રાષ્ટ્રપિતાએ ધનવાનોને ટ્રસ્ટીશીપની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો અને ભારતમાં તો યુગે યુગે દાનવીરો માનવતાને ઝળહળાવતા રહ્યા છે. ધન સંપત્તિ તે ઇશ્વર અલ્લાહની દેણ માનનારા સાચો ધર્મ અદા કરે છે. હાલમાં એક એવા દાનવીરની વાત કરવાની છે કે જેમણે વર્તમાન અદાણી, અંબાણી, નારાયણ મૂર્તિ, રતન ટાટાનેય પાછળ પાડી દીધા છે. માનવતાના એ જયોતિર્ધર અઝીમ પ્રેમજી છે. તેમના દાનની અધધ રકમ જાણીને આશ્ચર્યથી આંખો પહોળી થઇ જાય તેમ છે અને તેમને વિશ્વમાં શ્રેષ્ઠ દાનવીર ઠેરવે છે. તેમના દ્વારા થયેલા દાનની રકમ બાર અંકોની નોંધાઇ છે. બે ખર્વ, ઓગણપચાસ અબજ, પિસ્તાળીસ કરોડ, અડતાળીસ લાખ, દસ હજારથી વધુ રૂપિયાનું દાન અઝીમ પ્રેમજી કરી ચૂકયા છે. વિશ્વના તમામ શ્રીમંતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ તેમણે પૂરું પાડયું છે. તેઓ ભારતરત્ન જ નહીં વિશ્વરત્ન બની ચૂકયા છે. નફરત અને મોહબ્બતના સંઘર્ષમાં ધર્મ, ભાષા, પ્રાદેશિકતા જેવા ભેદભાવોને દૂર કરી સભ્ય માનવ સમાજનું નિર્માણ આવા સપૂતો દ્વારા જ થાય.
સુરત – યૂસુફ ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વધતા જતા અકસ્માતો ચિંતાજનક
દેશભરમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક સ્તરે વધી રહ્યા છે. તે માટે નીચેના કારણો જવાબદાર છે. (1) બારતના રસ્તાઓ પર વિદેશી કંપનીઓની મોટરો ચાલે છે. જે વિદેશી માર્ગોને અનુરૂપ બનાવી છે. તેથી સ્પીડ લીમીટ 80 કી.મી.થી વધુ હોવી જોઈએ નહીં. (2) વાહનોની હેડલાઈટના પ્રકાશથી વાહનો ટકરાય છે. તેથી વાહનોની હેડલાઈટો પર કાળી-પીળી પટ્ટી ફરજીયાત કરો. જેથી સામેવાળો વાહન ચાલક અંજાઈ ન જાય. (3) ખખડધજ વાહનોને દૂર કરો. (4) સ્ટેટ હાઈવે પર દરેક ચોકડીએ હળવા બંફર બનાવો. (5) ભારે ટ્રાફિકવાળા માર્ગો પર ખાડા સત્વરે દૂર કરો. (6) વિમાનોની વારંવાર ચકાસણી કરો.
વલ્લભવિદ્યાનગર. – જગદીશ ઉપાધ્યાય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
યુદ્ધ ક્યારે અટકશે?
રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય થયો. હજારો-સૈનિકો અને નાગરિકો બંને પક્ષે માર્યા ગયા. યુક્રેનને બરબાદ કરીને પુતિન શો લાભ લેવા માગે છે તે સમજાતું નથી. મકાનો, પુલો, સ્ટેશનો, વિદ્યુત મથકો, લશ્કરી બંકરો, બધું ખતમ થયું છે. યુક્રેન હવે રહેવા જેવો દેશ રહેવા દીધો નથી. ઇઝરાયેલ ગાઝાપટ્ટી પર દરરોજ હુમલો કરી રહ્યું છે. રોજેરોજ 50-100 માણસો મરી રહ્યા છે. હવે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાથી 100 નિર્દોષ વ્યક્તિઓ મોતને ભેટી છે. આમ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિનાશનો કાળો કેર વરતાઈ રહ્યો છે. રાજકીય નેતાઓને માત્ર પોતાનો અહંમ સંતોષવો છે અને લાખો લોકોનું જીવન, મિલકત બરબાદ થઈ રહ્યા છે. શાંતિ માટે સ્થપાયેલ યુનો આટલા લાંબા સમય પછી પણ શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યું છે તે વિશ્વની કમનસીબી છે. આ દેશોના નાગરિકો માટે સુખી, આનંદી અને ભયમુક્ત જીવન, માત્ર હવાઈ વાતો જ કહેવાય.
બનાસકાંઠા. -અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.