Columns

શિસ્તની શરૂઆત

સવારે આઠ વાગ્યા હતા અને બીજલ ઉઠીને બુમાબુમ કરી રહી હતી, ‘મમ્મી તે મને ઉઠાડી કેમ નહીં, મારું વાંચવાનું બાકી છે આજે ક્લાસમાં ટેસ્ટ છે.’ સામે મમ્મી ગુસ્સે થઈને બોલી, ‘તને બે કલાકથી ઉઠાડું છું. સવારે છ વાગ્યાથી અને મને સવારે હજારો કામ હોય કેટલીવાર ઉઠાડવા આવું? દસ વાર તો આવી હતી, તું જ પાંચ મિનીટ, પાંચ મિનીટ કહીને કલાકો સુધી ઉઠતી નથી અને વળી ગુસ્સે થાય છે.’ બીજલની અને મમ્મીની બુમાબુમ ચાલુ જ હતી. બહાર હીંચકે બેસી છાપું વાંચતા દાદા અંદર આવ્યા અને બોલ્યા, ‘આ બુમાબુમ બંધ કરો. બીજલ તારો સમય ગુસ્સામાં બુમાબુમ કરવામાં બગાડવા કરતા તૈયાર થા અને ટેસ્ટની તૈયારી કર અને વહુ તમે શાંત થઈ જાવ.’

મમ્મી રસોડામાં જતી રહી. બીજલનો બબડાટ ચાલુ હતો, ‘દસ વાગે ટેસ્ટ છે, આઠ વાગી ગયા હવે શું તૈયારી કરું સમય જ ક્યાં છે? વહેલું ઉઠવું જરૂરી હતું.’ આ સાંભળી દાદા બોલ્યા, ‘બીજલ સમય બગાડ નહીં જે સમય છે તેનો ઉપયોગ કર અને તારે વહેલા ઉઠવું જરૂરી હતું પણ તું ન ઉઠી શકી, વાંધો નહીં હવે જે સમય છે તેનો ઉપયોગ કર અને સાંજે મને મળજે મારી પાસે વહેલા ઉઠવાના નાના પણ મહત્ત્વના કીમિયા છે તે તને કહીશ.’ બીજલ તૈયાર થઇ ટેસ્ટ આપવા ગઈ અને સાંજે ઘરમાં આવતા જ દોડીને દાદા પાસે ગઈ અને બોલી, ‘દાદા, મને વહેલા ઉઠવાના કીમિયા કહો મારે રોજ વહેલા ઉઠવું જ પડશે અને કાલે તો ગણિતની ટેસ્ટ છે એટલે બહુ જ જરૂરી છે પાંચ વાગે ઉઠવું.’

દાદા બોલ્યા, ‘જો વહેલા ઉઠવું હોય તો વહેલા સુવું પડે! આ સામાન્ય નિયમ તો તને ખબર જ હશે બરાબર? ખાસ નિયમ છે આગોતરી તૈયારી. બીજલ બોલી, ‘હા દાદા, પણ વાંચવાનું એટલું બધું છે કે વહેલા આઠ વાગ્યામાં સુઈ ન શકાય!’ દાદા બોલ્યા, ‘વાંધો નહીં, પણ રાત્રે બહુ ઉજાગરા કરવા નહીં એક લિમીટ નક્કી કરવી જોઈએ. બીજું રાત્રે એલાર્મ ફોનમાં નહીં ક્લોકમાં મૂકી તેને બંધ કરી શકાય એટલું નજીક નહીં પણ પલંગથી દૂર મુકવું અને મોબાઈલ ફોન તો રૂમની બહાર જ મૂકી દેવો.

હવે ખાસ વાત રાત્રે આ બધું કરી સુતા પહેલા જ તારે સવારે કેટલા વાગે ઉઠવું છે તે મન અને મગજને ત્રણ વાર બોલીને કહેવું અને ડાયરીમાં સવારે ઉઠીને શું શું કરવાનું છે તે લખી લેવું અને તૈયારી કરી લેવી. જો કાલે પરીક્ષા છે તારે પાંચ વાગે ઉઠવું છે તો પાંચ વાગે ઉઠીને શું કરવાનું છે? શું વાંચવાનું છે? તે બધું નક્કી કરી લખી લેવું અને સ્ટડી ટેબલ પર બુક્સ તે પ્રમાણે ગોઠવી દેવી. પરીક્ષાની તૈયારી હોય, ઘરનું કામ કે ઓફિસનો પ્રોજેક્ટ રીપોર્ટ આ કીમિયા વહેલા ઉઠવા માટે બધાને કામ લાગે છે કારણ કે, સવારે વહેલા ઉઠવું શિસ્ત છે તો તે શિસ્તની શરૂઆત આગલે દિવસે સાંજથી થવી જોઈએ.’ દાદાએ સોનેરી સલાહ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top