Columns

સૌથી ઉત્તમ

બાદશાહ અકબર અને બિરબલની દોસ્તી પ્રખ્યાત છે.તેમના જીવનના અનેક પ્રસંગો જીવનની સરસ સમજ આપે છે. બાદશાહ અકબર વિદ્વત્તાના પૂજક અને ચાહક અને બીરબલ પ્રખર બુદ્ધિમાન. એક દિવસ ‘દિવાને આમ’માં બેસી નવરત્ન જોડે બાદશાહ અલકમલકની વાતો કરતા હતા. બાદશાહના દરબારમાં ઘણા ખુશામતખોરો પણ હતા. એક ખુશામત કરનારે બાદશાહની કૃપા મેળવવા કહ્યું,’ બાદશાહ સલામત, આપના જેટલી અઢળક અને ઉત્તમ સંપત્તિ કોઈ પાસે નહીં હોય.’ બીજા ખુશામતખોરને ઓર પાનો ચડ્યો.

તેણે કહ્યું,’ હજુર, તમારી તલવાર અને ઢાલ દુનિયાનાં ઉત્તમ હથિયાર છે.’ વળી ત્રીજો ખુશામતખોર બોલ્યો,’હજુર, આપના રાજ્યની સેના અને સૈનિકો બધાંને ઉત્તમ સુરક્ષા અર્પણ કરે છે અને આપના વૈદ્યરાજ ઉત્તમ દવા આપે છે.’ બાદશાહ અકબર તો આ વખાણો સાંભળીને રાજી રાજી થયા.  તેમણે બિરબલ સામે જોયું, બિરબલે બાદશાહ સામે થોડું ઉપાલંભભર્યું લુચ્ચું મલકી રહ્યા હતા. અકબર બાદશાહ સમજી ગયા કે જરૂર બિરબલના મનમાં કોઈ વાત છે.

તેમણે બિરબલને પૂછ્યું,’ શું આ બધી દરબારીઓની વાત સાથે તું સંમત છે કે નહીં?’ બીરબલે ઊભા થઈ અકબર બાદશાહને સલામ ભરી અને પછી કહ્યું,’ બેઅદબી માફ કરજો બાદશાહ, પરંતુ હું આ વાતો સાથે સંમત નથી. મારા મત મુજબ તો સૌથી ઉત્તમ સંપત્તિ આ ભૌતિક ખજાનો નહીં પરંતુ ‘સદ્બુદ્ધિ’ છે, જે તમને ખરા ધનવાન બનાવે છે. સૌથી ઉત્તમ હથિયાર તમારી તલવાર, ઢાલ કે અન્ય કોઈ બીજાને ઈજા પહોંચાડતું હથિયાર નહીં પણ સૌથી ઉત્તમ હથિયાર ‘ધૈર્ય’ છે, જે દરેક પરિસ્થિતિ સામે લડી શકે છે. ‘

બીરબલની આ વાત સાંભળી બધા ખુશામત કરનારા દરબારીઓ એકબીજાની સામે જોવા લાગ્યા. બિરબલે આગળ કહ્યું,’ હજુર, સૌથી ઉત્તમ સુરક્ષા સૈન્ય કે સેનાપતિ નહીં પણ એકમેક પ્રત્યેનો ‘વિશ્વાસ’ સાચી સુરક્ષા પ્રદાન કરે છે અને સૌથી ઉત્તમ દવા તો ‘હસવું’ છે. મન ભરીને હસવાથી ચિત્ત પ્રફુલ્લિત રહે છે અને તન તંદુરસ્ત રહે છે.’  બીરબલની વાત સાંભળી અકબર બાદશાહ ખુશ થયા અને હરહંમેશની જેમ તેને ઇનામ આપી તેનું બહુમાન કર્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top