હોવા છતાં પણ આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા તેને પુરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા વિસ્તારના લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો છે.આ અંગે વિસ્તારના સામાજિક આગેવાને જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરામાં પૂર્વ વિસ્તાર ખોડીયાર નગરની અંદર આવેલ સયાજી પાર્ક પાણીની ટાંકી પાસે શરણમ ચાર રસ્તા નજીક છેલ્લા ત્રણ ચાર દિવસથી એક મસ્ત મોટો ભૂવો નિર્માણ પામ્યો છે.આ માર્ગ ઉપર થી દરરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે.
પરંતુ પોતાની એસી કેબિનમાં બેઠેલા પાલિકાના અધિકારીઓ હજી પણ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા છે.શું પાલિકા અને તેના અધિકારીઓ વડોદરા શહેરનું કોઈ નાગરિક આ ભુવામાં પડશે અને પોતાનું સ્વજન કોઈ ગુમાવશે.ત્યારે આ શાસકો પોતાની આંખો ખોલશે.ત્યારે ચૂંટાયેલા પાંખના પ્રતિનિધિઓનો અંકુશ અધિકારીઓ પર નથી.જેના કારણે છાશવારે પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા થતી રહે છે અને એને દૂર કરવામાં પાલિકાના અધિકારીઓને કોઈ રસ નથી.કારણ કે એમની ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ છે નહીં.બે લગામ બની ચૂકેલા આ અધિકારીઓ ના પાપે વડોદરા શહેરનો કોઈ નાગરિક કોઈ પરિવાર સ્વજન ગુમાવે અને તે પછી જ આ ભુવાને રીપેરીંગની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ દુઃખદ બાબત છે.માટે વહેલામાં વહેલી તકે આ ભુવો પુરવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે