Charchapatra

શ્રેષ્ઠ ભેટ

એક અત્યંત સુંદર રાજકુમારી હતી, તેનો સ્વયંવર રાખવામાં આવ્યો.સ્વયંવરમાં રાજકુમારીએ કહ્યું કે બધા રાજકુમાર આજથી એક મહિના પછી મને એક ભેટ આપશે અને જેની ભેટ સૌથી સુંદર અને શ્રેષ્ઠ હશે તેની સાથે હું લગ્ન કરીશ. બધા રાજકુમારોમાંથી મોટા ભાગના રાજકુમારો કિંમતી અને કોઈએ આજ સુધી જોઈ ન હોય તેવી વસ્તુઓ શોધવા નીકળી ગયા.એક રાજકુમારે પોતાના મહેલની સામે અત્યંત સુંદર મહેલ એક મહિનામાં તૈયાર કરાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરાવી. એક રાજકુમારે કુંવરીના મહેલની આજુબાજુની બધી જમીન પર દુનિયાભરમાંથી સુંદરતમ ફૂલોના રોપા મંગાવ્યા …જાણકાર માળીઓ બોલાવી સ્વર્ગથી પણ સુંદર બાગ તૈયાર કર્યો જેમાં સુંદર બેઠક ,ફુવારા અને વેલની કમાનો અને રંગબેરંગી ફૂલો હતાં.

બધા રાજકુમારો એક એકથી ચઢિયાતી ભેટ શોધવામાં અને તૈયાર કરવામાં પ્રયત્નશીલ હતા ત્યારે રાજકુમાર મેઘવ રોજ સાંજે કામ છોડીને નહિ, પણ પૂરાં કરીને કુંવરીને મળવા આવતા. રોજ કોઇ પણ રીતે કુંવરીની નાની નાની પસંદ જાણી તેમની મનગમતી ચીજ ભેટમાં લાવતા. ક્યારેક મોગરાનો ગજરો ..તો ક્યારેક ગાજરનો હલવો …કયારેક નાની સુંદર નકશીકામવાળી કટાર… એક મહિનો પૂરો થવાને હજી અઠવાડિયાની વાર હતી. રાજકુમાર મેઘવ રોજ કુંવરીને મળવા આવતાં જ અને એક દિવસ કુંવરી શિકારે ગઈ હોવાના ખબર મળ્યા એટલે રાજકુમાર કુંવરીની પાછળ જંગલમાં ગયા અને બનવાકાળ કુંવરી પોતાના કાફલાથી વિખૂટી પડી ગઈ હતી.

રાજકુમારે સમયસર પહોંચીને રાજકુંવરીને શોધી ,જંગલી જાનવરથી બચાવી પછી બંનેએ સાથે મળીને શિકાર કર્યો અને રાત્રે મહેલમાં પાછાં ફર્યાં. મહિનો પૂરો થયો, બધા રાજકુમારો હાજર થયા, એક પછી એક અવનવી અમૂલ્ય ભેટ રજૂ કરવા લાગ્યા…હીરા , મોતી ,દાગીનાના તો ઢગલા થઇ ગયા.મહેલ બનાવનાર રાજકુમાર અભિમાન સાથે આવ્યો અને મહેલની ચાવી કુંવરીને આપી…બધાને થયું કે કુંવરી આ રાજકુમારને જ પસંદ કરશે.બીજા રાજક્મારે કુંવરીને અને બધા રાજકુમારોને બાગમાં આવવા કહ્યું અને અતિ સુંદર બાગ કુંવરીને ભેટ આપ્યો. બધા આ સ્વર્ગથી સુંદર રમ્ય ભેટ જોઇને પણ અવાચક થઇ ગયા અને કુંવરી કોને પસંદ કરે છે તે જાણવા આતુર બન્યા. રાજકુમાર મેઘવ તો આજે પણ સૌથી પહેલાં આવીને કુંવરીની સાથે ને સાથે હતા.

તેઓ આજે પણ સુંદર ગજરો લઈને આવ્યા હતા. તેમણે ગજરો કુંવરીને આપ્યો.બધા મૂછમાં હસ્યા કે આટલી કિંમતી ભેટ અને આ ગજરો….. કુંવરીએ વરમાળા રાજકુમાર મેઘવના ગળામાં પહેરાવી…બધાને નવાઈ લાગી.રાજકુંવરી બોલી, ‘મારા માટે ભેટ લેવા અને બનાવવામાં તમે મને ભૂલી ગયા, જયારે રાજકુમાર મેઘવ મને બિલકુલ ભૂલ્યા નહિ …રોજ મને મળવા આવ્યા, તમે બધાએ મને ભેટ આપવા માટે તમારી સંપત્તિનો ઉપયોગ અને તેનું પ્રદર્શન કર્યું, જયારે રાજકુમારે મારી પસંદ પહેલાં જાણી તે અનુસાર રોજ મને નાની નાની મારી મનગમતી એક નહિ ત્રીસ ભેટ આપી, જે ભલે મૂલ્યવાન નથી, પણ અણમોલ છે.કોઈ પણ સ્ત્રીને જીવનસાથી પાસેથી પ્રેમ ,આદર, સમય અને સાથ જોઈએ છે જે મને રાજકુમારે આપ્યા એટલે તેમની સમય -હાજરી-સાથ-સન્માનની ભેટ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે.’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top