પ્રાચીન સમયમાં ધનુષ વિદ્યામાં પારંગત હોવું એ વીરતાનું પ્રતીક ગણાતું હતુ અને પોતાનું નામ પરાક્ર્મીઓમાં નોંધાવવા બધા ધનુર્ધર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા. એક યુવક આ બધી જ સ્પર્ધામાં વિજયી થયો હતો, તે પોતાને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર સમજવા લાગ્યો હતો. તેણે જાણ્યું કે જંગલમાં રહેતા સંત ધનુષ વિદ્યાના જ્ઞાતા છે. તેમના જેટલું ધનુષ વિદ્યામાં પારંગત કોઈ નથી, પહેલાં તેઓ અન્યને શીખવતા હતા હવે શીખવતા નથી; મોટે ભાગે ધ્યાનમાં રહે છે.
ઘમંડમાં અંધ યુવાને જંગલમાં સંતના આશ્રમમાં જઈ પડકાર ફેંક્યો કે તમે ધનુષ વિદ્યામાં પારંગત ગણાવ છો તો મારો મુકાબલો કરો અને મને હરાવો. સંત સમજી ગયા કે યુવાન અહંકારી છે. તેમણે યુવાનને કહ્યું, “ભાઈ તું કેટલું જાણે છે તે મને દેખાડ તો ખરો પછી મુકાબલાનું નક્કી કરીએ.” અભિમાની યુવકે પોતાનું કૌશલ દેખાડ્યું. છેલ્લે એક તીર તેણે નિશાના પર લગાડ્યું અને પછી બીજા તીરથી પહેલાં તીરને ચીરી નાખ્યું અને અહંકાર સાથે સંતને કહ્યું, “શું તમે આવું નિશાન લગાવી શકો છો?”
સંતે યુવાનનું જ ધનુષ લઇ યુવાને મરેલા બીજા તીરને પોતે ત્રીજું તીર મારી ચીરી બતાવ્યું અને પછી યુવાનને પોતાની સાથે આવવાનો ઈશારો કર્યો. યુવાન અને સંત ચાલતા ચાલતા એક પહાડ પર પહોંચી ગયા, પછી તેઓ એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં બે પહાડની વચ્ચે એક ખીણ હતી અને તે ખીણ પર એક એકદમ જર્જરિત દોરડાનો પુલ બનેલો હતો. તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો અને કમજોર પુલ આમતેમ ડોલી રહ્યો હતો. સંત એ પુલની બરાબર વચ્ચે ગયા અને યુવાનને પૂછ્યું, “ભાઈ તું કહે ક્યાં નિશાન લગાવું? યુવાને દૂરના એક ઝાડ તરફ આંગળી ચીંધી. સંતે પળવારમાં તે ઝાડ પર તીર સાધ્યું અને તીર બરાબર નિશાન પર લાગ્યું.
હવે સંતે યુવાનને પુલ પર જઈ પોતે જ્યાં લગાવ્યું હતુ ત્યાં જ નિશાન લગાવવા કહ્યું…. યુવાન હિમંત ભેગી કરી પુલ પર ગયો. હજી ચાર ડગલા ચાલ્યો ત્યાં પુલ પવનથી હલવા લાગ્યો. યુવાન ડરી ગયો. પરસેવે રેબઝેબ થઇ ગયો. હાથમાંનું ધનુષ હાથમાંથી છૂટી ખીણમાં પડી ગયું. યુવાનની હાલત જોઈ સંત તેની પાસે ગયા અને હાથ પકડી પુલ પરથી પહાડ તરફ લઇ ગયા. પછી કહ્યું, “તું બેશક શ્રેષ્ઠ ધનુર્ધર છે, પણ તારા મન પર તારું નિયંત્રણ નથી. મન કાબૂમાં કરવું જરૂરી છે. મન પર તારો કાબૂ હશે ત્યારે જ દરેક નિશાન બરાબર લાગશે અને અભિમાનમાં અંધ બનીશ તો કોઈ નિશાન નહિ સાધી શકે.”
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
